ક્રોયડન ટ્રામ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે પ્રાર્થનાસભા

Wednesday 14th December 2016 06:23 EST
 
 

ક્રોયડનઃ ગત નવેમ્બરમાં ટ્રામ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા ઈન્ડિયન કલ્ચરલ સેન્ટરના સ્થાપક નીતિન મહેતાના અધ્યક્ષસ્થાને ભારતીય સમુદાય દ્વારા ૧ ડિસેમ્બરે શર્લી રોડસ્થિત ઓએસીસ એકેડમી ખાતે પ્રાર્થનાસભા યોજાઈ હતી.

આ કરુણાંતિકાથી ફેલાયેલી શોકની લાગણીમાં સહભાગી થતાં કાઉન્સિલના વડા ટોની ન્યુમેને જણાવ્યું હતું કે દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો તેમજ કાયમી ઈજા પામેલા લોકોને મદદરૂપ થવા કાઉન્સિલ તમામ પ્રયાસ કરી રહી છે. શહેરમાં જુદાજુદા સ્થળોએ મૃતકોના સ્મારકો બનાવાશે.

ક્રોયડનના આર્ચડેકોન ક્રીસ સ્કીલ્ટને સભાને સંબોધી બાઈબલમાંથી પ્રાર્થનાઓ વાંચી હતી. ડોમિનિયન હાઉસના પાસ્ટર બોબ-અમારા જોનાથને જણાવ્યું હતું કે સમાજ દુર્ઘટનાગ્રસ્ત લોકોના દુઃખમાં સહભાગી છે. કૃષ્ણ મંદિરના નાભિનંદનદાસે પ્રાર્થના અને ભગવદગીતાનું વાંચન, લેસ કેમ્પએ બૌદ્ધ ધર્મની પ્રાર્થના તથા કેતન પતીરાએ જૈન સ્તવન ગાયું હતું.

ક્રોયડન ઈકોલોજી સેન્ટરના લોરેન ચેટફિલ્ડે જણાવ્યું હતું કે ભોગ બનેલા ઘણાં લોકો ન્યુ એડિંગ્ટનના હતા. સેન્ટર તેમના સ્મારકને આવકારશે. ક્રોયડન ફેઈથ્સના પેની સ્મિથે જણાવ્યું હતું કે ક્રોયડનના તમામ ધર્મના લોકો દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને મદદરૂપ બનશે.

ભરત શાહે આભારવિધિ કરવા સાથે સમુદાય દ્વારા કાઉન્સિલના ફંડ માટે £૧૦૦૦ એકત્ર કરાયાની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter