લંડનઃ કોરોના વાઈરસનો ચેપ ધરાવતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેમને શ્વાસમાં થોડી તકલીફ થતા લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં સોમવારે સાંજે ઈન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડાયા હતા. વડા પ્રધાને ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને સરકારનો ચાર્જ સંભાળી લેવા જણાવતા તેમણે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે હંગામી ચાર્જ સંભાળી લીધો હતો. જોકે, જ્હોન્સન થોડા સપ્તાહો માટે કામકાજ કરી શકે તેમ ન હોવાનું જણાતા સરકારના કેન્દ્રમાં શૂન્યાવકાશ સર્જાયો છે. ન્યુક્લીઅર ડિટરન્ટનો અંકુશ કોની પાસે રહેશે તેમજ મિ. રાબ અન્ય પ્રધાનોને હકાલપટ્ટી કરી શકે કે નવાને સ્થાન આપી શકે તે બાબત અસ્પષ્ટ છે.
બોરિસ જ્હોન્સન ઈન્ટેન્સિવ કેરમાં કોરોના વાઈરસના ચેપ સામે ઝૂમી રહ્યા છે ત્યારે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે સરકારનો હવાલો સંભાળી લીધો છે. ફોરેન સેક્રેટરી રાબ વડા પ્રધાનની અનુપસ્થિતિમાં કોરોના વાઈરસ મુદ્દે સત્તાવાર બેઠકોનું અધ્યક્ષસ્થાન સંભાળતા હતા. ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે ડોમિનિક રાબ સરકારમાં બીજા ક્રમના સિનિયર મિનિસ્ટર ગણાય છે. જોકે, સક્રિય વડા પ્રધાન વિના વ્હાઈટહોલ કેટલો સમય કાગીરી કરી શકશે તેની શંકા છે. જ્હોન્સન હજુ રાજીનામું આપ્યું ન હોવાથી તેઓ સરકારના સત્તાવાર નેતા છે પરંતુ, તેમની સાજા થવાની પ્રક્રિયા લાંબી ચાલશે તેવી ચેતવણી ડોક્ટરોએ આપી છે. બીજી તરફ, કેબિનેટ મિનિસ્ટર માઈકલ ગોવે મોઘમ કહ્યું હતું કે કેબિનેટ સર્વોચ્ચ નિર્ણયકારી સંસ્થા છે.
મિ. રાબ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશ્યા ત્યારે જ્હોન્સનના સ્વાસ્થ્ય વિશે પ્રશ્ન કરાતા તેમણે માત્ર એટલું જ જણાવ્યું હતું કે તેઓ સારી સંભાળ હેઠળ છે. અગાઉ, વડા પ્રધાન જ્હોન્સન ૧૦ દિવસ અગાઉ ૨૭ માર્ચે કોરોના વાઈરસ માટે ટેસ્ટ પોઝિટિવ જણાયા હતા અને ત્યારથી એકાંતવાસ સેવી રહ્યા છે. તેમને તાવ અને ખાંસી જેવાં ચેપનાં લક્ષણોમાં સુધારો ન જણાતા ડોક્ટરની સલાહ મુજબ વધુ પરીક્ષણો માટે રવિવારે રાત્રે હોસ્પિટલ લઈ જવાયા હતા. અગાઉ બોરિસે NHS સ્ટાફનો આભાર માનવા સાથે બ્રિટિશરોને ઘરમાં રહેવાની સલાહ માનવા જણાવ્યું હતું. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ્હોન્સનને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે અમેરિકનો તેમના માટે પ્રાર્થના કરે છે.
કેરીને પણ ચેપનાં લક્ષણો
વડા પ્રધાનની ૩૨ વર્ષીય સગર્ભા ફિઆન્સી કેરી સિમોન્ડ્સે પણ કોવિડ-૧૯ના લક્ષણો સાથે એક સપ્તાહથી એકાંતવાસમાં પથારીવશ હોવાનું જણાવ્યું હતું. જ્હોન્સન ટેસ્ટ પોઝિટિવ જણાયા પછી કેરી પણ સેલ્ફ આઈસોલેશનમાં છે. જોકે, તેણે તબિયત સુધરી રહી છે તેમ પણ કહ્યું છે. જોકે, રોગ માટે સત્તાવાર નિદાન કરાયું નથી. જોકે, સગર્ભાવસ્થાના કારણે આ લક્ષણો ચિંતાજનક હોવાનું તેણે જણાવ્યું હતું. દંપતીને ઉનાળાની શરૂઆતમાં બાળજન્મની શક્યતા છે.