લંડનઃ સધર્ક ક્રાઉન કોર્ટે બે મહિલાની હત્યા કરી તેમના મૃતદેહો પોતાના ઈસ્ટ લંડનમાં કેનિંગ ટાઉન ખાતેના ફ્લેટના ફ્રીઝરમાં છુપાવી રાખનારા ૩૬ વર્ષના આરોપી ઝાહિદ યુનુસને હત્યાનો દોષિત ઠરાવ્યો છે. બેવડી હત્યા કરનારો યુનુસ નિરાધાર લોકો પર હુમલા કરવાનો ઈતિહાસ ધરાવે છે. તેણે હંગેરીની ૩૪ વર્ષીય નાગરિક હેનરિટ ઝુક્સ અને ત્રણ સંતાનોની ૩૮ વર્ષીય માતા મિહ્રિકાન ‘જાન’ મુસ્તફાની હત્યા કરી હતી.
હેનરિટ ઝુક્સ છેલ્લે ઓગસ્ટ ૨૦૧૬ અને મિહ્રિકાન ‘જાન’ મુસ્તફા છેલ્લે મે ૨૦૧૮માં જોવાં મળ્યાં હતાં. એપ્રિલ ૨૦૧૯માં યુનુસ લાપતા હોવાની ફરિયાદ પછી તેના ફ્લેટની તલાશી લેતી વેળાએ તાળા મારેલા ફ્રીઝરની બહાર માખો બણબણતી હતી. શંકાના આધારે ફ્રીઝરને તોડવામાં આવતા તેમાંથી એક મૃતદેહ દેખાયો હતો. ફ્રીઝરને લઈ જઈ તેનો એક્સરે લેવાતા તે મૃતદેહની નીચે બીજો મૃતદેહ હોવાનું પણ જણાયું હતું.