ચેરિટી માટે £૮,૦૦૦ જીતીને હેરોની નવા વર્ષની શાનદાર શરૂઆત

Wednesday 18th January 2017 05:41 EST
 
 

લંડનઃ સેન્ટ્રલ લંડનમાં યોજાયેલી ન્યુ યર્સ ડે પરેડમાં લંડનની ૧૭ બરોમાં ત્રીજા સ્થાન સાથે હેરોએ £૮,૦૦૦નું જંગી ઈનામ જીતીને નવા વર્ષની શાનદાર શરૂઆત કરી હતી. પરેડમાં દર વર્ષે લંડનની બરો દ્વારા રજૂ થતાં ફ્લોટ્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા રહે છે. હેરો દ્વારા ચાર્લી ચેપ્લિનમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલા મૂવી સેટમાં પરેડ નિહાળવા શેરીઓમાં એકત્ર થયેલા હજારો દર્શકોની કલ્પનાને ધ્યાનમાં લઈને સેન્ટ્રલ લંડનના મહત્ત્વના સ્થળો દર્શાવાયા હતા. કોમેડી સ્ટાર ચાર્લી ચેપ્લિનની ઉમદા પળોને મૂર્તિમંત કરવા માટે ડાન્સરો અને રોલર સ્કેટર્સ મોટી બોલર હેટ અને ચેપ્લિનના પરિધાનમાં સજ્જ હતા.

આ ઈકો ફ્રેન્ડલી અને હાથબનાવટના ફ્લોટને લીધે હેરોને મંચ પર સ્થાન મળવા ઉપરાંત, ટ્રોફી અને મેયરે પસંદ કરેલી હેરો બેરીવમેન્ટ કેર અને પાર્કિન્સન્સ યુકે માટે હજારો પાઉન્ડ મળ્યા હતા.

હેરોના મેયર કાઉન્સિલર રેખાબહેન શાહે જણાવ્યું હતું, ‘ નવા વર્ષની ખૂબ શાનદાર શરૂઆત અને શ્રેષ્ઠ સિદ્ધિ ! ત્રીજા સ્થાને આવ્યા એટલું જ નહીં પરંતુ, ચેરિટીઝ માટે હેરો બરો અત્યાર સુધીની સૌથી મોટી રકમ જીતી તેનાથી હું ખૂબ ગૌરવ અનુભવું છું. આ બધું જ આપણા સમાજના મજબૂત જુસ્સાને તથા આ વર્ષનો ફ્લોટ તૈયાર કરનારી ટીમના પરિશ્રમને આભારી છે.

હેરોના વાઈઝવર્ક્સના વોલન્ટિયર્સ, હેરોના ફિલ્મ નિર્માતા ઓ’હારા બ્રધર્સ, હેરો કાઉન્સિલ અને બેવરલી સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના કલાકારોએ ભાગ લેવા તથા ડાન્સની પ્રેક્ટિસમાં ઘણાં મહિના મહેનત કરી હતી.’

મેયર રેખાબહેન ઝળહળતા પ્રયાસ બદલ વોલન્ટિયર્સ, વાઈઝવર્ક્સ અને કાઉન્સિલરો જહોન હિંકલી અને જીન લેમિમેનનો આભાર માન્યો હતો.

પસંદગીની બન્ને ચેરિટીઝ માટે મેયર ડોનેશન સ્વીકારે છે. તમે દાન આપવા માગતા હો તો હેરોના મેયર કાઉન્સિલર રેખાબહેન શાહના ઈમેલ [email protected] પર સંપર્ક કરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter