ચેડવેલ હિથમાં પત્ની અને બે દિકરીની હત્યા કરી પિતાએ મોત વ્હાલુ કર્યું

Tuesday 19th May 2015 13:58 EDT
 
 

ઇસ્ટ લંડનના ચેડવેલ હિથના ગ્રોવ રોડ ખાતે રહેતા મૂળ કેરાલાના પુલ્લરકટ્ટીલ રેથીશકુમારે (૪૪) ગત મંગળવાર તા. ૧૨મી મે'ના રોજ પત્ની શીગી (કોટુવાલા) રેથીશકુમાર (૩૭) તેમજ બે માસુમ જોડીયા દિકરીઅો નેહા અને નીયા (૧૩)ની પોતાના ઘરમાં જ ગુંગળાવી દઇ ઠંડે કલેજે હત્યા કર્યા બાદ નોર્થ ઇસ્ટ લંડનના વોલ્ધમસ્ટો સ્થિત વુડફર્ડ રીઝર્વીયર ખાતે જઇ ગળાફાંસો ખાઇ આત્હત્યા કરી લીધી હતી. હત્યા અને આત્મહત્યા પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ બનાવને પગલે ભારતીય પરિવારોમાં વ્યાપક શોક વ્યાપી ગયો હતો.

પોલીસને આ કેસ અંગે કોઇક માહિતી મળતા પોલીસ ગત સોમવારે તા. ૧૧ના રોજ સાંજે રેથીશકુમાર પરિવારના ચેડવેલ હીથ સ્થિત ફ્લેટ પર ગઇ હતી. પરંતુ કોઇ જ વાંધાજનક સંજોગો ન જણાતા પોલીસ પરત થઇ હતી. એમ મનાય છે કે પોલીસે સોમવારે પગલા લીધા હોત તો કદાચ તેમના જીવ બચાવી શકાયા હોત. પરંતુ તા. ૧૨ના રોજ મંગળવારે બપોરે લંચ સમયે ફરીથી પોલીસ રેથીશકુમાર પરિવારના ફ્લેટ પર પહોંચી હતી અને ઘરમાં પ્રવેશ કરતા તેમને માતા અને બે દિકરીઅોની લાશો મળી આવી હતી. સોમવારની સાંજે જ આ અંગે માહિતી હોવા છતાં પોલીસે પૂરતી તપાસ ન કરી તે અંગે ઇન્ડીપેન્ડન્ટ કમ્પેલેઇન્ટ કમિશન તપાસ કરશે. સ્કોટલેન્ડ યાર્ડના હોમીસાઇડ અને સીરીયસ ક્રાઇમ કમાન્ડે તપાસ આદરી છે. પરંતુ તેમાં બહારના કોઇ વ્યક્તિની સંડોવણી હોવાનો અત્યારે ઇન્કાર કરાઇ રહ્યો છે.

રેથીશકુમાર પરિવાર મૂળ દક્ષિણ ભારતના કેરાલાનો વતની હોવાનું જાણવા મળ્યું છે અને તેઅો છેલ્લા ૮ વર્ષથી આ ફ્લેટમાં રહેતા હતા. બનાવના એક સપ્તાહ પહેલા જ શ્રીમતી શીગીએ પોતાના આખા પરિવારનો ફોટો ફેસબુક પર મૂક્યો હતો. પતિ-પત્ની બન્નેના સોશ્યલ મિડીયા પ્રોફાઇલ તેમની વિવિધ હોલીડેની તસવીરોથી ભરેલા પડ્યા છે.

મોતને ભેટેલા શ્રીમતી શીગી રેથીશકુમાર હેવરીંગ કાઉન્સિલમાં સોશ્યલ વર્કર તરીકે કામ કરતા હતા. જ્યારે તેમના પતિ પુલ્લરકટ્ટીલ રેથીશકુમાર રેડબ્રિજની વિઝન લેઝર સર્વિસમાં કામ કરતા હતા. તેમના લગ્ન ૨૦૦૧માં થયા હતા. નેહા અને નિયા બન્ને દિકરીઅો ચેડવેલ હિથ એકેડેમીમાં ભણતી હતી અને બન્ને બહેનો ખૂબજ હસમુખી અને શાંત સ્વભાવની હતી. નિયાની એક મિત્રએ જણાવ્યું હતું કે તે શાંત સ્વભાવની હતી અને બન્ને બહેનો સાથે જ રહેતી હતી.

જ્યારે અન્ય મિત્રએ જણાવ્યું હતું કે બન્ને બહેનોને લેવા મૂકવા તેમની માતા રોજ શાળાએ આવતી હતી. ટાઇમ્સ અખબારના અહેવાલો મુજબ એવી અફવા ઉડી હતી કે બે ટ્વીન બહેનો પૈકી એક બહેન ઘરેથી ભાગી ગઇ હતી. તેથી તેમની માતા તેમને લેવા મૂકવા આવતી હતી. જોકે તેમનું ઘર શાળાથી બે જ મિનિટના અંતરે આવેલું છે. ગત વર્ષે પોલીસ શાળા પર પણ ગઇ હતી.

ઝૌયા હબીબાની નામની બિલ્ડીંગમાં જ રહેતી મહિલાએ જણાવ્યું હતું કે તેમની નીચેના ફ્લોર પર જ પરિવાર રહેતો હતો પણ તેને કોઇ મુશ્કેલી હોય તેવું લાગ્યું નહોતું.

ટેલિગ્રાફનાા અહેવાલ મુજબ શ્રીમતી શીગી તેમના પતિથી ડીવોર્સ લેવાનું વિચારતા હતા. કેમ કે તેમના પતિ માનતા હતા કે તેમનો પરિવાર પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર હેઠળ આવી ગયો છે. રવિવારે દંપત્તી વચ્ચે તકરાર થઇ હતી અને શ્રીમતી શીગીએ તેમના મિત્રને ટેક્સ્ટ સંદેશો પણ મોકલ્યો હતો કે મારા જીવનથી ત્રાસી ગઇ છું. જ્યારે તેમના પતિને પરિવારને બચાવવા ભારત સ્થાયી થવું હતું. પરંતુ શ્રીમતી શીગી અને બાળકોને ભારત પરત થવું ન હતું. આ મુદ્દા પર બન્ને વચ્ચે તકરાર ચાલ્યા કરતી હતી.

રેથીશકુમાર પરિવારના સદસ્યો ઇસ્ટ લંડન મલયાલી એસોસિએશન સાથે સંકળાયેલા હતા અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તીઅોમાં ભાગ લેતા હતા.

પોલીસે જણાવ્યું હતું કે માતા અને દિકરીઅોના શરીર પર કોઇ દેખીતી ઇજાના નિશાનો મળ્યા નથી તેથી મોતના કારણ માટે કોઇ ધારણા બાંધતા નથી. પોલીસ હાલમાં પોસ્ટમોર્ટમની રાહ જુએ છે. અમે તેમના સગાસંબંધીઅોની તપાસ કરી રહ્યા છીએ જે કદાચ યુકેની બહાર પણ રહેતા હોઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter