ગુરિન્દર ચઢ્ઢાના સંગીતમય નાટકે વેસ્ટ એન્ડમાં ધૂમ મચાવી

રુપાંજના દત્તા Monday 06th July 2015 06:50 EDT
 
 

લંડનઃ વર્તમાન બ્રિટનમાં બ્રિટિશ ભારતીય બાળા અને તેના ફૂટબોલ યાત્રા વિશે બ્રિટિશ ભારતીય ડિરેક્ટર ગુરિન્દર ચઢ્ઢાના સંગીતમય ‘Bend it Like Beckham: The Musical’ નાટકે વેસ્ટ એન્ડમાં ધૂમ મચાવી છે. UB2 (સાઉથોલ)થી યુએસ જવાના જેસ-જૂલના સ્વપ્નને પરિપૂર્ણ થતું નિહાળવા દર્શકો લાઈન લગાવે છે. ગુરિન્દર ચઢ્ઢા અને પોલ માયેડા બર્જેસ દ્વારા ૨૦૦૨ની હીટ ફિલ્મ ‘બેન્ડ ઈટ લાઈક બેકહેમ’ પરથી એડપ્ટ કરાયેલા મ્યુઝિકલમાં યુવાન પ્રતિભાવંત ફૂટબોલ ખેલાડી જેસની વાત છે. જેસ પોતાના હીરો ડેવિડ બેકહેમના પેંગડામાં પગ નાખવો કે યુનિવર્સિટી, કારકીર્દિ અને લગ્નની પરિવારની ઈચ્છાને માન આપવું તે વિશે અસમંજસ અનુભવે છે.

ફૂટબોલપ્રેમી જેસ તરીકે નાતાલી ડ્યૂ, સ્થાનિક મહિલા ફૂટબોલ ટીમ હેરિયર્સની ખેલાડી જૂલ્સ તરીકે લૌરીન સેમ્યુઅલ્સ, તેમના કોચ જો તરીકે જેમી કેમ્પબેલ બોવેરનો અભિનય નોંધપાત્ર છે. જૂલ્સની માતા પૌલાનું પાત્ર સોફી-લૂઈ ડાન છે, જ્યારે જેસની બહેન પિન્કીના પાત્રમાં પ્રિયા કાલિદાસ, જેસના પેરન્ટ્સ મિ. અને મિસિસ ભામરાના પાત્રમાં ટોની જયવર્દેના અને નતાશા જયતિલકે તેમજ જેસના ખાસ મિત્ર ટોનીના પાત્રમાં જમાલ આન્દ્રેસની ભૂમિકા છે.

૨૦૦૨ની ફિલ્મમાં પરમિન્દર અને આર્ચી પંજાબીની ભૂમિકાની સરખામણીએ જેસ અને પિન્કીની ભૂમિકામાં નાતાલી અને પ્રિયા કાલિદાસ વધુ પ્રતીતિજનક જણાય છે. જોકે, નાટકમાં મહિલા સશક્તિકરણની સમસ્યા અથવા પશ્ચિમમાં રુઢિચુસ્ત ભારતીય પરિવારમાં બ્રિટિશ તરુણીનો ઉછેર જેવાં સામાજિક મુદ્દાનું ચિત્રણ નાટકમાં નબળું પડે છે.

બ્રિટિશ ભાંગડા સાઉન્ડના પ્રણેતા, સ્વરનિયોજક અને પરફોર્મર કુલજિત ભામરા સાથે હોવાર્ડ ગૂડઓલની મધુર સ્વરરચના, ચાર્લ્સ હાર્ટના ગીતો તેમજ પૂર્વ-પશ્ચિમનું સફળ સમન્વય સમાન સંગીત અને રેખા સાહનીનો મધુર અવાજ સંગીતમય નાટકના ઉજળા પાસા છે. ફોનિક્સ થિયેટરમાં ચાલતું નાટક ઓક્ટોબર ૨૦૧૫ સુધી જોવા મળશે.

તસવીર સૌજન્યઃ એલી કુર્ટ્ઝ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter