નાવિન્દર સિંહ સરાઓ જામીન પર મુક્ત

Tuesday 18th August 2015 07:48 EDT
 
 

લંડનઃ યુએસ શેરબજારોમાં £૫૦૦ બિલિયનની કટોકટી સર્જનારા અને ‘હાઉન્ડ ઓફ હંસલો’ તરીકે ઓળખાતા ૩૬ વર્ષીય નાવિન્દર સિંહ સરાઓને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે £૨.૫ મિલિયનના જામીન પર મુક્ત કર્યો છે. તેણે સ્વિસ બેન્ક એકાઉન્ટ અને આફ્રિકન ઈન્વેસ્ટમેન્ટ પેઢીમાં £૩૦ મિલિયનની સંપત્તિ જમા કરી હોવાની કબૂલાત કોર્ટ સમક્ષ કરી હતી. આ પછી કોર્ટે તેના જામીનની રકમ અડધી કરી નાખી હતી. યુએસ સત્તાવાળાઓ સરાઓ વિરુદ્ધ કેસ ચલાવવા પ્રત્યાર્પણની માગણી કરી રહ્યા છે.

યુએસ પ્રોસિક્યુટરોના આક્ષેપો અનુસાર તેણે વેસ્ટ લંડનના હંસલોસ્થિત માતાપિતાના મકાનમાં રહીને જ યુએસ અને યુકેના શેરબજારોમાં ૨૦૧૦ની નાણાકીય કટોકટીમાં મોટી ભૂમિકા ભજવી હતી. કૌભાંડોની હારમાળા થકી તેણે ગણતરીની સેકન્ડોમાં યુએસના શેરબજારોમાંથી અબજો ડોલર ખંખેરી લીધા હોવાનો તેના પર આક્ષેપ છે. સરાઓએ પાંચ વર્ષના ગાળામાં ગેરકાયદે ટ્રેડિંગ મારફત £૨૬ મિલિયન ખિસ્સાભેગાં કર્યાનો આક્ષેપ છે. અમેરિકન સત્તાવાળાની વિનંતીથી એપ્રિલમાં તેની ધરપકડ કરાઈ હતી અને ત્યારથી તે પ્રત્યાર્પણનો વિરોધ કરી રહ્યો છે.

સરાઓ અગાઉ જામીન માટે આવશ્યક £૫ મિલિયન ઉભા કરવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ વિદેશી ખાતાઓમાં £૩૦ મિલિયનની સંપત્તિની કબૂલાત પછી વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે તેને જામીન મંજૂર કર્યા હતા. તેણે નાણાકીય વ્યવહારો માટે ઈન્ટરનેટનો ઉપયોગ ન કરવા સહિતની શરતો કબૂલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter