લંડનઃ મેટ્રોપોલીટન પોલીસના કાઉન્ટર ટેરરિસ્ટ કમાન્ડે ટેરરિઝમ એક્ટ ૨૦૦૦ની સેક્શન ૧૭ની જોગવાઈ હેઠળ ત્રાસવાદને ભંડોળ અપાયાની શંકાના આધારે ૧૯ વર્ષીય યુવતીની ૨૮ સપ્ટેમ્બરે ધરપકડ કરી છે. જોકે, આ ધરપકડ પારસન્સ ગ્રીન હુમલા સાથે સંબંધિત ન હોવાની સ્પષ્ટતા પણ પોલીસે કરી હતી.
અગાઉ, પોલીસે ૧૨ જાન્યુઆરીએ નોર્થ લંડનના એક સરનામે દરોડો પાડી ત્રાસવાદને ભંડોળની શંકા પરથી ૫૧ વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી, જેને વધુ તપાસ સુધી જામીન પર મુક્ત કરાઈ હતી. આ બંને ધરપકડ પોલીસ એન્ડ ક્રિમિનલ એવિડન્સ એક્ટ હેઠળ કરવામાં આવી હતી અને તે સીરિયા સાથે સંબંધ ધરાવે છે. તપાસ હજુ ચાલી રહી છે.

