કીથ વાઝ સેક્સ સ્કેન્ડલમાં ફસાયાઃ સમિતિના ચેરમેનપદેથી રાજીનામું

Tuesday 06th September 2016 13:49 EDT
 
 

સૌથી લાંબા સમય સુધી એમપી તરીકે ભારતીયો અને એશિયન સમુદાયનું બ્રિટનની સંસદમાં પ્રતિનિધિત્વ કરનાર મૂળ ગોવાના વતની અને લેસ્ટર ઇસ્ટના લેબર એમપી કીથ વાઝે પૈસા ચુકવીને પૂર્વીય યુરોપના બે પુરુષ વેશ્યાઓ સાથે સજાતીય સંબંધો બાંધ્યા હોવાના આક્ષેપોના પગલે હોમ અફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન તરીકે રાજીનામુ આપ્યું છે. ટેબ્લોઇડ ‘સન્ડે મીરર’ અખબારના ચોંકાવનારા અહેવાલોને પગલે કિથ વાઝની એમપી તરીકેની ૩૦ વર્ષ લાંબી રાજકીય કારકિર્દીને જોરદાર ધક્કો લાગ્યો છે. બ્રિટનમાં હંમેશા અશ્વેત સમાજનું સમર્થન કરવા માટે જાણીતા વાઝે કહ્યું હતું કે ‘મારા કૃત્યને કારણે થયેલા દુ:ખ અને આઘાત બદલ હું ખાસ કરીને મારા પત્ની અને બાળકોની દિલથી માફી માગું છું.'

કિથ વાઝે "સન્ડે મીરર" અખબારે પોતાને સ્ટીંગ અોપરેશનમાં ફસાવ્યા હોવાનો દાવો કરી અખબારને વકીલ મારફતે નોટીસ આપનાર છે તેમ જણાવ્યું હતું. કિથ વાઝના આ સેક્સ સ્કેન્ડલની નોંધ સમગ્ર વિશ્વના અખબારો અને ટેલિવિઝન મીડીયામાં લેવાતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો. કિથ વાઝની ૨૯ વર્ષની રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે ૪ મિલિયન પાઉન્ડના મુલ્યની ૧૧ પ્રોપર્ટી કઇ રીતે વસાવી તે અંગે પણ પ્રશ્નો ઉઠાવાયા છે.

કિથ વાઝે પોતાના અનુગામી તરીકે ભૂતપુર્વ ટોરી મિનિસ્ટર ટીમ લાઉટનનું નામ સૂચવ્યું છે જેઅો એમપીઅો દ્વારા નવા ચેરમેનની પસંદગી ન થાય ત્યાં સુધી કાર્ય કરશે. કિથ વાઝે પોતાનું રાજીનામુ કમિટીને આપ્યા બાદ લાઉટને જણાવ્યું હતું કે નવા ચેરમેનની વરણી અોક્ટોબરમાં થશે. તેમણે જણાવ્યું હતું કે 'કિથ વાઝે અમને જે કાંઇ બન્યું તેની નિખાલસ માહિતી આપી હતી અને કમિટીએ ખેદ સાથે તેમનું રાજીનામુ સ્વીકાર્યું છે.

કિથ વાઝ સામેના શરમજનક આક્ષેપો

‘સન્ડે મીરર’ ટેબ્લોઇડે રવિવારે પોતાના એક્સક્લુસિવ અહેવાલમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ૧૯૮૭થી લેસ્ટર ઇસ્ટના લેબર પાર્ટીના સાંસદ તરીકે સેવાઅો આપતા અને બે સંતાનોના પિતા ૫૯ વર્ષીય કિથ વાઝે ગત તા. ૨૭ અોગસ્ટ ૨૦૧૬ના રોજ રાત્રે નોર્થ લંડનના એજવેર ખાતે આવેલા પોતાની માલિકીના ફ્લેટ પર ઇસ્ટર્ન યુરોપના બે પુરુષોને પૈસા આપીને બોલાવ્યા હતા. કિથ વાઝે પોતે ઇન્ડસ્ટ્રીયલ વોશીંગ મશીન વેચતા સેલ્સમેન જીમ તરીકે પોતાની અોળખ આપી હતી. કિથ વાઝે આ સમય દરમિયાન ડેટીંગ વેબસાઇટ એપ "ગ્રાઇન્ડર" પર પુરૂષ વેશ્યાઅોના ફોટા પણ જોયા હતા. તેમણે પુરૂષ વેશ્યાઅો સાથે અભદ્ર ટેક્સ્ટ મેસેજની આપ-લે કરી હતી અને એકને પ્રતિબંધિત ડ્રગ કોકેઇન લઇ આવવા અને કોકેઇન માટે પૈસા આપવા તત્પરતા દર્શાવી હતી. જોકે, તેમણે પોતે કોકેઇન લેતા ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જાતીય ક્ષમતા ઉત્તેજતી ડ્રગ 'પોપર્સ' લઇ આવવા માટે પણ જણાવ્યું હતું. તેમણે ત્રીજા પુરૂષ વેશ્યાને પણ બોલાવ્યો હતો જોકે તે આવી શક્યો ન હતો.

આક્ષેપ મુજબ કિથ વાઝે બે પુરુષ વેશ્યાઅો પૈકી એક સાથે જાતીય સંબંધ બાંધ્યા હતા અને વાતચીત દરમિયાન કબુલાત કરી હતી કે તેમણે આ અગાઉ અન્ય એક પુરૂષ વેશ્યા સાથે કોન્ડોમ પહેર્યા વગર અસુરક્ષિત સજાતીય સંબંધ બાંધ્યા હતા. જોકે તે કોઇ સંક્રમિત જાતીય બીમારી ધરાવતો હતો કે કેમ તેની ખબર નથી. કિથ વાઝે બે પુરૂષ વેશ્યાઅો સાથે જે વાતચીત કરી હતી તેનું રેકોર્ડીંગ કરાયું હતું. જે રેકોર્ડીંગના ક્લીપીંગ્સ 'સન્ડે મીરર' પાસે જઇ પહોંચ્યા હતા. એજવેરના જે ફ્લેટ પર આ સેક્સ સ્કેન્ડલ સર્જાયું હોવાનો આક્ષેપ થાય છે તે ફ્લેટ કિથ વાઝના £૨.૧ મિલિયનના મુલ્યના ઘરની નજીક જ આવેલો છે.

સેક્સ માટે યુવાન પુરુષોને નાણા ચુકવવાના કૌભાંડના પર્દાફાશ થયાના થોડાં સપ્તાહ પહેલાં કિથ વાઝ રેન્ટ બોયઝના સંપર્કમાં હતા તેવા આક્ષેપ કરાય છે. ઉનાળા દરમિયાન તેઓ પુરુષ વેશ્યાઓ સાથે નિયમિત મૈત્રીપૂર્ણ ટેક્સ્ટ મેસેજીસ દ્વારા સંપર્કમાં રહ્યાં હતા.

કિથ વાઝ પાર્લામેન્ટમાં

સન્ડે મીરર ટેબ્લોઇડમાં કરાયેલા આક્ષેપો બાદ સોમવારે કિથ વાઝ વેસ્ટમિન્સ્ટરમાં જઇ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બે પ્રશ્ન પૂછ્યા હતા. કિથ વાઝ આક્ષેપો બાદ પણ સ્વસ્થ દેખાતા હતા અને ચહેરા પર આત્મવિશ્વાસ છલકાતો હતો.

તપાસની માગણી

કન્ઝર્વેટિવ સાંસદ એન્ડ્રુ બ્રિજેને આ આક્ષેપો બાબતે યુકેના પાર્લામેન્ટ્રી કમિશ્નર ફોર સ્ટાન્ડર્ડ કેથરીન હડસન, મેટ પોલીસ કમિશ્નર સર બર્નાર્ડ હોગન-હોવ અને ચેરિટી કમિશનના ચિફ એક્ઝીક્યુટીવ પૌલા સસેક્ષને પત્ર લખ્યો છે. સુશ્રી હડસનને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે 'સિલેક્ટ કમિટીના ચેરમેન તરીકેના તેમના પદ સાથે આ આક્ષેપ કરતી પ્રવૃત્તિ મેળ ખાતી નથી.

બીજી તરફ કિથ વાઝે પોતાના વકીલ હાવર્ડ કેનેડી દ્વારા કાનૂની કાર્યવાહી થઈ શકે તેવી ચેતવણી આપતો પત્ર એમપી એન્ડ્રયુ બ્રિજેનને મોકલી આપ્યો છે. જેમાં ઈરાદા અને દ્વેષ સાથે ખોટી બદનક્ષીકારક માહિતી પ્રસરાવવાનો આક્ષેપ કરાયો છે. કિથ વાઝ તરફથી સેલીબ્રીટી લોયર માર્ક સ્ટીફન્સ કેસ લડશે જેઅો વિકિલિક્સના સ્થાપક જુલીયન અસાંજેના વકીલ છે.

કિથ વાઝ શું કહે છે?

કિથ વાઝે અખબારી સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે 'એક રાષ્ટ્રીય અખબાર દ્વારા તેમના વ્યક્તિગત જીવન અંગે જે અહેવાલ પ્રકાશીત કરાયો છે તે ખૂબજ ખલેલ પહોંચાડતો છે. મેં આ આક્ષેપો અંગે મારા સોલીસીટર્સને જાણ કરી છે અને તેઅો મને આ અંગે સલાહ આપશે.

કિથ વાઝે રાજીનામુ અપતાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે 'હોમ અફેર્સ સિલેક્ટ કમીટી દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય થાય છે અને તેથી કમિટીનું કાર્ય કોઇ અડચણ વગર ચાલે તે જરૂરી છે. તાજેતરમાં જે બનાવ બન્યા તે જોતાં મારૂ હોદ્દા પર રહેવું અસંભવ છે એને માટે હું દિલગીર છું. હું મારી એમપી તરીકેની ફરજના અડધા કરતા વધારે સમય સુધી કમિટીના સદસ્ય અને ચેરમેન તરીકે રહ્યો છું. જે લોકો બીજાનો હિસાબ રાખે છે તેઅો પોતાનો હિસાબ આપવા પણ બંધાયેલા છે તેથી હું રાજીનામુ આપુ છું. ચેરમેન તરીકે મારા નવ વર્ષના સમયગાળા દરમિયાન ૧૨૦ રીપોર્ટ્સ જાહેર કરાયા હતા અને ૧૧૩ મિનિસ્ટર તરફથી પુરાવા નોંધવામાં આવ્યા હતા અને ૧૩૭૯ સાક્ષીઅો તપાસવામાં આવ્યા હતા. મેં મારા રાજીનામા અંગે કમિટીને આજે જાણ કરી છે અને આ પળે હું મારા પરિવાર સાથે રહેવા માંગુ છું.'

સિલ્વર સ્ટાર ચેરીટીની સંડોવણી?

સન્ડે મીરરમાં દાવો કરાયો હતો કે પુરૂષ વેશ્યાને બેન્ક ટ્રાન્સફર દ્વારા અપાયેલા £૧૫૦ કિથ વાઝ દ્વારા સ્થાપવામાં આવેલી ચેરીટી 'સિલ્વર સ્ટાર' સાથે સંકળાયેલ વ્યક્તિએ આપ્યા હતા. જોકે સિલ્વર સ્ટારની કાનૂની ફર્મ કાર્ટર રુક દ્વારા રેન્ટ બોયઝને ચેરીટીના ખાતામાંથી નાણાંની ચૂકવણી કરાઈ હોવાના આક્ષેપનો ઈન્કાર કરાયો હતો. જોકે ચેરિટી કમિશને જણાવ્યું હતું કે જો અમને પગલા લેવા જેવું જણાશે તો અમે તે અંગે પગલા ભરીશું.

સિલ્વર સ્ટાર ચેરીટીના ટ્રસ્ટી ડો. માલદે મોઢવાડીયાએ ડેઇલી મેઇલને જણાવ્યું હતું કે 'અમે દરેક વ્યવહાર ચેરિટી કમિશનના નિયમોને આધીન માત્ર બિલ અને ઇનવોઇસના આધારે જ કરીએ છીએ. મને જાણ છે ત્યાં સુધી હું ગેરંટી આપીને કહી શકુ છું કે કશું જ ખોટું કે અનધિકૃત થયું નથી. તેમણે સિલ્વરસ્ટાર તરફથી નાણાં ચૂકવ્યા છે તે આક્ષેપ જરા પણ સાચો નથી. અમારા કોઇ સ્ટાફે પણ આ માટે નાણાં ચૂકવ્યા નથી. કિથ વાઝના સંબંધો અંગે તમણે જણાવ્યું હતું કે ગે હોવું તેમાં કાંઇ જ ખોટુ નથી. બની શકે છે કે તેઅો બેવડુ જીવન જીવતા હોય, પણ તેઅો સારા વ્યક્તિ છે અને તેમના મતક્ષેત્રના લોકોને ખૂબ મદદ કરે છે. ધ સિલ્વર સ્ટાર અપીલ ચેરીટી સંસ્થામાં ડો. ઇન્દ્રવદન પી. પટેલ, ડો. માલદે મોઢવાડીયા, સુશ્રી રોઝ કારટેર્ડર અને ડોમીની મેકોનેલ્ડર ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.

ડેઇલી મીરરમાં આક્ષેપ કરાયો હતો કે જે વ્યક્તિએ કિથ વાઝ વતી પુરૂષ વેશ્યાઅોના નોમીનેટેડ બેન્ક ખાતામાં તા. ૨૪ અોગસ્ટના રોજ £૧૫૦ ટ્રાન્સફર કર્યા હતા તેનું નામ ડેનીયલ ડિમિટ્રુ ડ્રાગુસીન છે અને તે લેબર પાર્ટીના પાર્લામેન્ટ્રી આસીસ્ટન્ટ તરીકે સેવા આપે છે અને કિથ વાઝ તથા સિલ્વર સ્ટાર ચેરીટી સાથે સંકળાયેલા છે. જોકે તેઅો આ નાણાં રેન્ટ બોઇઝને ચૂકવાયા તે બાબતથી અજાણ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કિથ વાઝ પોતે ડાયાબિટિસથી પિડાય છે અને ડાયાબિટિસ ચેરિટી સિલ્વર સ્ટારના સ્થાપક છે. આ નાણા ચેરિટી સાથે સંકળાયેલી વ્યક્તિ દ્વારા એસ્કોર્ટના ખાતામાં ચૂકવાયા હોવાનો આક્ષેપ કિથ વાઝે પણ નકારી કાઢ્યો છે.

વેશ્યાવૃત્તીને અપરાધ ન ગણો

કિથ વાઝ છેલ્લા દસ વર્ષથી અધ્યક્ષ હતા તે હોમ અફેર્સ સીલેક્ટ કમિટીએ આ વર્ષે જુલાઇમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં સેક્સ વર્કર્સને બોલાવવા અને પોતાની જગ્યા શેર કરવાના કૃત્યને ગુનાના દાયરામાંથી બહાર લઇ જવાની વાત કરી હતી. આ કમિટી બ્રિટનના પ્રોસ્ટિટ્યુશન કાયદાઓની સમીક્ષા કરી રહી છે, જેમાં સેક્સ કાર્યના અપરાધમાં ‘સેક્સ વેચવાના બદલે સેક્સ માટે નાણા ચુકવનારની જવાબદારી’ નિશ્ચિત કરવાના વિચારનો સમાવેશ થાય છે. આ કમીટીના ચેરમેન અને એમપી તરીકે પૂર્વ યુરોપ મિનિસ્ટર કિથ વાઝને કુલ વાર્ષિક ૯૦,૦૦૦ હજાર પાઉન્ડનો પગાર મળે છે.

વિવિધ નેતાઅોના મત

• ચીનમાં જી-ટ્વેન્ટી સમીટમાં ભાગ લેવા ગયેલા વડા પ્રધાન થેરેસા મેએ આ કૌભાંડ વિશે પ્રશ્ન કરાતાં કહ્યું હતું કે ‘મારી સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન હું એ બાબતે સ્પષ્ટ છું કે લોકો પોતાના રાજકારણીઓમાં વિશ્વાસ હોવાની લાગણી રાખી શકે તે બાબત ખાસ મહત્ત્વની છે. જે લોકો આપણને ચૂંટી કાઢે છે તેઓને આપણે સહુએ આવી લાગણી પૂરી પાડવી તે આપણી ફરજ છે. આ કિથ વાઝનો અંગત સવાલ છે’

* લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને ભારપૂર્વક કહ્યું હતું કે "બહાર આવેલી વિગતો કિથ વાઝની ‘અંગત બાબતો’ છે. અગાઉ નાણાંના બદલે સેક્સના કૃત્યને બીનઅપરાધ ગણાવવાની તરફેણ કરનારા કોર્બીને બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે "મારી જાણ મુજબ વાઝે કોઈ ગુનો કર્યો નથી. હું જાણું છું ત્યાં સુધી આ ‘અંગત બાબતો’ છે અને હું ચોક્કસ કિથ સાથે વાત કરીશ.”

* લેબર પાર્ટીના શેડો હેલ્થ સેક્રેટરી, ડાયેના એબટે જણાવ્યું હતું કે 'આ અનુભવ કિથ વાઝ, તેમના પત્ની અને બાળકો માટે ગ્લાનિ ઉપજાવે તેવા છે. હું કિથ ને છેલ્લા ૩૦ વર્ષથી જાણું છું. તેમના પરિવાર માટે આ સમય ખરેખર ત્રાસદાયક સમય છે.

હોમ અફેર્સ કમીટીના સદસ્ય અને સ્ટ્રેધામના એમપી ચુકા ઉમન્નાએ ટ્વીટર પર પોતાનો મત જાહેર કરતાં જણાવ્યું હતું કે કિથ વાઝે કમિટીના ચેરમેન તરીકે ખૂબજ સરસ કામગીરી કરી છે અને તેમનો પદત્યાગ કરવાનો નિર્ણય પણ સાચો છે.

લંડનના ભૂતપૂર્વ મેયર અને એમપી કેન લિવિંગસ્ટને સેક્સ સ્કેન્ડલ બાબતે કિથ વાઝનો બચાવ કરતાં જણાવ્યું હતું કે 'કોઇ વ્યક્તિને તેની એક ભૂલ કે જીવનમાં કરેલી ઘણી બધી ભૂલો બદલ જવાબદાર ગણી ન શકાય.

કિથ વાઝની રાજકીય કારકિર્દી

ભારતના ગોવાના પેરન્ટસના પુત્ર કિથ વાઝનો જન્મ ૧૯૫૬માં યેમેનના એડનમાં થયો હતો. ત્યાંથી તેઅો બ્રિટન આવ્યા હતા અને કેમ્બ્રિજ યુનિવર્સીટીમાંથી લોનો અભ્યાસ કરી સોલીસીટર બન્યા હતા. કિથ વાઝ ૧૯૮૭માં લેસ્ટર ઈસ્ટના લેબર પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઅો હોમ અફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન તરીકે ૧૯૯૭થી સેવા અપતા હતા. બ્રિટનના ખ્યાતનામ એશિયન રાજકારણીઓમાં અદકેરૂ સ્થાન ધરાવતા કિથ વાઝ સૌથી લાંબો સમય સુધી એમપી તરીકે સેવા આપનાર બ્રિટીશ એશિયન એમપી છે. તેઅો ટોની બ્લેરના શાસનકાળમાં બ્રિટનના મિનિસ્ટર ફોર યુરોપ તરીકે નિમાયા હતા અને ઇયુમાંથી નીકળી જવાની ઘટનાને આપત્તીજનક ગણાવી હતી. તેમના નાના બહેન વેલેરી વાઝ પણ વોલસોલ સાઉથનાા એમપી તરીકે સેવા આપે છે. તેમના પત્ની મારીયા ફર્નાન્ડીઝ ઇમીગ્રેશન સોલીસીટર તરીકે સેવાઅો આપે છે.

વિખ્યાત કેમ્પેઈનર તરીકે ઓળખાતા કિથ વાઝ સંખ્યાબંધ કમિટીઓના ચેરમેન છે. તેઓ વિપરીત સંજોગોમાંથી સલામત બહાર આવી જનારા લોકોમાંથી એક છે. કિથ વાઝ તેમના પ્રચારના કૌશલ્ય અને રાજકારણના ઉચ્ચતમ સ્તરોએ સંપર્કો કેળવવાની ક્ષમતા અને ખૂબ જ ઉત્સાહી નેટવર્કીંગ માટે જાણીતા છે. પાર્લામેન્ટમાં લગભગ ત્રણ દાયકા દરમિયાન શ્રેણીબદ્ધ મુસીબતો અને કૌભાંડોમાંથી સરળતાથી માર્ગ કાઢવા બદલ તેમના જ સાથીઓ દ્વારા ‘વેઝેલાઈન’ ઉપનામ અપાયેલું છે.

• ૨૦૦૧માં ફોરેન ઓફિસના મિનિસ્ટર હતા ત્યારે કિથ વાઝ સામે તેમના મિત્રો ભારતીય બિલિયોનેર્સ હિન્દુજા બંધુઓ દ્વારા બ્રિટિશ નાગરિકત્વની અરજીઓ અંગે રજૂઆતો કરવાનો આક્ષેપ કરાયો હતો. પાર્લામેન્ટરી ઈન્ક્વાયરીએ તેમણે કશું ખોટું કર્યાના આરોપમાંથી મુક્ત કરી દીધા હતા, પરંતુ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવામાં નિષ્ફળતા બદલ તેમની ટીકા અવશ્ય કરી હતી.

• ૨૦૦૮માં સિલેક્ટ કમિટીના ત્રાસવાદ સંબંધિત રિપોર્ટ અંગે તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર ગોર્ડન બ્રાઉન પાસેથી અયોગ્ય રીતે મંતવ્યો માગ્યા હોવાનો દાવો કરાયો હતો. જોકે, તેમને નિર્દોષ ગણાવાયા હતા.

£૪ મિલિયનનું ફેમિલી પ્રોપર્ટી એમ્પાયર

વાઝ પરિવાર £૪ મિલિયનનું પ્રોપર્ટી એમ્પાયર ધરાવે છે. ૫૯ વર્ષના વાઝ તેમની ૫૭ વર્ષીય પત્ની મારિયા ફર્નાન્ડીસ સાથે પાંચ બેડરુમ્સના અલાયદા આલિશાન ઘરમાં રહે છે, જેની કિંમત ૨.૨ મિલિયન પાઉન્ડ છે. તેમણે ૧૯૮૦ પછીના ગાળામાં અનેક પ્રોપર્ટીનું ખરીદ-વેચાણ કર્યું છે.

સાંસદ વાઝે છેલ્લે નોર્થ લંડનના એજવેરના ઘર નજીક ‘ફ્લેટ’ ખરીદ્યો હતો, જ્યાં તેઓ ઇસ્ટ યુરોપિયન ‘રેન્ટ બોઈઝ’ને મળ્યા હતા તેવો આક્ષેપ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter