લંડનઃ નેશનલ હેલ્થ સ્કીમ (NHS) દ્વારા ગયા વર્ષે ૧,૩૦૨ પેશન્ટ્સને વળતર સ્વરુપે £૧૯૪ મિલિયન એટલે તે સપ્તાહના આશરે £૪ મિલિયન ચુકવવાની ફરજ પડી હતી. આ વળતર આપવા માટે ડોક્ટરો દ્વારા બીમારી અથવા સ્થિતિના ખોટા નિદાનો સહિતની ભૂલો જવાબદાર હતી. આમાંથી ૧૦ ટકા ચુકવણી તો કેન્સરનું સમયસર નિદાન નહિ કરવા બદલની હતી. નોંધવા જેવી હકીકત એ છે કે સ્ટાફની ભૂલોના કારણે દર વર્ષે NHSના આશરે ૧૨,૫૦૦ દર્દી મોતનો શિકાર બને છે.
ઈસ્ટ લંડનમાં બાર્ટ્સ હેલ્થ NHS ટ્રસ્ટે ગત ત્રણ વર્ષમાં ખોટા નિદાનો અંગેના ૫૫ કેસ માટે સૌથી વધુ £૧૩.૮ મિલિયનનું વળતર ચુકવ્યું હતું. આ પછીના ક્રમે યુનિવર્સિટી હોસ્પિટલ્સ લેસ્ટર દ્વારા ૧૨૯ કેસ માટે £૧૧.૬ મિલિયન અને વેસ્ટ મિડલેન્ડ્સમાં હાર્ટ ઓફ ઈંગ્લેન્ડ NHS ટ્રસ્ટ દ્વારા ૫૪ કેસ માટે £૧૧.૬ મિલિયનનું વળતર ચુકવાયું હતું.
દર્દીઓને ચોવીસ કલાક સારસંભાળની જરૂર હોય અથવા મોત થાય તેવા સૌથી ખરાબ કિસ્સાઓમાં તો દરેક પરિવારને £૫ મિલિયનનું વળતર અપાયું હતું. જોકે, આવા કેસીસમાં વકીલો દ્વારા વસૂલ કરાયેલી ધરખમ ફીનો સમાવેશ થતો નથી, જેઓ પરિવારને ચુકવાતી રકમથી ૨૦ ગણાથી વધુ રકમના વળતરનો ક્લેઈમ્સ કરે છે. ડોક્ટરોની ભૂલોનો સૌથી વધુ લાભ કે નફો આવા વકીલો મેળવતા હોવા વિશે ચિંતા વ્યક્ત કરાઈ છે. NHSની લિટિગેશન ઓથોરિટીના તાજા આંકડા અનુસાર ગયા વર્ષે હેલ્થ સર્વિસની £૧.૧ બિલિયનની લીગલ ફીસનો ત્રીજો હિસ્સો વકીલોના ખિસ્સામાં ગયો હતો.
ડોક્ટરોની ભૂલથી મોત પામેલા પેશન્ટ્સમાં ડેનિયલ સ્ટ્રેટન પણ છે, જેની કિડની નિષ્ફળ ગયાનું સાચું નિદાન કરવાના બદલે નોટિંગહામમાં ક્વીન્સ મેડિકલ સેન્ટરના તબીબોએ તેને ઈટિંગ ડિસઓર્ડરના લક્ષણો હોવાનું જણાવ્યું હતું. આ જ રીતે, નોર્થ બ્રિસ્ટલ NHS ટ્રસ્ટના તબીબો ૫૬ વર્ષીય લીન રીસને સાત મહિના હોસ્પિટલમાં રાખ્યા પછી પણ કેન્સર હોવાનું નિદાન કરી શક્યા ન હતા. ઈસ્ટ સરે હોસ્પિટલના ડોક્ટરો ૩૭ વર્ષીય લુસિયા શર્માને સતત વોમિટિંગ અને માતાના દુઃખાવાના લક્ષણો હોવાં છતાં તેમના સીટી સ્કેનમાં બ્રેઈન હેમરજને પારખી શક્યા ન હતા.