લંડનઃ ગ્રેનફેલ ટાવરની આગ દુર્ઘટનાના કારણે કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સી કાઉન્સિલના વડા નિકોલસ હોલ્ગેટે હોદ્દો છોડવાની ફરજ પડી છે તેમને છ આંકડામાં વળતરની રકમ ચૂકવાશે તેમ જાણવા મળ્યું છે. કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ નિકોલસ હોલ્ગેટને વાર્ષિક ૧૯૩,૦૦૦ પાઉન્ડ ચુકવાતા હતા તેમણે દુર્ઘટનાના પગલે રાજીનામું આપી દીધું છે. હોલ્ગેટને નોકરી ગુમાવવાના વળતરરુપે છ મહિનાના નોટિસ વેતન તરીકે ૧૦૦,૦૦૦ પાઉન્ડ જેટલી રકમ મળશે.
લોકલ ગવર્મેન્ટ કેબિનેટ મિનિસ્ટર સાજિદ જાવિદે તેમનું રાજીનામું લેવા કાઉન્સિલના નેતા પર દબાણ કર્યું હોવાનો આક્ષેપ પણ હોલ્ગેટે કર્યો છે. મિનિસ્ટરના કથિત હસ્તક્ષેપના મુદ્દે હોલ્ગેટ કાનૂની કાર્યવાહીનો પ્રયાસ કરશે કે કેમ તે મુદ્દે હજુ અસ્પષ્ટતા છે. ગ્રેનફેલ ટાવરનો વહીવટ ચલાવતી હાઉસિંગ મેનેજમેન્ટ કંપનીના વડા રોબર્ટ બ્લેકને વાર્ષિક ૧૫૦,૦૦૦ પાઉન્ડ મળતા હતા. તેમના પર પણ હોદ્દો છોડવાનું દબાણ હતું.


