લંડનઃ કોમનવેલ્થ સેક્રેટેરીએટના અકલ્પનીય ધરખમ ખર્ચની વિગતો લીક કરનાર ૪૩ વર્ષીય વ્હીસલબ્લોઅર રાજદૂત રામ વેણુપ્રસાદ ભારતમાં કેનેરા બેંક સાથે ૧૧ મિલિયન પાઉન્ડની છેતરપિંડીના કેસમાં સીબીઆઈની નજરમાં શકમંદ હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં તેની કથિત ભૂમિકા અંગે ૧૩ વર્ષ સુધી તપાસ થઈ હતી. તેને બ્રિટનના કામે જવા માટે ભારત છોડતી વખતે પાસપોર્ટ મેળવવા સ્થાનિક કોર્ટોની પરવાનગી લેવી પડી હતી.
કોમનવેલ્થ સેક્રેટરી જનરલના ડેપ્યુટી હેડના હોદ્દેથી સસ્પેન્ડ કરાયેલા વેણુપ્રસાદે દાવો કર્યો હતો કે સેક્રેટરી જનરલ બેરોનેસ સ્કોટલેન્ડ ઓફ એસ્થાલ QC એ તેમને ફેરો એન્ડ બોલ પેઈન્ટિંગ પાછળ ૩૩ હજાર પાઉન્ડ અને બાથરૂમના રિનોવેશન પાછળ ૨૪ હજાર પાઉન્ડનો ખર્ચ કરવા સૂચના આપી હતી.
દિલ્હીમાં ૨૦૦૫માં એક કોર્ટને સુપરત કરવામાં આવેલા દસ્તાવેજોમાં વેણુપ્રસાદ અને તેની કંપની એક્ઝિમ સેલ્સ કોર્પોરેશનના નામ હતા. વેણુપ્રસાદ પર એક્સપોર્ટ શિપમેન્ટના નાણા કેનેરા બેંકમાં જમા કરાવવાને બદલે અન્યત્ર મોકલવામાં સંડોવણીનો આક્ષેપ હતો. વેણુપ્રસાદના વકીલ પ્રમોદ દૂબેએ જણાવ્યું હતું કે તેમના અસીલ સામે સીબીઆઈનો કોઈ આરોપ નથી કે તે જામીન પર પણ નથી. ૧૩ વર્ષની તપાસ બાદ સીબીઆઈએ કેસ પૂરો કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.