લંડનઃ ભારતની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન યુકેમાં ૧૯૩૦થી ૧૯૪૦ના ગાળામાં ભારતીય રાષ્ટ્રવાદીઓની ગતિવિધિઓનું કેન્દ્ર બની રહેલી લંડનસ્થિત ઐતિહાસિક ઈમારત ધ ઈન્ડિયા ક્લબ અને સ્ટ્રાન્ડ કોન્ટિનેન્ટલ હોટેલ અસ્તિત્વ જાળવવાનો સંઘર્ષ કરી રહેલ છે. રિપોર્ટ્સ અનુસાર આ સ્થળે આધુનિક હોટેલ બાંધવાનો પ્લાન મૂકાયો હોવાથી જૂની ઈમારત તોડી પાડવાની યોજના છે.
આ મશહૂર ક્લબના મૂળ ભારતની આઝાદી માટે બ્રિટનમાં અભિયાન ચલાવનારાં એની બેસન્ટ દ્વારા સ્થાપિત ઈન્ડિયા લીગ સાથે સંકળાયેલાં છે. તે છેક ૧૯૪૬થી ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિયેશન યુકે સહિત ભારતીય જર્નાલિસ્ટ્સ અને બૌદ્ધિકોનું માનીતું સ્થળ રહ્યું છે. આ ક્લબે ભારતના પૂર્વ વડા પ્રધાનો જવાહરલાલ નહેરુ અને શ્રીમતિ ઈન્દિરા ગાંધીની મહેમાનગતિ પણ કરી હતી.
૧૯૯૭થી આ ઈમારતનો વહીવટ કરતા ગોલ્ડસેન્ડ હોટેલ્સ લિમિટેડના ડાયરેક્ટર યાદગાર માર્કર અને તેમના પત્ની ફ્રેની આ ઐતિહાસિક ઈમારતને બચાવવા તેનો સમાવેશ ઈંગ્લિશ હેરિટેજમાં થાય તેમજ નવી હોટેલની પ્લાનિંગ એપ્લિકેશન રદ થાય તેવા પ્રયાસો કરી રહ્યાં છે. તેમણે આદરેલી પિટિશનમાં ૧,૨૫૦ સહી થઈ છે અને હજુ ૮૦૦ સહીની જરૂર છે. આ અભિયાનને ભારતીય સાંસદ શશી થરુર સહિતના અગ્રણીઓનું સમર્થન પ્રાપ્ત થયું છે. થરુરના જર્નાલિસ્ટ પિતા ચંદન થરુર અને યુકેમાં આઝાદ ભારતના પ્રથમ હાઈ કમિશનર વીકે કૃષ્ણ મેનન આ ક્લબના સહસ્થાપકો હતા.