ક્વીનનો ગૂઢ સંકેતઃ આપણી રાજાશાહીનું છે આ ભવિષ્ય

Wednesday 08th June 2022 06:09 EDT
 
 

લંડનઃ સોમવાર 6 જૂને ક્વીન એલિઝાબેથ દ્વિતીયના શાસનના 70 વર્ષની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીનું સમાપન થયું છે. ક્વીને બકિંગહામ પેલેસની બાલ્કની પરથી રાષ્ટ્રનો ભાવભીનો આભાર વ્યક્ત કરતો સંદેશો આપવાની સાથોસાથ રાજાશાહીના ભાવિનો સંકેત પણ પાઠવ્યો હતો. બાલ્કની પર ક્વીનની સાથે પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ ઉપરાંત ડ્યૂક એન્ડ ડચેસ ઓફ કેમ્બ્રિજ- પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન તેમના તેમના સંતાનો પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લૂઈ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર વીકએન્ડ ઉજવણીમાં ક્વીને માત્ર 27 મિનિટ સુધીપ્રત્યક્ષ હાજરી આપી હતી પરંતુ, ઉજવણીમાં તેમની હાજરી સતત વર્તાતી હતી.
ક્વીને કહ્યું હતું કે રાજગાદી પર તેમના 70 વર્ષની ઉજવણીમાં વિશાળ પ્રમાણમાં લોકોએ ભાગ લીધો તેનાથી તેઓ લાગણીથી તરબતર બન્યાં છે. જો કેટલાક ઈવેન્ટ્સમાં તેઓ હાજર રહી શક્યાં નથી છતાં તેમનું હૃદય લોકોની સાથે જ હતું.

જોકે, ક્વીને બોલીને નહિ પરંતુ, અન્ય શક્તિશાળી મેસેજ પણ આપ્યો હતો. પેલેસની બાલ્કનીની નીચે ઉત્સાહ અને રોમાંચથી ગગનભેદી નારાઓ લગાવતી જનમેદની સમક્ષ સ્મિત રેલાવતાં અને હાથ હલાવી અભિવાદન ક્વીન તેમના ત્રણ વારસદારથી વીંટળાયેલાં હતા. રાજાશાહીના ભવિષ્યનો આ સ્પષ્ટ સંકેત હતો. હેર એપરન્ટ- યુવરાજ, બીજા અને ત્રીજા ક્રમના વારસદારોની ઉપસ્થિતિ સૂચક હતી. વારસદારના ક્રમમાં સૌથી છેલ્લા 9 વર્ષના પ્રિન્સ જ્યોર્જ હતા જેઓ દાદીમા ક્વીનથી 87 વર્ષ નાના છે અને અડધી સદી સુધી તો કદાચ રાજગાદીએ આવશે નહિ.
સંગીત અને નાચગાન સાથેના ભવ્ય અઢી કલાકના કાર્યક્રમ પ્લેટિનમ જ્યુબિલી પેજન્ટ પછી 96 વર્ષીય ક્વીન પેલેસની બાલ્કની પર આવશે કે કેમ તેના વિશે અવઢવ હતી. ક્વીન અસ્વસ્થતાના કારણે સેન્ટ પોલ ખાતે થેન્ક્સગિવિંગ સર્વિસમાં અને તે પછી એપ્સમ ડર્બીમાં પણ હાજર રહી શક્યાં ન હતા. બકિંગહામ પેલેસની ટોચે ફરકતો યુનિયન જેક નીચે ઉતારાઈ રોયલ સ્ટાન્ડર્ડને સ્થાન અપાયું ત્યારે જ જનમેદનીને ક્વીનની ઉપસ્થિતિની આશા બંધાઈ હતી.
ક્વીને ઉજવણીનો શુભારંભ કરાવ્યો
બકિંગહામ પેલેસની બહાર ઉત્સાહિત હજારો લોકોના આનંદોચ્ચારો વચ્ચે 96 વર્ષનાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયે પોતાના 70 વર્ષના શાસન અને સત્તાવાર જન્મદિનની પાર્ટીની ચાર દિવસીય પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. હરવાફરવાની સમસ્યા હોવાં છતાં ક્વીન તદ્દન સ્વસ્થ અને ગૌરવપૂર્ણ જણાયાં હતાં. તમામ કાર્યક્રમોમાં તેઓ કેન્દ્રસ્થાને રહ્યાં હતાં. પારિવારિક વિખવાદ કે બીમારી તેમને બર્થડે પરેડ અને ફ્લાયપાસ્ટના આનંદ માણતા અટકાવી શક્યાં ન હતાં. જોકે, થાકના કારણે તેમણે સેન્ટ પૌલ કેથ્રેડલમાં થેન્ક્સગિવિંગ નેશનલ સર્વિસમાં હાજરી આપી ન હતી. દરમિયાન, શાહી પરિવારની નવી પેઢીએ પણ બાલ્કની પર ફ્લાયપાસ્ટનો આનંદ માણ્યો હતો.
બકિંગહામ પેલેસમાં રહેલાં ક્વીને ટ્રુપિંગ ધ કલર ઈવેન્ટની ફ્લાયપાસ્ટને નિહાળવા પેલેસની બાલ્કનીમાં આવી પહોંચ્યાં ત્યારે લાબા સમયથી રાહ જોઈ રહેલી જનમેદનીએ ગગનભેદી અવાજો સાથે તેમને વધાવી લીધા હતા. પેલેસની બાલ્કની પર તેમની સાથે પ્રિન્સ ચાર્લ્સ, ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા પાર્કર- બાઉલ્સ, કેમ્બ્રિજ પરિવાર (પ્રિન્સ વિલિયમ, કેટ મિડલટન તેમજ તેમના સંતાનો પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લૂઈ), પ્રિન્સેસ રોયલ એન અને તેમના પતિ વાઈસ એડમિરલ સર ટિમ લોરેન્સ, તેમના કઝીન્સ પ્રિન્સેસ એલેકઝાન્ડ્રા, ડ્યૂક ઓફ કેન્ટ અને ડ્યૂક ઓફ ગ્લોસ્ટર, અર્લ ઓફ વેસેક્સ પ્રિન્સ એડવર્ડ અને કાઉન્ટેસ સોફી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. શાહી ફરજોથી અલગ થયેલા પ્રિન્સ એન્ડ્રયુ તેમજ પ્રન્સ હેરી અને મેગન મર્કેલ પેલેસ બાલ્કની પર જોવાં મળ્યાં ન હતાં. વર્ષ 2012માં ડાયમન્ડ જ્યુબિલીની ઉજવણી કરાઈ ત્યારે પ્રિન્સ ચાર્લ્સના આગ્રહથી શાહી પરિવારના માત્ર પાંચ સભ્ય પેલેસની બાલ્કનીમાં ક્વીનની સાથે જોડાયા હતા પરંતુ, 2022ની પ્લેટિનમ જ્યુબિલીમાં ક્વીને પરિવારના 17 સભ્યને બાલ્કની એપીયરન્સમાં આગળ રાખ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ક્વીન માટે ફ્લાયપાસ્ટ નિહાળવી અને જનમેદનીનું અભિવાદન કરવાની બાબતો નિયમિત બની રહી છે. તેઓ માત્ર 13 મહિનાના હતાં ત્યારથી પેલેસ બાલ્કની પર હાજરી આપતાં આવ્યાં છે. ટ્રુપિંગ ધ કલર ઈવેન્ટમાં ક્વીનની ગેરહાજરીમાં તેમના સ્થાને વેલ્શ ગાર્ડ્સના કર્નલ 73 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સે સલામી ગ્રહણ કરી હતી. તેમની સાથે આઈરિશ ગાર્ડ્સના કર્નલ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ તથા કર્નલ ઓફ બ્લૂઝ એન્ડ રોયલ્સ 71 વર્ષીય પ્રિન્સેસ એન પણ સલામી લેવામાં જોડાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter