પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

Tuesday 17th June 2025 15:39 EDT
 
 

ટોરોન્ટોઃ લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના 35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના કેમ્પસમાં યોજાએલા સમારંભમાં ડો. સોઢાની અભૂતપૂર્વ નેતાગીરી, સમર્પણ અને કોમ્યુનિટી હેલ્થના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાનને બિરદાવાયું હતું.

ડો. લલિત સોઢા 25 કરતાં વધુ વર્ષથી લંડનના ઈસ્ટકોટે ખાતે કિરોપ્રેક્ટિક ક્લિનિક ચલાવે છે તેમજ સુલભ, પેશન્ટ કેન્દ્રિત સંભાળ અને સમગ્રતયા હેલ્થ એજ્યુકેશન થકી સ્વાસ્થ્યને પ્રમોટ કરે છે. તેમની અસર સ્થાનિક સીમાઓથી પણ આગળ વધેલી છે જેનાથી તેમને વ્યાપક સન્માન પ્રાપ્ત થયું છે. ડો. સોઢા તેમના ‘હેલ્થ બાય ચોઈસ, નોટ બાય ચાન્સ’ના મુદ્રાલેખ સાથે સેવા અને શિક્ષણ થકી આરોગ્યપ્રદ જીવન જીવવાની પ્રેરણા આપે છે.

કોમ્યુનિટી હેલ્થ માટે ટકાઉ પ્રતિબદ્ધતા ધરાવતા પૂર્વ વિદ્યાર્થીને કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત કરાય છે. ડો. લલિત સોઢાની કદરમાં તેમની વ્યાવસાયિક ઉત્કૃષ્ટતા જ નહિ, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વની મજબૂત લાગણી પ્રતિબિંબિત થાય છે. આવુ સન્માન મેળવનારા પ્રથમ લોહાણા કિરોપ્રેક્ટર હોવાથી ગ્લોબલ લોહાણા કોમ્યુનિટી માટે આ ગૌરવની પળ છે જે વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોમાં તેમના યોગદાનને ઉજાગર કરે છે.

અનુકંપા, સેવા અને ઉત્કૃષ્ટતાના મૂલ્યો સાથે ડો. સોઢાના કાર્યો હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ભાવિ નેતાઓને પ્રેરણા આપતા રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter