નાસ્તિકને પસંદ નહિ કરવા મતદારોને ચેતવણી અપાઈ હતી

Tuesday 10th February 2015 04:09 EST
 

લંડનઃ બરો ઓફ ટાવર હેમ્લેટના વર્તમાન મેયર લુત્ફુર રહેમાન તેમની ચૂંટણી રદબાતલ જાહેર કરવા ચાર મતદારો દ્વારા હાઈ કોર્ટમાં કરાયેલી પિટિશનનો સામનો કરી રહ્યા છે. લેબર પાર્ટીના મેયરપદના ઉમેદવાર નાસ્તિક હોવાથી તેમને મત આપવા સામે મુસ્લિમોને ચેતવણી અપાઈ હોવાની રજૂઆત હાઈ કોર્ટમાં કરાઈ હતી.

મતદારોને એમ પણ જણાવાયું હતું કે સેવારત મેયર અને ‘મુસ્લિમ બંધુ’ લુત્ફુર રહેમાનને મત આપવાની તેમની ધાર્મિક ફરજ છે. લંડન બરો ઓફ ટાવર હેમ્લેટના મેયર ૧૯મી સદી પછી પ્રથમ એવા રાજકારણી છે જેમની વિરુદ્ધ મતદારોને તેમને મત આપવાની ધાર્મિક ફરજ હોવાનું જણાવી આધ્યાત્મિક વગના ઉપયોગ કરવાનો આક્ષેપ કરાયો છે. રહેમાને તેમનો વિજય ગેરકાયદે અને ભ્રષ્ટાચારપૂર્ણ હોવાના અનેક આક્ષેપોને નકારી કાઢ્યા છે.

જજ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે રહેમાનની ટાવર હેમ્લેટ ફર્સ્ટ (THF) પાર્ટીના સમર્થકો આ વિસ્તારના મોટા પ્રમાણના બાંગ્લાદેશી મતદારોને તેમના ધર્મ અનુસાર મત આપવા અનુરોધ કરતા હતા. લેબર બ્રાન્ચ ચેરમેન અમીર હુસેને જણાવ્યું હતું કે ૩૦,૦૦૦ શ્રદ્ધાળુ બરોની ૪૫ મસ્જિદોમાં શુક્રવારની નમાજ માટે જાય છે અને આ બધાં જ બાંગલાદેશીઓને અનુલક્ષી અપાયેલા ફ્રી અખબારો ઘેર લઈ ગયા હતા. કેટલાંક અખબારોમાં ૧૦૧ ઈમામોને ટાંકતો લેખ હતો, જેમાં કહેવાયું હતું કે,‘જો તમે લુત્ફુર રહેમાનને મત નહિ આપો તો તમે સારા મુસ્લિમ નથી. ઘણાં લોકો ૧૦૧ ઈમામ વિશે ચર્ચા કરતા હતા. આ લેખથી લોકોના દૃષ્ટિકોણને અસર થઈ હતી અને લેબર પાર્ટીને મળનારા મત THF ને મળ્યાં હતાં.

સુનાવણી ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter