એક મુઠ્ઠીઉંચેરા માનવીની વસમી વિદાય

Wednesday 20th July 2016 06:21 EDT
 
 

યુકેભરમાં પાંચ પચીસ નહિ પણ પોણા ત્રણસો કરતા વધારે ફાર્મસી ધરાવતા વિખ્યાત ફાર્મસી ચેઇન ‘ડે લુઇશ’ના સ્થાપક અને ફાર્મસી ક્ષેત્ર સહિત ગુજરાતી સમુદાયમાં મોખરાનું નામ ગણાતા જાણીતા ફીલાન્થ્રોપીસ્ટ અને સેવાભાવી અગ્રણી કિરીટભાઈ પટેલનું શનિવારે તેમના ઘરે આકસ્મિક દુ:ખદ નિધન થયું છે.

યુકેના ફાર્મસી સેક્ટરમાં કિરીટભાઈ પટેલે ગૌરવભેર જે પ્રગતિના સોપાન સર કર્યા હતા તેટલી પ્રગતિ બહુ ઓછા લોકો કરી શક્યા છે. તેમના નિધનથી ફાર્મસી ઈન્ડસ્ટ્રી અને એશિયન કોમ્યુનિટી ઘેરા શોકમાં ડૂબી ગઈ છે. તેમની મહત્તા એટલી બધી હતી કે તેમના જેવા અજેય વ્યક્તિ આપણી વચ્ચે નથી તે માનવું ખૂબ મુશ્કેલ છે. તેમને જાણનારા લોકો માટે આગામી દિવસો વધુ અઘરા બની રહેશે તે હકીકત છે. તેમની છાપ તેમના જીવન કરતાં મોટી હતી જે સમયની રેત પર કાયમ રહી જશે અને ભાવિ પેઢી માટે સ્મારક બની રહેશે.

આ વર્ષના આરંભે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને તેમની સાથે લાંબી વાતચીત કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. વાતચીતમાં તેમણે યુનિવર્સિટીમાં અભ્યાસના પ્રારંભિક દિવસો, જીવનમાં સારી બાબતો પ્રત્યે સ્નેહ, અંગત માન્યતાઓ, એન્ટ્રેપ્રિન્યોર તરીકેના પ્રારંભિક દિવસો અને ફાર્મસી સેક્ટરમાં મહાન પ્રતિભા બનવા સુધીના ઝળહળતા વિકાસની સ્મૃતિઓ રજૂ કરી હતી. તે વાતો જ આજે તેમની સાચી શ્રધ્ધાંજલિ તરીકે રજૂ કરી રહ્યા છીએ.

તેમનો જન્મ કેન્યાના કિસુમુમાં ગુજરાતી બિઝનેસ ફેમિલીમાં થયો હતો. તેમના પિતા ભારત છોડીને કેન્યા ગયા હતા અને ત્યાં તેમણે શોપ શરૂ કરી હતી. કિરીટભાઈને ડોક્ટરીના અભ્યાસ માટે ૧૯૬૭માં ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા.

કિરીટભાઈએ પોતાના જુના સંસ્મરણોને તાજા કરતાં જણાવ્યું હતું કે ‘૧૯૬૦નો દાયકો હિપ્પી, રોક અને રોલ્સ, વાંકડિયા અને લાંબા વાળનો હતો. મેં ભણવામાં ધ્યાન આપ્યું નહોતું. હું ’૬૦ના દશકાના સાયમન અને ગાર્ફન્કેલ અને અન્ય મ્યુઝિક પ્રત્યે આકર્ષાયો અને દુન્યવી મોજશોખમાં પડી ગયો અને અભ્યાસમાં મધ્યમ ગ્રેડ આવ્યો હતો. હું મેડિસીનમાં જઈ શક્યો નહીં અને મેં ફાર્માસિસ્ટ બનવાનો નિર્ણય કર્યો. છ મહિના પછી ૧૯૭૪માં હું ફાર્માસિસ્ટ તરીકે ક્વોલિફાય થયો તે અરસામાં મારા પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું. તેઓ માત્ર ૫૪ વર્ષના હતા અને હું ૨૪ વર્ષનો હતો. ૧૯૭૫માં મેં કેન્ટમાં બે ફાર્મસી ખરીદી અને એક વર્ષ બાદ મારો ભાઈ, તેનો પરિવાર અને મારી માતા કેન્યાથી ઈંગ્લેન્ડ આવ્યા અને ટૂંક સમયમાં જ મેં ફાર્મસીની નાની ચેઈન ઉભી કરી. મેં તેને રાજકવિ સર સેસિલ ડે લુઇશ અને એક્ટર ડેનિયલ ડે લુઇશના પિતાના નામે “ડે લુઇશ” ફાર્મસી નામ આપ્યું. ભવ્ય સફળતા સુધીનું કિરીટભાઈનું ચડાણ હાર અને જીતથી ભરેલું હતું.

કિરીટભાઈએ યાદ કરતા કહ્યું, ‘૧૯૮૮માં બિઝનેસમાં હું લગભગ ખતમ થઈ ગયો હતો. ૧૯૮૬માં મારી ૩૨ શોપ્સ હતી અને ૧૯૮૮ સુધીમાં વ્યાજદર વધીને ૧૪ ટકા થતા હું લગભગ સાફ થવાની પરિસ્થિતિમાં મૂકાઈ ગયો. મારે ૮ શોપ્સ રાખીને બાકીની બધી શોપ્સ વેચી દેવી પડી હતી.’ ખૂબ ઓછાં લોકો ફરીથી બેઠા થઈ શકે તેવી સ્થિતિમાં કિરીટભાઈ ફિનિક્સ પક્ષીની માફક ફરીથી બેઠા થયા હતા.

મોટાભાગના સફળ વડાઓની માફક કિરીટભાઈ પણ પોતાના સ્ટાફના સશક્તિકરણમાં માનતા હતા. તેમણે જણાવ્યું, ‘તમામ ધ્યાન લોકો પર છે. તેમની સાથે વિનયપૂર્વક વર્તવું, તેમની સંભાળ લેવી અને તેમને સમર્થ બનાવવા. આમ, એક સફળ સંસ્થા થવાની ચાવી સ્ટાફના લોકો જ છે. અન્ય ફાર્મસીઓ કરતા અમારી ફાર્મસીના સ્ટાફની વર્તણુક તદ્દન અલગ જ છે.’

તમારા મતે સફળતાનો અર્થ શું તેવા પ્રશ્રના જવાબમાં કિરીટભાઈએ જણાવ્યું હતું કે 'મારા મતે લોકો તેમની સાથેના મારા સંબંધનું મૂલ્ય સમજે તે જ મારી સફળતા છે. સંપત્તિ ઉભી કરવી અને સમાજને કશું પરત ન આપવું તે મારી સ્ટાઈલ નથી. વ્યાપક સશક્તિકરણ, વધુ લોકોને કામ પર રાખવા અને સમાજને પાછું વાળવું તે મારા માટે સફળતા છે. મને મારા પરિવાર તરફથી ખુશી મળે છે, મારા સંતાનો મારા બિઝનેસમાં મહત્ત્વની કામગીરી બજાવે છે, સ્ટાફને મારા બહોળા પરિવારના સભ્યો ગણું છું અને તેઓ અમારા પરિવારને તેમના પરિવાર તરીકે માને છે.’

તેમણે કહ્યું કે બિઝનેસ ગુરુ નેપોલિયન હિલ તેમના માટે સૌથી મોટી પ્રેરણારૂપ હતા. ‘નેપોલિયન હિલે મને નકારાત્મક વિચાર ન કરવાનું શીખવ્યું હતું. મેં તેમની બુકમાંથી એક પાનું લીધું. ‘વિચારો અને સમૃદ્ધ બનો’ - બધું પોઝિટીવ વિચારવા અને પોઝિટીવ વર્તન વિશે હતું.

જીવનમાં ખેદ વિશે પૂછતાં તેમણે કહ્યું, 'મને જીવનમાં માત્ર એક જ વાતનું દુઃખ છે કે મારી સફળતા જોવા મારા પિતા હયાત નથી. તમામ લોકો કહે કે મારા લીધે તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. કોઈકે સમાજને પાછું વાળ્યું,’ દિમાગ કરતાં દિલનું વધારે માનવું એ કિરીટભાઈની ફિલોસોફી હતી.

પટેલ પરિવાર તરફથી ‘ગુજરાત સમાચાર’ ને પ્રાપ્ત મેસેજમાં જણાવાયું હતું કે, ‘રેસ્ટ ઈન પીસ’ કિરીટભાઈને લાગુ નહીં પડે. તેમની વિદાયની ઉજવણી તેમની ઈચ્છા મુજબ ડ્રીંક્સ, ફૂડ અને મ્યુઝિક સાથે થશે.

કિરીટ પટેલ: સુખદ સંસ્મરણો

- દાદુ સી. પટેલ.

કિરીટ અને જયંતી મારા વિસ્તૃત પરિવારજનો છે. અમે કેન્યાના કિસુમુ અને યુકેમાં બ્લેચીંગ્લી ખાતે સમગ્ર જીવન દરમિયાન પડોશી તરીકે રહ્યા છીએ.

કિરીટને ઘણી નાની વયથી યુકેના ટોન્ટનમાં બોર્ડિંગ સ્કૂલમાં મોકલાયો હતો અને તે પોર્ટ્સમથ યુનિવર્સિટીમાંથી ફાર્માસિસ્ટ તરીકે ક્વોલિફાય થયો હતો. તેનામાં પ્રેમ અને હાસ્ય છલોછલ ભર્યા હતા અને તે વિકેએન્ડસ પર યુનિવર્સિટીમાંથી ઘેર આવે તેની હંમેશાં અમે રાહ જોતા. તેની ડ્રેસસેન્સ તે વખતે બિટલ્સ જેવી હતી અને તે વિદ્યાર્થીકાળમાં સામાજિક પાસાને ભરપુર માણતો હતો. અમે મજાકમાં તે ક્વોલિફાઇડ છે તેવું માનતા નહીં અને તેથી તેનું સર્ટિફિકેટ દર્શાવવાનું પણ કહેતા હતા.

તે હંમેશાં નિર્દોષ તોફાનમાં રચ્યોપચ્યો હોવા છતાં ઘણો ફોકસ્ડ હતો અને સફળ બિઝનેસમેન બનવા ઇચ્છતો હતો. તેણે પોતાની પ્રથમ બે ફાર્મસી સેવનઓક્સ, કેન્ટમાં ખરીદી હતી અને બાકીનું તો યુકેના ફાર્મસી વિશ્વમાં સારી રીતે નોંધાયેલું જ છે. તેણે સેવનઓક્સમાં ભારે મહેનત કરી પોતાના વસ્ત્રપરિધાન અને હેરસ્ટાઇલ પણ બદલી એક રૂપાળા બેચલર તરીકે દેખાવા લાગ્યો હતો. ઘણા પેરન્ટસની નજરમાં વસી જવાથી તેમની દિકરીઓ સાથે પરિચય કરાવવા પણ અમને કહેતા હતા.

કિરીટ કોઈ ભારતીય છોકરીઓ સાથે મળવા ટેવાયેલો ન હોવાથી તે લગ્ન માટે છોકરીને જોવા જાય ત્યારે અમે તેને શું ન પૂછવું તેની સલાહ આપતા હતા. જોકે, અમે જાણતા હતા કે તે હંમેશાં વિચિત્ર સવાલો પૂછશે અને તેના પરિચયોનું પરિણામ જાણવા હંમેશાં આતુર રહેતાં. તે સારા દેખાવવાળી સારા વસ્ત્રો સાથેની તરવરતી છોકરીઓને મળવા ઇચ્છતો હતો અને એક વખત એવી છોકરી સાથે પરિચય કરાવાયો હતો, જે ઉનાળાના ગરમ દિવસે પણ ફુલ લેંથ વસ્ત્રો પહેરીને આવી હતી. કિરીટને જરાય ગમ્યું નહીં. આખરે મારાં કઝીને તેનો નલિની સાથે પરિચય કરાવ્યો. પહેલી જ નજરે કિરીટની આંખો પહોળી થઈ ગઈ ને તેણે કહ્યું ‘આ જ મારા માટે છે!’

કિરીટને પિતા ગુમાવવાનો ભારે રંજ હતો, જેઓ તેણે સફળતાની યાત્રા શરૂ કરી તે પહેલાં જ અવસાન પામ્યાં હતાં. તેણે ઘણી વખત આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, તેની માતાએ કિરીટને ભારે પ્રોત્સાહન આપ્યું હતું. પોતાના પુત્રને નોંધપાત્ર બિઝનેસ સફળતા અને ફાર્મસીમાં પ્રદાન માટે ક્વિન પાસેથી MBE અને યુનિવર્સિટી ઓફ બાથ પાસેથી માનદ ડોક્ટરેટ હાંસલ કરતાં જોઈ માતાપિતા ભારે ખુશ થયાં હોત.

કિરીટ સાચે જ ઉમદા માનવી હતો અને જેણે પણ મદદ માંગી તેણે નાણાકીય અથવા આશ્રય અને સલાહ આપવામાં પાછીપાની કરી ન હતી. તેણે તમામ ચેરિટીઝને ઉદાર હાથે મદદ કરી અને બંને ભાઈઓ તેમના પિતાના જન્મસ્થળે નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ ચલાવતા હતાં.

કિરીટે તેના બાળકો જય, રૂપા અને સેમના ઉછેર અને શિક્ષણ આપવા પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમની બિનશૈક્ષણિક સિદ્ધિઓ વિશે ગૌરવપૂર્વક વાત કરવામાં મારી સાથે સારો સમય વિતાવતો અને પોતાની બીજી, ત્રીજી અને ચોથી પેઢીના આગમનની ઉત્સુકતા સાથે રાહ જોતો હતો.

પરિવાર અને અસંખ્ય મિત્રો, સાથીઓ અને સહયોગીઓને કિરીટની ખોટ સાલશે. તે અમારામાં એક સિતારો હતો અને તેને કદી ભૂલાશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter