ડો. હરિ શુક્લાને CBE એનાયત

Tuesday 23rd June 2015 05:32 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં અને વિશેષતઃ સ્થાનિક વિસ્તારમાં જાતિવાદી સંવાદિતાના પ્રસારમાં મદદ કરવા બદલ ૮૧ વર્ષના કોમ્યુનિટી અગ્રણી ડો. હરિ શુક્લાને CBE એનાયત કરાયો છે. પોતાનું સમગ્ર જીવન વંશીય સંબંધોને સમર્પિત કરનારા ન્યુકેસલના ચેપલ હાઉસના ડો. હરિ શુક્લાને અગાઉ MBE અને OBE પણ એનાયત થયાં છે. ૧૯૩૩માં યુગાન્ડામાં જન્મેલા ડો.શુક્લાએ શાળાકીય અભ્યાસ કમ્પાલામાં કર્યો હતો. તેમણે ટીચર્સ સર્ટિફિકેટ કેન્યામાંથી અને સર્ટિફિકેટ ઓફ એજ્યુકેશન એક્સટર યુનિવર્સિટીમાંથી હાંસલ કર્યું હતું. તેમણે ઓપન યુનિવર્સિટી દ્વારા ન્યુકેસલથી કોર્સ પૂર્ણ કર્યો હતો.

તેઓ ૨૦ વર્ષ (૧૯૭૪-૧૯૯૪) સુધી ટાયને એન્ડ વેઅર રેસિયલ ઈક્વલિટી કાઉન્સિલના ડિરેક્ટર રહેવા સાથે સંખ્યાબંધ ચેરિટીઝ સાથે સંકળાયેલા હતા. ૭૯ વર્ષના પત્ની રંજુ, ચાર સંતાનો અને નવ ગ્રાન્ડચિલ્ડ્રન ધરાવતા ડો. શુક્લાએ જણાવ્યું હતું કે, ‘મારું મુખ્ય લક્ષ્ય તમામ કોમ્યુનિટીઓના લોકો સાથે મળીને આ વિસ્તારના કલ્યાણ માટે કામ કરે તે માટે તેમને એકસંપ અને પ્રોત્સાહિત કરવાનું છે. આપણે એક વિશાળ પરિવાર તરીકે રહીએ તે શક્ય છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter