બહુમતી કેમરન સરકારનો યુરોપ રેફરન્ડમ મુદ્દે પરાજય

Tuesday 08th September 2015 10:35 EDT
 
 

લંડનઃ યુરોપ રેફરન્ડમ સંદર્ભે હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી ટોરી પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમરનને પોતાના જ સાંસદોના હાથે ૩૧૨ વિરુદ્ધ ૨૮૫ મતની અપમાનજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ પરાજયનો અર્થ એ છે કે ઐતિહાસિક યુરોપ રેફરન્ડમ અગાઉ મિનિસ્ટર્સ અને અધિકારીઓને તટસ્થ રાખવા માટેના ‘પરદા’ નિયમો નબળા પાડવાના કેમરનના પ્રયાસો નિષ્ફળ ગયા છે. બળવાખોર ટોરી સાંસદોએ લેબર અને SNP સાથે હાથ મિલાવ્યા હતા. મિનિસ્ટરોએ કેમરનને તત્કાળ રેફરન્ડમનો આદેશ આપતા અટકાવતા નવા નિયમનો પણ સ્વીકારી લીધા હતા.

ટોરી બેકબેન્ચર્સની ૧૯૨૨ની કમિટીના ચેરમેન ગ્રેહામ બ્રાડી, પૂર્વ મિનિસ્ટર્સ સર જેરાલ્ડ હોવાર્થ, ડીમ લાઉટન અને ડેવિડ જોન્સ સહિત ૩૭ કન્ઝર્વેટિવ સાંસદોએ બળવો પોકારી સરકારને હરાવી છે. અગાઉ, જૂન મહિનામાં ૨૭ કન્ઝર્વેટિવ સાંસદોએ આવા જ સુધારા અંગે સરકાર વિરુદ્ધ મતદાન કર્યું હતું. જોકે, લેબર પાર્ટીના સાંસદો ગેરહાજર રહેતા પરાજય નિવારી શકાયો હતો.

રેફરન્ડમ યોજતા પહેલા ચાર મહિનાની નોટિસ આપવી પડશે તેવા ટારી સાંસદ બર્નાર્ડ જેન્કિનના સુધારાને પણ સરકારે વધુ બળવો નિવારવા સ્વીકારી લેવાની ફરજ પડી હતી. ગત કેમરન સરકારના ટોરી કેબિનેટ મિનિસ્ટર ઓવેન પેટરસને કહ્યું હતું કે,‘આ રેફરન્ડ્મ આપણા દેશનું શાસન ચલાવનારના ભાવિ વિશે છે. આપણે પારદર્શક રાષ્ટ્રીય ચર્ચા યોજી શકીએ તે માટેના નિયમો પુનઃ સ્થાપિત કરવાનું મતદાન પાર્લામેન્ટે કર્યું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter