ઈમિગ્રેશન કાયદાના ભંગ બદલ ૩ વર્ષની જેલ

Saturday 16th April 2016 05:53 EDT
 
 

લંડનઃ ઈમિગ્રેશન કાયદાના ભંગ બદલ કેર એજન્સી CareFirst 24ના ડિરેક્ટર મહેન્દ્રસિંહ કૌઝીરામને કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા કરી હતી અને પાંચ વર્ષ સુધી કંપનીના ડિરેક્ટર બનવા માટે ગેરલાયક ઠેરવ્યા હતા. જજ પીટર ગોવર QC એ તેમના પત્ની સારસપેડીને પણ બે વર્ષ સસ્પેન્ડ રખાયેલી ૧૨ મહિનાની જેલ અને ૧૫૦ કલાક કોમ્યુનિટી સર્વિસની સજા ફટકારી હતી.

સટનની કંપનીમાં ગત જાન્યુઆરી ૨૦૧૩માં યુકે બોર્ડર એજન્સી ઈમિગ્રેશનની રેડ પડી હતી. તેના ૫૪ વર્કરમાંથી મુખ્યત્વે ફિલિપાઈન્સના વિદ્યાર્થી એવા ૧૨ વર્કર બ્રિટનમાં ગેરકાયદે રહેતા હોવાનું જણાયું હતું. તેમાંથી કોઈએ ટેક્સ કે નેશનલ ઈન્સ્યુરન્સની ચૂકવણી કરી નહોતી. કેટલાંક તો મિનિમમ વેજથી અડધી રકમમાં દિવસના ૨૪ કલાક કામ કરતા હતા.

રેડને લીધે સાઉથ લંડન અને સરેમાં સંખ્યાબંધ હોસ્પિટલો અને લોકલ ઓથોરિટીના લાભદાયક કોન્ટ્રાક્ટ ધરાવતી આ કંપની બંધ થઈ હતી. કંપની વિઝાના નિયમનો ભંગ કરીને અથવા જેના વિઝા પૂરા થઈ ગયા હોય તેવા માઈગ્રન્ટ વર્કરોને સેલ્ફ એમ્પ્લોઈડના બેઝિસ પર કામે રાખતી હતી.

કંપની માસિક ૨,૦૦૦ પાઉન્ડનો ચાર્જ લઈને ૮૧ વર્ષની ગ્લોરિયા ફોસ્ટરની સારસંભાળ રાખતી હતી. તેના વર્કર દિવસમાં ચાર વખત મુલાકાત લઈને તેમને સ્નાન, કપડાં બદલાવવા અને ખોરાક- પાણી પૂરા પાડતા હતા. રેડ બાદ નવ દિવસ સુધી તે ખાધાપીધા વિના રહ્યાં હતાં અને અપૂરતા પોષણ, કિડની ફેઈલ થવાથી નિઃસહાય હાલતમાં મૃત્યુ પામ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter