ખોટની કાગારોળ વચ્ચે TfLના 600 અધિકારીને લાખો પાઉન્ડની લહાણી

Wednesday 06th July 2022 06:53 EDT
 
 

લંડનઃ ખોટનો ધંધો કરી રહેલી ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) તેના વરિષ્ઠ અધિકારીઓને તગડા પગારથી નવાજી રહી છે. ખર્ચને પહોંચી વળવા માટે 900 મિલિયન પાઉન્ડનું બેઇલ આઉટ માગનાર ટીએફએલ પાસેથી ગયા વર્ષમાં તેના 600 વરિષ્ઠ અધિકારીએ 100,000 પાઉન્ડથી વધુની કમાણી કરી લીધી છે. ટીએફએલના વિદાય લઇ ચૂકેલા ડિરેક્ટરને 6,26,000 પાઉન્ડ જેવી તગડી રકમ ચૂકવાઈ હતી.

વર્ષ 2021-22માં ટીએફએલ અને ક્રોસરેલના 597 કર્મચારીઓની આવક છ આંકડામાં રહી હતી. તેના અગાઉના વર્ષમાં છ આંકડાની આવક મેળવનાર કર્મચારીઓની સંખ્યા 455 હતી. ટીએફએલના ખર્ચમાં કાપ મૂકવા માટે બોર્ડમાં કરાયેલા ફેરફારના પગલે બહાર થયેલા ડિરેક્ટર વર્નોન એવરિટ્ટને 6,26,037 પાઉન્ડની રકમ ચૂકવાઇ હતી. ટીએફએલ માટે 14 વર્ષ કામ કરનાર એવરિટ્ટને ડિરેક્ટરપદેથી રાજીનામા માટે 3,52,697 પાઉન્ડ ઉપરાંત, પગાર અને બોનસ તરીકે અનુક્રમે 2,00,294 પાઉન્ડ અને 71,180 પાઉન્ડ ચૂકવાયા હતા. તાજેતરમાં જ પ્લેટિનમ જ્યુબિલી બેન્ક હોલીડે વીકએન્ડ પછી 37 કાર્યરત અને નોકરી છોડી ચૂકેલા કર્મચારીઓને પગાર અને બોનસ પેટે 1.6 મિલિયન પાઉન્ડ ચૂકવવાને મંજૂરી આપી દેવાઇ હતી. ક્રોસરેલના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક વાઇલ્ડે ગયા મહિને ટીએફએલને અલવિદા કહી ત્યારે તેમને 4,47,717 પાઉન્ડની ચૂકવણી કરાઇ હતી.

લંડનના મેયર સાદિક ખાન TfLની ખરાબ આર્થિક હાલતની દુહાઇ આપી વધુ ભંડોળ માગે છે તો બીજી તરફ, આડેધડ ખર્ચા કરાઈ રહ્યા છે. ગયા વર્ષે 239 નવા કર્મચારીની નિયુક્તિ કરાતા પગારબિલ 220 મિલિયન પાઉન્ડ વધી ગયું હતું. એકતરફ બસના રૂટ પર કાપની કવાયત ચાલી રહી છે. મેયર ખાને 22 રૂટ બંધ કરવા અને 60 રૂટ પર બસની સંખ્યા ઘટાડવા પ્રસ્તાવ મૂક્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter