ગેરકાનૂની ઈમિગ્રેશન સલાહ અને મની લોન્ડરિંગ બદલ જેલ

Wednesday 17th July 2019 02:54 EDT
 
 

લંડનઃ સધર્ક ક્રાઉન કોર્ટે અનિયંત્રિત ઈમિગ્રેશન સલાહ અને સેવા આપ્યા પછી તેની આવકનું મની લોન્ડરિંગ કરવા સહિત સાત ગુનામાં દોષિત ઠરેલી ઈસ્ટ લંડનની બે વ્યક્તિ-અબ્દુલ મુખાદિર ખાન અને મોહમ્મદ સાયેમને ૧૧ જુલાઈએ સજા ફરમાવી હતી. ખાનની પત્ની મહમૂદા મિટુને પણ એક ગુનામાં દોષિત ઠરાવાઈ હતી.

ઈમિગ્રેશન સર્વિસ અને મેટ્રોપોલિટન પોલીસની તપાસના પગલે ટ્રાયલ પછી ખાન અને સાયેમને બધા ગુના માટે કુલ બે-બે વર્ષની સજા કરાઈ હતી. મહમૂદા મિટુને ૨૪ મહિનાના કોમ્યુનિટી ઓર્ડરની સજા ફરમાવાઈ હતી.

મુખાદિર ખાન અને મોહમ્મદ સાયેમ ટાવર હેમ્લેટ્સના વ્હાઈટચેપલમાં ઓફિસથી કામ કરતા હતા. તેમણે ખોટી રીતે પોતાને ઈમિગ્રેશન સલાહકાર ગણાવી બે વ્યક્તિ પાસેથી વિઝા માટે ૨૬,૭૦૦ પાઉન્ડ મેળવ્યા હતા. વિઝા ન મળ્યા પછી માત્ર ૬૦૦૦ પાઉન્ડ પરત કર્યા હતા. બે વ્યક્તિ પાસેથી મેળવાયેલા નાણા ખાન અને મિટુના સંયુક્ત એકાઉન્ટમાં જમા કરાવાતા હતા. આ પછી તે નાણા ખાન અથવા સાયેમના ખાતામાં ટ્રાન્સફર કરાતા હતા. લગભગ અઢી વર્ષ સુધી ગુનાઈત કામગીરીથી મેળવાયેલી મોટી રકમો ત્રણે આરોપીના બેન્કખાતામાં ટ્રાન્સફર થતી રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter