એડ મિલિબેન્ડ તો વિજય પ્રવચન લખવામાં મશગુલ હતા

Tuesday 12th May 2015 14:54 EDT
 

લંડનઃ ગુરુવારની રાત્રે લેબર પાર્ટી માટે આઘાતજનક એક્ઝિટ પોલના તારણો જાહેર કરાયા ત્યારે તો પોતાની પાર્ટીના વિજય માટે આત્મવિશ્વાસી એડ મિલિબેન્ડ સાઉથ યોર્કશાયરમાં તેમના મતક્ષેત્રના નિવાસે વિજય પ્રવચન લખવામાં મશગુલ હતા. એક્ઝિટ પોલના તારણો નિહાળતા જ તેમણે તેમના મુખ્ય રણનીતિકાર લોર્ડ વૂડને આદેશ કરી શેડો મિનિસ્ટર્સને રેડિયો અને ટેલિવિઝન પર વિજયી મુદ્રામાં ન દેખાવા સૂચના પહોંચાડી હતી.

કેટલાંક મતમથકેથી લેબર પાર્ટી સરકાર રચવા જેટલી બેઠકો મેળવશે તેવાં હકારાત્મક સંદેશાઓ મળવાથી મિલિબેન્ડ ઉત્સાહમાં હતા. આથી, એક્ઝિટ પોલના તારણો આવતાં જ તેઓ સ્તબ્ધ બની હાથમાં માથું પકડી બેસી ગયા હતા. આગાહીઓ ખોટી હોવાના બૂમબરાડા પાડવા લાગ્યા ત્યારે તેમના પ્રેસના વડા બોબ રોબર્ટ્સ પર પરાજયના એંધાણ મળેલા ઉમેદવારોના ટેલિફોન કોલ્સ આવતા હતા. રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના ખરાબ દેખાવ છતાં એડ મિલિબેન્ડ ૨૦૦૫થી પ્રતિનિધિત્વ કરે છે તે ડોનકાસ્ટર નોર્થ મતક્ષેત્રમાં લગભગ ૧૨,૦૦૦ મતની સરસાઈએ જીત્યા છે.

મિલિબેન્ડની મોટી મુશ્કેલી એ હતી કે તેમણે પોતાની આસપાસ તદ્દન બિનઅનુભવી બૌધ્દિકો અને વિચારકોની ટોળી જમાવી રાખી હતી. બે વર્ષ અગાઉ, પેટાચૂંટણીમાં સાંસદ બનેલાં લ્યુસી પોવેલે લેબર સાંસદોને ઈમિગ્રેશનની ચર્ચામાં ન ઉતરવા સલાહ આપી હતી. બ્લેરવાદી લોર્ડ મેન્ડલસને પૂર્વ રાજકીય ભૂલો અને ખાસ કરીને લેબર સરકાર દ્વારા અર્થતંત્રના ગેરવહીવટનો હિંમતથી સામનો કરવા મિલિબેન્ડને આપેલી સલાહ ફગાવી દેવાઈ હતી. મિલિબેન્ડે તો બીબીસી ક્વેશ્ચન ટાઈમની ચર્ચામાં વધુપડતા ખર્ચનો બચાવ કરીને લોકોનો રોષ વહોરી લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter