દંપતીએ ૧૮મી સદીના પ્રાચીન ઘરને ૩૦ માઈલ દૂર ખસેડ્યું

Tuesday 23rd June 2015 05:29 EDT
 
 

લંડનઃ વર્તમાન ટેકનોલોજીના યુગમાં વૃક્ષને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનું સરળ બન્યું છે, પરંતુ પ્રાચીન ઈમારતને અન્ય સ્થળે લઈ જવાનું જરા મુશ્કેલ છે. જોકે, વિલ્ટશાયરના દંપતી સારાહ અને એડમ હોવાર્ડે તેમની ૧૮મી સદીના જ્યોર્જિયન મેનોર હાઉસની તોડ-ફોડ કરી તેની જ સામગ્રીથી ૩૦ માઈલના અંતરે ગ્લુસ્ટરશાયરમાં એ જ બાંધણીનું વૈભવી ઘર બાંધવાની કમાલ કરી છે. જોકે, મકાનના પુનઃ નિર્માર્ણનું કાર્ય સહેલું ન હતું. હવે અન્યત્ર રહેવા જવા ઈચ્છતા દંપતીએ ભારે મહેનત પછી બંધાયેલા આ મેનોરને £૩.૭૫ મિલિયન કિંમત સાથે વેચાણમાં મૂક્યું છે.

હોવાર્ડ દંપતીને વિલ્ટશાયર કાઉન્ટી છોડી ગ્લુસ્ટરશાયરમાં રહેવા જવું હતું, પરંતુ તેમને યોગ્ય ઘર મળતું ન હતું. આથી, તેમણે ગ્લુસ્ટરશાયરમાં યોગ્ય સ્થળે પ્લોટ ખરીદી પોતાના જ ઘરની યોજનાબદ્ધ તોડ-ફોડ કરી નવેસરથી પુરાણી જ્યોર્જિયન શૈલી અને આધુનિક પારિવારિક સુવિધાના સમન્વય સાથે પાંચ બેડરુમના મકાનનું નિર્માણ કર્યું હતું.

પ્લાનિંગ સંબંધિત થોડી મુશ્કેલીઓ પસાર કર્યા પછી તેમણે બે વર્ષના નિર્માણકાર્યનો આરંભ કર્યો હતો. ૨૦૦૯ના કઠોર શિયાળામાં મૂળ મકાનની ત્રીજા ભાગની ઈંટો નાશ પામી હતી ત્યારે શ્રીમતિ હોવાર્ડે અન્ય તોડી પડાયેલા મકાનોની ઈંટો મેળવવા પ્રયાસ કર્યો હતો. બે વર્ષ પછી પરિવારને મૂળ ચોરસ બાથ પથ્થરની ઈંટો, પાયાના પથ્થરો અને થાંભલા ઉપરાંત, રીક્લેઈમ સામગ્રી સાથે નવસર્જિત ઘર મળ્યું હતું. પાંચ એકરની ખુલ્લી જમીન મધ્યે નવા સુંદર મકાનમાં પાંચ બેડરુમ, ચાર રીસેપ્શન રુમ, ચાર બાથરુમ, ચાલુ હાલતમાં છ મૂળ ફાયરપ્લેસનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter