નરેન્દ્ર મોદી નવેમ્બરમાં યુકેની મુલાકાત લેવાની શક્યતા

Monday 06th July 2015 06:40 EDT
 
 

લંડન, નવી દિલ્હીઃ મે-૨૦૧૪માં લોકસભા ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી સર્વપ્રથમ બ્રિટન જશે એવી માન્યતાને ખોટી પાડીને હવે છેક એક વર્ષ પછી તેમની યુકેની મુલાકાતની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મોદીને જુલાઈમાં યુકેમાં સત્કારવા કેમરન સરકાર આતુર હતી, પરંતુ હવે બિહાર વિધાનસભા ચૂંટણી પછી તેઓ નવેમ્બરમાં યુકે આવે તેવી સંભાવના વધી છે. વિદેશ સચિવ એસ. જયશંકર હાલમાં બે દિવસ માટે યુકેની મુલાકાતે આવ્યા હતા અને તેમણે બ્રિટિશ પ્રતિનિધિઓને મળીને પીએમ મોદીની નવેમ્બરમાં યોજાનારી મુલાકાત અંગે ગ્રાઉન્ડ વર્ક કરી લીધું છે. જોકે, મોદીની યુકેની મુલાકાતની તારીખ હજુ નિશ્ચિત કરવામાં આવી નથી.

 કેમરન સરકાર મોદીની મુલાકાતને યાદગાર બનાવવા તમામ કરી છૂટવા તૈયાર છે. ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે ૨૦,૦૦૦ ને મોદીના સંબોધનને ભૂલાવે તેવો કાર્યક્રમ ૯૦,૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતા વેમ્બલી સ્ટેડિયમમાં યોજાય તેવું પણ આયોજન શક્ય છે. નવેમ્બર મહિનામાં બ્રિટન પ્રથમ વિશ્વ યુદ્ધના અંતની ઉજવણી કરે છે. આ યુદ્ધમાં બ્રિટિશ ઈન્ડિયન આર્મીના હિસ્સા તરીકે લગભગ ૧૫ લાખ ભારતીયો યુદ્ધમાં સામેલ થયા હતા.

આ સાથે નરેન્દ્ર મોદી લગભગ છેલ્લા એક દાયકામાં યુકેની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. ૨૦૦૬માં યુપીએ સરકારના વડાપ્રધાન મનમોહન સિંઘે યુકેની મુલાકાત લીધી હતી. આ પછી, યુકે-ભારતના સંબંધો મહદ્ અંશે સ્થિર રહ્યાં છે, પરંતુ હવે મોદીની આગામી યુકે મુલાકાતથી આ સંબંધોમાં નવા પ્રાણ ફૂંકાશે એમ મનાય છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે કોઈ મોટા કરારો થયા નથી.

સૂત્રોએ જણાવ્યા અનુસાર મોદીના શાસનને એક વર્ષ પૂર્ણ થવા છતાં હજુ તેઓ યુકેની મુલાકાતે ન આવ્યાથી બ્રિટિશ સરકારને નિરાશા થઈ છે. મોદીએ આ એક વર્ષમાં વોશિંગ્ટન, પેરિસ, બીજિંગ, ટોકિયો, કેનબેરા, ટોરોન્ટો અને બોન સહિત વિશ્વની મુખ્ય રાજધાનીની મુલાકાત લીધી છેઆ મુલાકાત વખતે શક્ય છે કે બંને દેશોના વડાપ્રધાનો કેટલાક બ્રિટિશ અને ભારતીય શહેરોનું જોડાણ કરે. ખાસ કરીને આ શક્યતા ભારત સરકારની સ્માર્ટ સિટીની યોજનાના સંદર્ભમાં જોવાઈ રહી છે. હાલમાં ગુજરાતના રાજકોટને બ્રિટનના લેસ્ટર સાથે જોડવામાં આવી રહ્યું છે, જ્યાં ગુજરાતીઓની સંખ્યા બહોળા પ્રમાણમાં છે. આ ઉપરાંત, ગંગા શુદ્ધિકરણ અને સ્કીલ્સ એજન્ડા માટે પણ વડાપ્રધાન બ્રિટન સાથે કોઈ કરાર કરે એવી શક્યતાઓ છે. મોદી બ્રિટનમાં કાર્યરત અને ત્રાસવાદને પોષતું ભંડોળ ઉઘરાવતા ભારતવિરોધી જૂથો પર ધોંસ લાવવાની તેમજ ટાઈગર હનીફ, રવિ શંકરન અને રેમન્ડ વાર્લેના પ્રત્યાર્પણની માગણીનો પુનરુચ્ચાર કરે તેવી પણ શક્યતા છે. બ્રિટનની ચૂંટણી અગાઉ માર્ચ મહિનામાં લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવા બ્રિટિશ સરકાર આતુર હતી. જોકે, નાણાપ્રધાન અરુણ જેટલીએ પ્રતિમા અનાવરણ સમારોહમાં હાજરી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter