લંડનઃ વેલ્સના મોલ્ડમાં સુપરમાર્કેટ ખાતે ડેન્ટિસ્ટ ડો. સરનદેવ ભામ્બરા પર ધારિયાથી હુમલો કરનારા ઝાક ડેવિસને હુમલાના પ્રયાસ બદલ મોલ્ડ ક્રાઉન કોર્ટ દ્વારા દોષિત ઠરાવાયો છે. તેને માનસિક મૂલ્યાંકન પછી સપ્ટેમ્બરમાં સજા ફરમાવાશે. ડો.ભામ્બરાના પરિવારે રોષ સાથે જણાવ્યું હતું કે જો ડો.ભામ્બરા શ્વેત હોત તો આ હુમલાને આતંકવાદી કૃત્ય ગણવામાં આવ્યું હોત. જાન્યુઆરી મહિનામાં ડેવિસે ‘વ્હાઈટ પાવર’ અને ‘ધીસ ઈઝ ફોર લી રિગ્બી’ની બૂમો પાડી ડેન્ટિસ્ટ પર હુમલો કર્યો હતો. પરિણામે ડોક્ટરને ગંભીર ઈજા પહોંચી હતી. પૂર્વ સૈનિક પીટર ફૂલરે હુમલો અટકાવવા કરેલા પ્રયાસથી ડો. ભામ્બરાનું જીવન બચી ગયું હતું.
લીડ્ઝમાં જન્મેલા ડો. સરનદેવ ભામ્બરાના ભાઈ ડો. તરલોચનસિંહ ભામ્બરાએ કહ્યું હતું કે,‘સરનદેવને તેની ત્વચાના રંગના લીધે જ અલગ તારવી લેવાયો હતો. જો આ કિસ્સામાં ત્વચાનો રંગ અલગ હોત તો પરિસ્થિતિ બદલાઈ હોય અને વ્યાપક મીડિયા કવરેજ સાથે હુમલાને ત્રાસવાદી કૃત્ય ગણવામાં આવ્યું હોત.’
ડો. ભામ્બરાએ કહ્યું હતું કે,‘૨૦૧૫ના બહુસાંસ્કૃતિક બ્રિટન માટે વંશીય લઘુમતીએ રચનાત્મક ફાળો આપેલો છે અને આપતા રહેશે. બ્રિટન આજે આજાદી ભોગવે છે તેના માટે શીખોએ બે વિશ્વ યુદ્ધોમાં બલિદાનો પણ આપ્યા છે.’
પ્રોસીક્યુટરોએ જણાવ્યું હતું કે ડેવિસ પાસેથી શ્વેત શ્રેષ્ઠતાવાદી સાહિત્ય કબજે લેવાયું છે. ઝાક ડેવિસે તે તીવ્ર નીઓ નાઝી વિચારો ધરાવતા જૂથ નેશનલ એક્શનનો સભ્ય હોવાની કબૂલાત કરેલી છે અને તેને ઈસ્લામિક સ્ટેટ ગ્રૂપના મર્ડર વીડિયોઝમાં દેખાતા બુકાનીધારી હત્યારા જેહાદી જ્હોનમાંથી પ્રેરણા મળી હોવાનું કોર્ટને જણાવ્યું હતું.