ચેલ્સીના સમર્થક રંગભેદી હુમલાખોરો માટે જેલની માગણી

Tuesday 24th February 2015 08:33 EST
 

લંડનઃ પેરિસ મેટ્રો ટ્રેન પર ચેલ્સીના  સમર્થકો દ્વારા રંગભેદી હુમલાનો શિકાર બનેલા ૩૩ વર્ષીય અશ્વેત ‘સુલેમાન એસ’એ સૌપ્રથમ વખત પોતાની વીતકકથા ફ્રેન્ચ અખબાર લે પેરિસિયન સમક્ષ વર્ણવી છે. તેણે અપરાધીઓને જેલની સજા માટે માગણી કરી હતી. ચેલ્સીના  સમર્થકોએ આ વ્યક્તિને ચાલુ ટ્રેને ધક્કો માર્યો હતો. બ્રિટિશ પોલીસ આ વિડીઓ ફૂટેજ નિહાળી ચેલ્સીના સમર્થકોને ઓળખવામાં મદદ કરી રહી છે.

‘સુલેમાન એસ’ને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે,‘હું કારમાં બેસવા જતો હતો, પરંતુ અંગ્રેજ ચાહકોના જૂથે મને અટકાવ્યો અને મને ધક્કો માર્યો હતો. આ ધક્કામુક્કીમાં મારો ફોન ખોવાયો હતો. તેમણે મને ઈંગ્લિશમાં ગણું કહ્યું, પરંતુ તેઓ શું કહેતા હતા તેની મને ખબર પડતી ન હતી. હું ઈંગ્લિશ બોલતો નથી. મને એટલી ખબર પડતી હતી કે તેઓ મારા શરીરના રંગના લીધે મારા પર હુમલો કરી રહ્યા છે.’

ધ સન અખબારે ટ્રેન પરના એક પ્રશંસક જોશ પારસન્સનો નામોલ્લેખ કર્યો છે. હુમલામાં તેની સંડોવણી વિશે કોઈ ઉલ્લેખ નથી, પરંતુ પોલીસ તેને ચાવીરૂપ સાક્ષી ગણી શકે છે. અન્ય પ્રશંસક મિચેલ મેકકોયે દાવો કર્યો હતો કે તે વ્યક્તિ અશ્વેત હોવાના કારણે નહિ પરંતુ પેરિસ સેન્ટ જર્મેઈનનો પ્રશંસક હોવાથી તેના પર હુમલો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter