એર ઈન્ડિયા દ્વારા ૧૫ ઓગસ્ટથી નવી નોનસ્ટોપ ફ્લાઇટ્સનો આરંભ

Wednesday 10th August 2016 07:22 EDT
 
 

લંડનઃ એર ઇન્ડિયા દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટથી લંડન-હીથ્રોથી ભારતના અમદાવાદ અને યુએસએના નેવાર્ક માટેની નવી નોનસ્ટોપ ફ્લાઇટ્સનો આરંભ થઈ રહ્યો છે. હીથ્રોથી અમદાવાદની ફ્લાઇટ સપ્તાહમાં ચાર વખત (મંગળ, ગુરુ, શનિ અને રવિ) તેમજ નેવાર્ક માટે સપ્તાહમાં ત્રણ વખત (સોમ, બુધ અને શુક્ર) નોન સ્ટોપ ફ્લાઇટ હશે.

અગાઉ લંડન અને અમદાવાદ વચ્ચેની ફ્લાઈટમાં એર ઇન્ડિયાના પ્રવાસીઓએ મુંબઈ રોકાણ કરવું પડતું હતું અથવા દિલ્હી થઈને પ્રવાસ કરવો પડતો હતો. આ નોનસ્ટોપ સર્વિસથી આવવા અને જવામાં સાડા ત્રણ કલાકનો સમય બચી જશે.

પ્રવાસીઓ આ બંને રૂટ પર બોઇંગ ૭૮૭ ડ્રીમ લાઈનર એરક્રાફ્ટમાં સીધા પ્રવાસનો અનુભવ કરી શકશે. આ ફ્લાઇટમાં બિઝનેસ કલાસની ૧૮ બેઠક સંપૂર્ણ આરામ ઓફર કરશે. તેમજ ફ્લેટ બેડની સુવિધા પ્રવાસીઓ તેમના ગંતવ્ય સ્થાને તાજા માજા પહોંચે તેવી ચોકસાઈ મળશે. ઇકોનોમી કલાસની કેબિન્સમાં પણ બેઠકો ૩૩ ઈંચની લંબાઈ અને ૧૭ ઇંચની પહોળાઈની સુવિધા આપશે.

એર ઇન્ડિયાના યુકે અને યુરોપ માટેના રીજીયોનલ મેનેજર મિસ તારા નાયડુએ જણાવ્યું હતું કે ‘લંડન હીથ્રોથી અમદાવાદ સુધીની સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેર કરતાં અમને આનંદ થાય છે. યુકેમાં વિશાળ ગુજરાતી કોમ્યુનિટી માટે આ લોકપ્રિય ડેસ્ટીનેશન છે. આ ઉપરાંત લંડન હીથ્રોથી યુએસએની ફ્લાઇટ્સ પુનઃ શરૂ કરતાં પણ અમને આનંદ થાય છે. આ બંને ડાયરેક્ટ ફ્લાઇટ્સ યોગાનુયોગ ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટની સાથે શરૂ કરાશે.’

સ્ટાર એલાયન્સ મેમ્બર એર ઇન્ડિયા હવે યુકેથી ભારતના મુખ્ય શહેરોમાં પાંચ ફ્લાઇટ ઓપરેટ કરે છે. જે ભારતમાં ૫૦થી વધુ ડોમેસ્ટિક સ્થળોએ સાતત્યપૂર્ણ કનેક્શન્સની પસંદગી આપે છે. પ્રવાસીઓ બેંગકોક, કોલંબો, હોંગકોંગ, કાઠમંડુ, કુઆલા લુમ્પુર, માલદિવ્સ, મેલબોર્ન, સિઓલ, શાંઘાઈ, સિંગાપોર, સિડની અને ટોકયો જેવા આંતરરાષ્ટ્રિય કનેકશન્સનો લાભ મેળવી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter