જૈન સમુદાય દ્વારા યુકેના પ્રથમ જૈન મેયર રેખાબહેન શાહનું સન્માન

Monday 06th June 2016 11:24 EDT
 
 

લંડનઃ યુકેનો જૈન સમાજ જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના લંડન ચેપ્ટરની સ્થાપનાની ઉજવણી કરવા અને યુકેના પ્રથમ જૈન મેયર એવા હેરોના મેયર કાઉન્સિલર રેખાબહેન શાહનું સન્માન કરવા ગત સોમવાર (૩૦ મે) બેંક હોલિડેએ જૈન સેન્ટર, કોલિન્ડેલ ખાતે એકત્ર થયો હતો. આ પ્રસંગે મહેમાનોમાં રેખાબહેન શાહના સાથીદારો, GLAમાં લંડન એસેમ્બલીના બ્રેન્ટ અને હેરોના મેમ્બર કાઉન્સિલર નવિન શાહ, બ્રેન્ટના મેયર, કાઉન્સિલર પરવેઝ એહમદ અને બાર્નેટના ડેપ્યુટી મેયર, કાઉન્સિલર સુરી ખત્રી અને ડેપ્યુટી મેયરેસ તારા ખત્રી અને હેરો કાઉન્સિલના વડા, કાઉન્સિલર સચિન શાહનો સમાવેશ થતો હતો.

જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (JIO)ની લંડન બ્રાંચ અને જૈન સેન્ટરની તેના ઈન્ટરનેશનલ હેડક્વાર્ટર તરીકે સ્થાપના અંગે જૈન નેટવર્કના ચેરમેન અને સીઈઓ ડો. નટુભાઈ શાહે જણાવ્યું હતું, ‘લંડનમાં JIOની સ્થાપના અને જૈન સેન્ટર, લંડન તેનું ગ્લોબલ હેડક્વાર્ટર બનતા આપણે ખૂબ આનંદ અનુભવીએ છીએ કારણ કે આપણો ઉદે્શ ભગવાન મહાવીરના ઉપદેશો અને અહિંસાનો સંદેશો વિશ્વના લોકો સુધી પહોંચાડવાનો છે. JIOનો સહયોગ પ્રોફેશનલ લોકોનું નેટવર્ક ઉભું કરવાની તક પૂરી પાડવા અને દુનિયાના જૈન સમાજ સાથેના આપણા સંબંધો મજબૂત કરવાની સાથે સાથે આ સંદેશો ફેલાવવામાં મદદરૂપ થશે.’

ડો. નટુભાઈ શાહે યુકેના પ્રથમ જૈન મેયર બનવા બદલ કાઉન્સિલર રેખાબહેન શાહને જૈન સેન્ટર લંડન ખાતે અભિનંદન પાઠવ્યા હતા. JIO લંડનની સ્થાપનાની ઉજવણી નિમિત્તે હેરોના મેયર રેખાબહેન શાહના નેતૃત્વ હેઠળ જૈન સમાજના અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કર્યું હતું.

હેરોના પ્રથમ એશિયન મહિલા મેયરનું સ્વાગત

હેરો કાઉન્સિલની પ્રથમ સંપૂર્ણ મીટિંગમાં તેના પ્રથમ જૈન મહિલા મેયર કાઉન્સિલર રેખાબહેન શાહનું સ્વાગત કરાયું હતું. તેઓ હેરોના ૬૪મા મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં છે. મૂળ મુંબઈના રેખાબહેન ૧૯૭૮માં હેરો આવ્યાં હતા. ત્રણ દાયકાથી વધુ સમય બરોમાં રહેલાં રેખાબહેને સ્વાગતના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે,‘ હેરોના નવા અને પ્રથમ એશિયન મહિલા મેયર તરીકે ચૂંટાઈ આવવાનું મને ગોરવ છે. મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું સૌની આભારી છું. સંસ્કૃતિ અને ધર્મની દૃષ્ટિએ વૈવિધ્યસભર બરોનું પ્રતિનિધિત્વ કરવાની મને ખુશી છે.’ હેરોના મેયર સૌપ્રથમ વખત મુખ્ય ધર્મોના પાંચ ચેપ્લિન ધરાવશે.

હેલ્થ સેક્ટરમાં ૨૦થી વધુ વર્ષ કાર્ય કરી ચુકેલા રેખાબહેન સારા સ્વાસ્થ્ય અને આરોગ્યનું મહત્ત્વ દર્શાવવામાં અગ્રેસર છે. આ વર્ષે મેયરની પસંદગીની ચેરિટીઝ પાર્કિન્સન્સ યુકે અને હેરો બિરીવમેન્ટ કેર છે. તેઓ એશિયન કોમ્યુનિટી ઓર્ગન ડોનેશનમાં આગળ આવે તે માટે પણ કામ કરશે. એશિયન કોમ્યુનિટીમાં અંગદાનની તંગી છે અને કાઉન્સિલર શાહ જિંદગીઓ બચાવવા દાતાઓને પ્રોત્સાહિત કરશે. કાઉન્સિલર રેખાબહેન શાહ બ્રેન્ટ અને હેરોના લંડન એસેમ્બલીના સભ્ય નવિન શાહના પત્ની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter