બ્રિટનના સૌથી સ્થૂળ પુરુષનું માત્ર ૩૩ વર્ષની વયે મૃત્યુ

Tuesday 23rd June 2015 05:26 EDT
 
 

લંડનઃ બ્રિટનના સૌથી સ્થૂળ પુરુષ કાર્લ થોમ્પ્સનનું કેન્ટમાં તેના ડોવરસ્થિત ઘરમાં રવિવારે મોત નીપજ્યું છે. બાળપણમાં સામાન્ય વજન ધરાવતા કાર્લનું વજન વધીને ૬૫ સ્ટોન (૯૧૦ પાઉન્ડ-૪૧૨ કિલોગ્રામ) થઈ ગયું હતું. તેને સ્નાન અને ભોજન સહિતના કાર્યો માટે NHS ના સહાયકોની મદદ લેવી પડતી હતી. તે છેલ્લા એક વર્ષથી ઘરમાં જ પૂરાઈ રહ્યો હતો. તેના જીવનના આખરી વર્ષો ઘર અને હોસ્પિટલમાં જ વીત્યા હતા. પોલીસને તેના મૃત્યુમાં કશું શંકાસ્પદ જણાયું નથી.

કાર્લે ગયા મહિને જ અતિશય વજનની યાતના વિશે બોલ્યા પછી જીવતા રહેવા માટે વજન ઘટાડવાની પ્રતિજ્ઞા લીધી હતી. મીડિયામાં અનેક ઈન્ટર્વ્યુના પરિણામે પ્રાપ્ત સહાનુભૂતિ અને મદદની સંખ્યાબંધ ઓફર્સ તેને સ્પર્શી ગઈ હોવાનું પણ તેણે જણાવ્યું હતું. ખરાબ આરોગ્યથી મોત થઈ શકે તેવી ડોક્ટરોની ચેતવણી પછી કાર્લે પોતાની જીવનશૈલી બદલવા ઘણો જ ગંભીર હોવાનું કહ્યું હતું. કાર્લ ખોરાક ખરીદવા ઘરની બહાર જઈ શકતો ન હોવાથી તે ઘરના બારણે ડિલિવર કરાતાં ચાઈનીઝ ટેક-અવેઝ અને પિઝા પર જ જીવન ગુજારતો હતો. નાણા માટે સરકારી લાભ પર આધારિત કાર્લ ચોકલેટ પાછળ દિવસના £૧૦ નો ખર્ચ કરતો હતો.

તેની માતાનું ૨૦૧૨માં બ્રેઈન ટ્યુમરથી મૃત્યુ થયા પછી કાર્લ દુઃખ ભૂલવા નુકસાનકારક ખોરાકના રવાડે ચડી ગયો હતો. આના પરિણામે તેનું વજન ૩૦ સ્ટોનથી વધી ૬૫ સ્ટોન થઈ ગયું હતું. જોકે, કાર્લે તે હંમેશાં ભોજનપ્રેમી રહ્યો હોવાનું સ્વીકાર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter