લંડનઃ વિદેશથી બ્રિટનમાં ઠલવાતી નવી સંપત્તિની સામે દેશની જૂની સંપત્તિ તાલ મિલાવી શકતી નથી. આ વર્ષના ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટના ૧૧૭ બિલિયોનેર્સમાં માત્ર ૬૨ જ બ્રિટનમાં જન્મેલા છે. ઉલ્લેખનીય છે કે ક્વીન એલિઝાબેથ પહેલી જ વખત સૌથી તવંગર ૩૦૦ વ્યક્તિની યાદીમાં પણ સ્થાન મેળવી શક્યાં નથી. આ વર્ષે £૧૦ મિલિયનની વૃદ્ધિ સાથે તેમની કુલ સંપત્તિ £૩૪૦ મિલિયન થઈ છે. લંડનસ્થિત યુક્રેની બિઝનેસમેન લેન બ્લાવાટનિક અંદાજે £૧૩.૧૭ બિલિયનની સંપત્તિ સાથે રિચ લિસ્ટના પ્રથમ ક્રમે છે. £૧૩ બિલિયનની સંયુક્ત સંપત્તિ સાથે શ્રી અને ગોપીચંદ હિન્દુજા બીજા ક્રમે છે.
રિચ લિસ્ટના પ્રથમ ૧૦ નામમાં માત્ર બે બ્રિટિશ છે. બકિંગહામશાયરમાં જન્મેલા ગાલેન વેસ્ટન અને પરિવાર £૧૧ બિલિયનની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે ડ્યૂક ઓફ વેસ્ટમિન્સ્ટર £૮.૫૬ બિલિયનની સંપત્તિ સાથે નવમા ક્રમે છે. ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટનો ૧૯૮૯માં આરંભ થયો ત્યારે £૫.૨ બિલિયનની અંગત સંપત્તિ સાથે ક્વીન પ્રથમ ક્રમે હતાં. તેમની સંપત્તિમાં ઘટાડાનું એક કારણ એ પણ છે કે સંપત્તિમાં રોયલ આર્ટ કલેક્શન જેવી વસ્તુઓ હવે ધ્યાનમાં લેવાતી નથી.
લંડનમાં મોટા ભાગના બિલિયોનેર્સ વિદેશી છે. સાનુકૂળ ટેક્સ નિયમો, કાયદાપદ્ધતિ, ભાષા અને યુરોપમાં લંડનની પોઝીશનના કારણે તેમણે લંડનને પોતાના બિઝનેસનું કેન્દ્ર બનાવ્યું છે. યુકેના ૧૧૭ બિલિયોનેરની કુલ સંયુક્ત સંપત્તિ £૩૨૫ બિલિયન છે, જ્યારે ચાર ગણા અર્થતંત્ર સાથે ચીનમાં ૧૧૫ બિલિયોનેરની કુલ સંપત્તિ £૩૦૧ બિલિયન છે.
૬૨ બ્રિટિશ બિલિયોનેરમાં વર્જિન ટાયકૂન સર રિચાર્ડ બ્રાન્સન (£૪.૧ બિલિયન), સ્પોર્ટ્સ ડાયરેક્ટના સ્થાપક માઈક એશ્લે (£૩.૫ બિલિયન), એન્ટ્રેપ્રીન્યોર સર જેમ્સ ડાયસન (£૩.૫ બિલિયન), જેસીબી ચેરમેન લોર્ડ બામફોર્ડ (£૩.૧ બિલિયન)નો સમાવેશ થાય છે.