ડાઈવોર્સ સમાધાન સામે ગુજરાતી અને બ્રિટિશ મહિલાનો કાનૂની જંગ

Tuesday 09th June 2015 10:15 EDT
 
 

લંડનઃ ગુજરાતી મહિલા વર્ષા ગોહિલ અને બ્રિટિશ મહિલા એલિસન શાર્લેન્ડે તેમના પતિઓ સાથેના ડાઈવોર્સ સમાધાનને સામે યુકેની સર્વોચ્ચ કોર્ટમાં પડકાર આપ્યો છે. વર્ષા અને એલિસને અપીલમાં જણાવ્યું છે કે તેમના પતિઓએ ડાઈવોર્સ કેસમાં પોતાની મિલકતો ઓછી દર્શાવી છેતરપીંડી કરી છે અને તેઓ વધારે વળતરના હકદાર છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ દિવસ સુનાવણી ચાલશે અને વર્ષના અંત સુધીમાં ચુકાદો આવવાની શક્યતા છે.

વર્ષા ગોહિલને સોલિસિટર પતિ ભદ્રેશ ગોહિલ સાથે ડાઈવોર્સ કેસમાં સમાધાન સ્વરુપે ૨૦૦૪માં પ્યુજો કાર અને £૨૭૦,૦૦૦ની ઉચ્ચક રકમ મળી હતી. ભદ્રેશ ગોહિલે તેની પાસે આવકના ટાંચા સાધનો હોવાની દલીલ કરી હતી. પાછળથી ગોહિલને ૨૦ મિલિયન ડોલરથી વધુ રકમના મનીલોન્ડરિંગ સહિતના આરોપોમાં ૧૦ વર્ષ જેલની સજા ફરમાવાઈ હતી. વર્ષા ગોહિલે દલીલ કરી હતી કે તેમના પતિએ ડાઈવોર્સ સમાધાન સમયે ઘણી બાબતો કોર્ટથી છુપાવી હતી. પરિણામે, ૨૦૦૬માં સેટલમેન્ટની સંમતિ આદેશ રદ કરાયો હતો. જોકે, ગોહિલ સામે પોલીસ તપાસના કારણે કેસ અટવાઈ ગયો હતો. કોર્ટ ઓફ અપીલે કેસ રીઓપન કરવા ઈનકાર કર્યો હતો. લોર્ડ જસ્ટિસ મેક્ફાર્લેને વર્ષા ગોહિલ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા છતાં કહ્યું હતું કે આઠ વર્ષ અગાઉ જે બાબતો છુપાવાઈ હતી તેને કોર્ટ ધ્યાને લઈ શકે નહિ. જોકે, તેમને ચુકાદા સામે સુપ્રીમમાં અપીલની પરવાનગી અપાઈ હતી.

એલીસન શાર્લેન્ડને ૨૦૧૨માં પતિ ચાર્લ્સ શાર્લેન્ડ સાથે ડાઈવોર્સ કેસમાં સમાધાન વળતર પેટે £૧૦.૩૫ મિલિયન અપાયા હતા. આ પછી ચાર્લ્સની કંપનીનું મૂલ્ય £૬૨૦ મિલિયન હોવાનું બહાર આવ્યું હતું.

ફેમિલી લોયર્સની નજરો આ કેસ તરફ મંડાયેલી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આ બે મહિલાની તરફેણમાં આવશે તો બ્રિટનમાં એક નવો સિદ્ધાંત સ્થપાશે અને 'અનફેર' ડાયવોર્સ સેટલમેન્ટ્સના અનેક કેસ કોર્ટોમાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter