પ્રિન્સ એન્ડ્રયુ સામે સગીર યુવતી સાથે જાતીય સંબંધોના આક્ષેપોથી ખળભળાટ

Wednesday 07th January 2015 05:21 EST
 
 

પ્રિન્સે કિશોર વયની ‘સેક્સ ગુલામ’ સાથે લંડન, ન્યૂ યોર્ક અને ખાનગી કેરેબિયન ટાપુમાં જાતીય સંબંધો બાંધ્યા હોવાનો પણ દાવો કરાયો છે. પ્રિન્સ એન્ડ્ર્યુ અને બકિંગહામ પેલેસે સગીરા સાથે જાતીય સંબંધોના આ આક્ષેપોને ‘તથ્યવિહોણા’ ગણાવી નકારી કાઢ્યા છે. ડ્યુકે પોતાના વકીલોને મીડિયા રિપોર્ટ્સ તપાસવા સૂચના પણ આપી છે. પરિવાર સાથે વેકેશન ગાળવા ગયેલા ડ્યુક તત્કાળ લંડન આવી પહોંચ્યા હતા અને તેમણે ક્વીન સાતે મુલાકાત અથવા ટેલીફોન પર વાતચીત કરી હોવાનું પણ મનાય છે.

બકિંગહામ પેલેસ અને પ્રિન્સે આક્ષેપો નકાર્યા

વર્જિનિયા રોબર્ટ્સ દ્વારા આક્ષેપોના પગલે વિવાદગ્રસ્ત પ્રિન્સ એન્ડ્ર્યુને સત્તાવાર નિવેદન આપવાની ફરજ પડી છે. પ્રિન્સે જણાવ્યું છે કે તેણે કદી મિસ રોબર્ટ્સ સાથે જાતીય સંબંધો બાંધ્યા નથી. બીજી તરફ, બકિંગહામ પેલેસ દ્વારા પણ આક્ષેપોને નકારતી સ્પષ્ટતા કરાઈ છે. પેલેસના નિવેદનમાં જણાવાયું છે કે, ‘ડ્યુક ઓફ યોર્કના વર્જિનિયા રોબર્ટ્સ સાથે કોઈ પ્રકારના જાતીય સંપર્ક અથવા સંબંધો હોવાનું ભારપૂર્ક નકારી દેવામાં આવે છે. આ પ્રકારના કોઈ આક્ષેપ અસત્ય અને પાયાવિહોણા છે.’ અગાઉ પણ શુક્રવાર અને શનિવારે કરાયેલા બે નિવેદનમાં ૧૭ વર્ષીય મિસ રોબર્ટ્સ સાથે પ્રિન્સના જાતીય સંબંધને નકારી કઢાયા હતા.

સત્તાવાર ફરિયાદ કરાય તો પોલીસ તપાસ

જો પ્રિન્સ વિરુદ્ધ સ્કોટલેન્ડ યાર્ડમાં સત્તાવાર ફરિયાદ કરવામાં આવે તો તેમની પોલીસ તપાસ થઈ શકે છે. પ્રિન્સે આક્ષેપો નકારી કાઢ્યા છે અને મિસ રોબર્ટ્સે કદી તેમની વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદ કરી નથી. કોર્ટ કેસમાં પ્રિન્સ પક્ષકાર ન હોવાના કારણે તેમને ૩૦ ડિસેમ્બરે ફ્લોરિડા કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અંગે ચેતવણી આપવામાં આવી નથી. જોકે, દસ્તાવેજોમાં તેમનો ઉલ્લેખ અવશ્ય થયો છે. જોકે, સગીર ‘સેક્સ ગુલામ’ યુવતીઓ પૂરી પાડનાર બાળયૌનશોષક બિલિયોનેર માટે લોબીઈંગ કરવાના મુદ્દે યુએસ પ્રેસિક્યુટર્સ પ્રિન્સની પૂછપરછ કરે તેવી પણ શક્યતા છે. સ્કોટલેન્ડ યાર્ડની મહિલા પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘આ તબક્કે અમને આ આક્ષેપો મળ્યાં નથી. જો અમને ફરિયાદ મળશે તો અમે તપાસ કરીશું.’ જો એપ્સટીન વિરુદ્ધ કાનૂની પડકાર સફળ થાય તો કેસ ફરી ઉખેળવામાં આવી શકે અને ડ્યુકને નિવેદન આપવા જણાવાય તેવી પણ શક્યતા છે.

એપ્સટીનની કાનૂની સોદાબાજીમાં ડ્યુકને રક્ષણ મળશે?

બાળયૌનશોષક બિલિયોનેર જેફ્રી એપ્સટીને સગીર બાળાને પ્રોસ્ટિય્ટુશનમાં ધકેલવાનો એક નાનો ગુનો સ્વીકારી ૨૦૦૭માં કરેલી કાનૂની સોદાબાજીથી પ્રિન્સ એન્ડ્ર્યુ પણ રક્ષિત છે કે કેમ તેવા સવાલ ઉઠી રહ્યા છે. જેફ્રીના પ્રતિષ્ઠિત મિત્રોને બચાવવા ધરખમ વકીલોએ કરેલી વિવાદાસ્પદ સમજૂતી અનુસાર સંભવિત સહ-કાવતરાખોરોએ ક્રિમિનલ ચાર્જ્સનો સામનો કરવો પડે નહિ તેની ખાતરી અપાઈ છે. આ સોદાબાજીનો લાભ પ્રિન્સને પણ મળે તેવો દાવો થાય છે. આ સમજૂતીના પરિણામે પોલીસ તપાસ અટકી હતી અને એપ્સટીનના મોટા અપરાધો પણ દબાઈ ગયા હતા. બીજી તરફ, વકીલો વચ્ચે સધાયેલી સમજૂતી વિશે પોતાને કોઈ જાણકારી અપાઈ ન હોવાનો દાવો વર્જિનિયા રોબર્ટ્સ દ્વારા નવા કાનૂની પડકારમાં કરાયો છે. એપ્સટીનના વકીલ અને વ્હાઈટ હાઉસમાં ડોમેસ્ટિક પોલિસીના પૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર જય લેફ્ટોવિત્ઝ દ્વારા યુએસ એટર્ની ઓફિસને ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૭માં ઈમેઈલ મોકલી આ સમજૂતી ગુપ્ત રાખવા દબાણ કરવામાં આવ્યું હતું.

પ્રિન્સને ડિપ્લોમેટિક ઈમ્યુનિટી પણ મળી શકે

પ્રિન્સ એન્ડ્ર્યુ સંબંધિત ઘટના સમયે વ્હાઈટ હોલ દ્વારા પ્રમાણિત બિઝનેસ રાજદૂત હોવાના કારણે તેમને કોઈ ક્રિમિનલ ઈન્ક્વાયરીમાં પૂછપરછ સામે ડિપ્લોમેટિક ઈમ્યુનિટીનો લાભ પણ મળી શકે તેમ મનાય છે. જોકે, રાજદ્વારીઓએ યજમાન દેશોના કાયદાઓ અનુસરવા પડે છે. પ્રત્યાર્પણ લોયર કારેન ટોડનેરના જણાવ્યા અનુસાર જો સિવિલ કાર્યવાહી હોય તો પ્રત્યાર્પણ કાયદો લાગુ પડતો નથી તેથી પ્રિન્સ જવાનો ઈન્કાર કરી જ શકે છે. માત્ર ક્રિમિનલ કાર્યવાહીમાં જ તેમને પુરાવા-જુબાની આપવા ફરજ પડે અને જો પ્રિન્સ સહકાર આપવાનો ઈનકાર કરે તો તેમને યુએસમાં પ્રવેશ માટે પ્રતિબંધિત પણ કરી શકાય. માત્ર શાહી પરિવારના સભ્ય હોવાના કારણે પ્રિન્સને રાજદ્વારી ઈમ્યુનિટીનો લાભ મળે કે કેમ તે શંકાસ્પદ છે કારણ કે આવો કિસ્સો હજુ સુધી આવ્યો નથી.

ક્વીન સાથે વર્જિનિયાનો પરિચય કરાવાયો હતો

વર્જિનિયા રોબર્ટ્સના પિતા સ્કાયએ કરેલા દાવા અનુસાર ડ્યુક ઓફ યોર્કે ક્વીન એલિઝાબેથ દ્વિતીય સાથે વર્જિનિયાનો પરિચય કરાવ્યો હતો. જોકે, બકિંગહામ પેલેસે જણાવ્યું છે કે આવી મુલાકાતનો કોઈ રેકોર્ડ નથી. સ્કાયએ જણાવ્યું હતું કે તેમની પુત્રી ક્વીન સાથે મુલાકાતથી ઘણી રોમાંચિત હતી. થોડાં વર્ષ અગાઉ તે એપ્સટીન સાથે લંડન ગઈ ત્યારે પ્રિન્સ સાથે તેની મુલાકાત થઈ હતી. આક્ષેપોમાં એમ પણ જણાવાયું છે કે ૨૦૦૧માં પ્રિન્સ એન્ડ્ર્યુ સાથે સુવા બદલ એપ્સટીને મિસ રોબર્ટ્સને £૧૦,૦૦૦નું ઈનામ પણ આપ્યું હતું.

‘સેક્સ ગુલામ’ તરીકે સગીર યુવતીઓનો ઉપયોગ

વર્જિનિયા રોબર્ટ્સે આક્ષેપ કર્યો છે કે બદનામ મીડિયા મુઘલ રોબર્ટ મેક્સવેલની પુત્રી ઘીસલેઈન મેક્સવેલ દ્વારા પૂરી પડાયેલી અને ‘જેન ડોઝ’ તરીકે ઓળખાતી અન્ય યુવતીઓની સાથે તેને પણ ૧૫ વર્ષની વયે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર એપ્સટીનને ‘સેક્સ ગુલામ’ તરીકે સોંપી દેવાઈ હતી. એપ્સટીન આ યુવતીઓનો ઉપયોગ અગ્રણી અમેરિકન રાજકારણીઓ, શક્તિશાળી બિઝનેસ એક્ઝીક્યુટિવ્ઝ, વિદેશી પ્રમુખો અને અને જાણીતા નેતાઓની સેવા માટે કરતો હતો. એપ્સટીન અને પ્રિન્સ સહિત તેના ઉમરાવ મિત્રો દ્વારા તેનું યૌનશોષણ કરાતું હતું. પ્રિન્સ સાથે સેક્સ સંબંધો બાંધવા અને તે પછી તેનો રિપોર્ટ આપવાની એપ્સટીને તેને ફરજ પાડી હોવાનો આક્ષેપ પણ અગાઉ ‘જેન ડો-૩’ તરીકે ઓળખાવાયેલી હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતી આ યુવતીએ લગાવ્યો છે. યુએસમાં એફબીઆઈના અન્ડરકવર ઓપરેશન પછી એપ્સટીનની ધરપકડ થઈ ત્યારે પણ પ્રિન્સે તેને ઓછી સજા મળે તે માટે લોબીઈંગ કર્યું હોવાનું પણ કહેવાયું છે. એપ્સટીનની જેલમુક્તિ પછી પ્રિન્સે તેને મળવાનું ચાલુ રાખ્યુ હોવાનું બહાર આવતા પ્રિન્સે ૨૦૧૧માં યુકે ટ્રેડ એમ્બેસેડરના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.

ડ્યુક અને એપ્સટીનની ગાઢ મિત્રતા

૬૧ વર્ષીય જેફ્રી એપ્સટીન અને પ્રિન્સ એન્ડ્ર્યુ ગાઢ મિત્ર હતા. પ્રિન્સે તેની સાથે થાઈલેન્ડમાં રજાઓ ગાળી હતી અને સાન્ડ્રિન્ઘામમાં મિસ મેક્સવેલ સાથે પ્રિન્સ પણ મહેમાન હતા. એપ્સટીને ડ્યુકની પૂર્વ પત્ની અને ડચેસ ઓફ યોર્ક સારાહને તેનું દેવું ચુકવવા નાણા પણ ઉધાર આપ્યા હતા. એપ્સટીન સાથેની મિત્રતાની ભારે કિંમત પ્રિન્સ એન્ડ્ર્યુ ચુકવી રહ્યા છે. આ જ મિત્રતાને એન્ડ્ર્યુ ક્યારેક સૌથી મોટી ભૂલ ગણાવી ચુક્યો છે. એપ્સટીનને સગીર યુવતીને પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલવાના એક આરોપમાં ૨૦૦૮માં ૧૮ મહિના જેલની સજા કરાઈ હતી. ગુનો સ્વીકારી લેવા બદલ તેની સામેના અન્ય આરોપો ફગાવી દેવાયા હતા. એફબીઆઈની તપાસમાં જાતીય સેવા માટે મેળવાયેલી ૪૦ જેટલી મહિલાની ઓળખ ૨૦૦૬માં કરી હતી. એમ કહેવાય છે કે એપ્સટીને ૧૭ દાવેદારો સાથે કોર્ટ બહાર સમાધાન કરી લીધું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter