કોવેન્ટ્રીમાં નિવૃત્ત સબ-પોસ્ટમાસ્ટર બાબુભાઈ ગરાલાનું સન્માન કરાયું

Tuesday 24th November 2015 07:19 EST
 
 
લંડનઃ કોવેન્ટ્રીના લોકોએ શહેરમાં સૌથી વધુ લાંબો સમય સેવા આપી નિવૃત્ત થનારા સબ-પોસ્ટમાસ્ટર બાબુભાઈ ગોવિંદભાઈ ગરાલાના માનમાં પાર્ટી આપી હતી. બાબુભાઈ ગરાલા ૪૩ વર્ષની નોકરી કરીને હિલફિલ્ડ્સ પોસ્ટ ઓફિસમાંથી નિવૃત્ત થયા છે. તેમની ઈચ્છા શાંતિપૂર્વક નિવૃત્ત થવાની હતી, પરંતુ સ્થાનિક કોમ્યુનિટીએ અલગ જ વિચાર્યું હતું. સેન્ટ પીટર્સ સેન્ટર ખાતે આયોજિત પાર્ટીમાં શહેરના લોર્ડ મેયર અને લેડી મેયોરેસ સહિત ૧૫૦થી વધુ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આપણા વરિષ્ઠ ન્યૂઝ એડિટર ધીરેન કટ્વા સહિત અનેક મહેમાનોએ બાબુભાઈ સાથે તેમના પરિચય વિશે ટુંકમાં વાતો કરી હતી. ધીરેન કટ્વાએ ગરાલાને વિશિષ્ટ નાગરિક, કોમ્યુનિટીના આદર્શરુપ નેતા ગણાવી સમાજને અને ખાસ કરીને બ્રિટિશ અને ભારતીય સમુદાયોને આપેલા નોંધપાત્ર પ્રદાનને બિરદાવ્યા હતા. અન્ય વક્તાઓમાં યુનિવર્સિટી ઓફ વોરવિકના પ્રોફેસર રોબર્ટ જેક્સન, કોવેન્ટ્રી રેફ્યુજી એન્ડ માઈગ્રન્ટ સેન્ટરના ડિરેક્ટર સાબિર ઝાઝાઈ, યુનિવર્સિટી ઓફ વોરવિક રીલિજિયન્સ એન્ડ એજ્યુકેશન રીસર્ચ યુનિટના પ્રોફેસર એલીનોર નેસ્બિટ અને શ્રી કૃષ્ણા ટેમ્પલના પ્રમુખ રણછોડભાઈ ચૌહાણનો સમાવેશ થયો હતો.ચાર ભાઈ અને ત્રણ બહેન ધરાવતા બાબુભાઈ ટાન્ઝાનિયાની રાજધાની દારેસલામથી ૧૯૬૬માં ઈંગ્લેન્ડ આવ્યા હતા. તેમણે બે વખત શ્રી કૃષ્ણા ટેમ્પલના પ્રમુખ તરીકે નિઃસ્વાર્થ સેવા આપી હતી અને આજે પણ તેની સાથે સક્રિયપણે સંકળાયેલા છે. કોવેન્ટ્રીમાં કોમ્યુનિટી સેવા બદલ તેમને ૨૦૦૨માં MBE એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પોસ્ટ ઓફિસના ચીફ એક્ઝીક્યુટિવ પૌલા વેન્નેલ્સે એક નિવેદનમાં પોસ્ટ ઓફિસ અને કોમ્યુનિટીની લાંબી સેવા બદલ બાબુબાઈ ગરાલાને અભિનંદન સાથે નિવૃત્તિકાળમાં શ્રેષ્ઠ સમયની શુભેચ્છા પાઠવી હતી.બાબુબાઈ ગરાલાને નિવૃત્તિની યોજના વિશે પૂછવામાં આવતા તેમણે સસ્મિત કહ્યું હતું કે, ‘હું સ્થાનિક કોમ્યુનિટીના સારા કાર્ય કરવા અને ટેકો આપવાનું ચાલુ રાખીશ. માતાની સંભાળ રાખીશ અને પરિવાર અને મિત્રો સાથે સારો સમય ગાળીશ.’ કાર્યક્રમમાં બાબુભાઈના ૯૫ વર્ષીય માતા સવિતાબહેન તેમ જ ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. સ્થાનિક મંદરના પૂજારીએ પ્રાર્થના કરી હતી અને કેક પણ કાપવામાં આવી હતી.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter