ઠગ ફેઈથ હીલરેઅધધધ £૧ મિલિયન પડાવ્યા

Tuesday 10th March 2015 06:46 EDT
 
 

લંડનઃ સાઈબાબાના નામે લોકોની શ્રદ્ધા સાથે છેતરપીંડી આચરતા મહાઠગ મોહમ્મદ અશરફીને ગત મહિને નવ વર્ષની જેલની સજા કરાઈ છે. તેણે શ્રદ્ધાળુ લોકો સાથે £૬૫૦,૦૦૦ની ઠગાઈ કરી હોવાનું કહેવાય છે. જોકે, કેટલાંક લોકો પોતાને કમલજી તરીકે ઓળખાવતા અશરફી સામે કાનૂની કાર્યવાહીમાં જોડાયાં નહિ હોવાના કારણે વાસ્તવિક ઠગાઈ £૧ મિલિયન સુધીની હોઈ શકે તેમ પોલીસ કહે છે.

આ કેસના તપાસકાર ડીટેક્ટિવ કોન્સ્ટેબલ જોન બ્રાઉને જણાવ્યું હતું કે ફ્રોડના ૧૫ અને બ્લેકમેઈલના એક આરોપસર તેની સામે કુલ £૬૫૦,૦૦૦ની ઠગાઈનાં કેસ હતા. પરંતુ કેટલાંક લોકોએ તેની સામે કાનૂની કાર્યવાહીમાં જોડાવાનું પસંદ કર્યું ન હતું. આથી મને ખાતરી છે કે આ ઠગે લેસ્ટરશાયરના તેના તમામ શિકાર પાસેથી £૧ મિલિયનથી વધુ રકમ પડાવી હશે. લોકોએ તેને નાણા આપવા મકાન મોર્ગેજ મૂક્યાં હતાં એને કેટલાંકે મોટી લોન લીધી હતી.

આ ઠગ લેસ્ટરશાયર છોડી લંડનમાં પોતાનું સ્થાન જમાવવા આવ્યો હતો. તેણે લોકોને જણાવ્યું હતું કે તેમના માટે પ્રાર્થના કરવા તે એકાંતમાં જઈ રહ્યો છે. લોકો તેની સાથે સંપર્ક કરી શકતા ન હતા. લંડનમાં તેણે કૃષ્ણાજી નામ ધારણ કરી સ્થાનિક અખબારમાં જાહેરાતો પ્રસિદ્ધ કરાવી હતી. લેસ્ટરનો એક શિકાર પરિવાર સાથે લંડન ગયો ત્યારે તેણે આવી એક જાહેરાત જોઈ હતી. આ વ્યક્તિએ ગ્રાહકના વેશમાં તેને ફોન કરી તેનું સરનામું મેળવી પોલીસને માહિતી આપતા તેની ધરપકડ થઈ હતી.

પોલીસ, કોમ્યુનિટી ગ્રૂપ્સ અને લેસ્ટર સિટી કાઉન્સિલે બોગસ ફેઈથ હીલર્સની સમસ્યા અંગે જાગૃતિ અભિયાન આરંભ્યું છે. શહેર હજુ ઘણાં બોગસ આધ્યાત્મિક વેશમાં ઠગાઈ આચરી રહ્યાં છે. તેઓ વિદેશી ભાષાના અખબારોમાં કેન્સર અને HIV જેવી બીમારીઓના નિવારણ સહિત પોતાની સેવા વિશે જાહેરાતો પ્રસિદ્ધ કરાવે છે અથવા પોતાના બિઝનેસ કાર્ડ્સ લેટરબોક્સીસમાં રાખી અથવા કારના વિન્ડસ્ક્રીન્સ પર રાખી પ્રચાર કરતા રહે છે. આવા શંકાસ્પદ હીલર્સનો સંપર્ક થાય ત્યારે લોકોએ 101 પર લેસ્ટરશાયર પોલીસ, 0345 404 0506 પર લેસ્ટર સિટી કાઉન્સિલ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ અથવા 0800 555 111 પર ક્રાઈમસ્ટોપર્સ અને 0300 123 2040 પર ક્રાઈમસ્ટોપર્સ ઓન એક્શન ફ્રોડને માહિતી આપવા અનુરોધ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter