એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ-યુ.કે.ના સૂત્રધાર ગોપાલભાઇ પોપટની ચિરવિદાય

Tuesday 15th June 2021 14:21 EDT
 
 

એશિયન ફોર હેલ્પ-યુ.કે.ના સૂત્રધાર ગોપાલભાઇ પોપટનું ૩ જૂન, ગુરૂવારે સવારે દુ:ખદ નિધન થયું છે. ૧૯૮૩માં ઇન્દુબહેન મહેતાએ જરૂરતમંદોને સહાય રૂપ બનવા એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પની સ્થાપના કરી હતી. આ સેવાલક્ષી સંસ્થાનો સ્વચ્છ વહીવટ અને નિ:સ્વાર્થ સેવાકાર્યથી પ્રભાવિત થઇ ગોપાલભાઇ આ સંસ્થા સાથે જોડાયા હતા. ગોપાલભાઇ તથા એમનાં ધર્મપત્ની લીલાવતીબેન ૧૯૭૨માં યુગાન્ડાથી ત્રણ દીકરા અને બે દીકરીઓ સાથે લંડન આવીને સ્થાયી થયા હતા. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ સાથે ઓતપ્રોત થયેલા આ સત્કર્મી ગોપાલભાઇના નેતૃત્વ હેઠળ મિલિયન્સ પાઉન્ડની સખવતો થઇ છે. તેમના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયા, ઇસ્ટ આફ્રિકામાં વર્ષે ૩૫થી વધુ આઇ કેમ્પ યોજાતા. ૨૦૧૮-૧૯માં ૮,૬૦૫ આઉટડોર પેશન્ટ્સની આંખોની તપાસ અને ૧,૧૨૧ કેટરેકટના ઓપરેશન થયાં હતાં. આ ઉપરાંત એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા હેરફિલ્ડ હાર્ટ હોસ્પિટલને £૨૨૦૦૦, મૂરફીલ્ડ હોસ્પિટલને £૬૩૦૦૦, નોર્થવિક પાર્ક હોસ્પિટલને £૭૦૦૦ અને કિંગ્સક્રોસની RNTNEહોસ્પિટલને લેટેસ્ટ ઇકવીપમેન્ટ માટે £૨૨૦૦૦ની ઉદાર સખાવત કરવામાં આવી હતી. અત્યારે એશિયન ફોર હેલ્પના ચેરમેન તરીકે ગોપાલભાઇના દીકરા હિતેશભાઇ પોપટ અને સેક્રેટરી અનિતાબેન રૂપારેલીઆ ઉપરાંત ટ્રસ્ટી કેતનભાઇ મહેતા, ગોવિંદભાઇ પટેલ(એમેઝીંગ ટાઇલ્સવાળા) તથા વિનુભાઇ કોટેચા જેવા કાર્યકરો સંસ્થાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. સદગતને અંજલિ આપતી પ્રાર્થના સભા ગયા શનિવારે બપોરે ઝૂમ ઉપર યોજાઇ હતી જેમાં સ્થાનિક અગ્રણીઓ સહિત ભારતના સંતમહાત્માઓ, વિખ્યાત કથાકારો અને આ સંસ્થા દ્વારા સેવા મેળવનાર સૌએ પોપટભાઇને ભાવાંજલિ આપી હતી. સદગતની અંતિમક્રિયા સોમવારે કરવામાં આવી હતી. સંપર્ક હિતેશભાઇ 07768 876 859


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter