ક્વીનના પ્રતિનિધિ પોલ સબાપથીનું રાજીનામું

Tuesday 15th September 2015 15:43 EDT
 
 
લંડનઃ ક્વીન એલિઝાબેથના લોર્ડ લેફ્ટનન્ટ ઓફ ધ વેસ્ટ મિડલેન્ડ્સ પોલ સબાપથી CBEએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે લીક થયેલા ઈમેઈલમાં બ્રિટિશ પાકિસ્તાનીઓ અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ સર્જાયો હતો. તેમના અંગત ઈમેઈલમાં જણાવાયું હતું કે,‘બ્રિટિશ પાકિસ્તાનીઓને સામાન્ય વિવેક અને સૌજન્ય શીખવવો જોઈએ.’ વિરોધના પરિણામે તેમણે રાજીનામા સાથે બિનશરતી માફી પણ માગી લીધી હતી. પોલ સબાપથીએ બર્મિંગહામમાં ૧૪ ઓગસ્ટે પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે પાકિસ્તાન કોન્સ્યુલેટમાં કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી ઈમેઈલમાં આ મુજબની ટીપ્પણી કરી હતી. રાણીના પ્રતિનિધિઓ તરીકે તેમને અને સાથીઓને યોગ્ય સન્માન નહિ અપાવાથી નારાજ સબાપથીએ કહ્યું હતું કે,‘પાકિસ્તાની લોકો વ્યક્તિ તરીકે ઘણા સારા છે પરંતુ તેમને પાયાના સામાન્ય વિવેક અને સૌજન્ય શીખવવા હજુ ઘણું કરવું પડે તેમ છે. તેઓ આપસમાં જ વાતચીત કરતા રહે છે અને બહોળા સમુદાય સાથે જોડાતા નથી. તેઓ પાકિસ્તાનમાં નહિ પરંતુ યુકેમાં રહે છે. તેમના સંતાનો બ્રિટિશ પાકિસ્તાની નાગરિક તરીકે સફળ થાય તેમ ઈચ્છતા હોય તો તેમણે બિન-પાકિસ્તાની ભાઈબહેનો સાથે વધુ હળવુંમળવું જોઈએ.’ પાકિસ્તાની મૂળના એક સાંસદે આવી ટીપ્પણી બદલ સબાપથીએ માફી માગવી જોઈએની માગણી કરી હતી. ભારતના ચેન્નાઈમાં જન્મેલા સબાપથી ૧૯૬૪માં યુકે આવ્યા હતા અને પ્રથમ નોન-વ્હાઈટ લોર્ડ લેફ્ટનન્ટ હતા.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter