બ્રિટનની ફૂડ ઈન્ડસ્ટ્રીએ કાઠું કાઢ્યું

Wednesday 07th January 2015 05:42 EST
 

વિશ્વના વિક્રમરૂપ ૧૫૦ દેશોના સુપરમાર્કેટ્સ, બાર અને રેસ્ટોરાંમાં બ્રિટિશ ઉત્પાદનોની આયાત થાય છે, જેના પરિણામે ગયા વર્ષે ખાદ્યપદાર્થોનું કુલ વેચાણ આશરે £૧૯ બિલિયનના આંકડા નજીક પહોંચી ગયું છે. મિનિસ્ટરો કહે છે કે તેમણે દેશની ૨,૫૦૦ ફૂડ અને ડ્રિંક ફર્મ્સને તેમના ઉત્પાદનો વિદેશમાં વેચવામાં મદદ કરી હતી. જે દેશ ચીઝના ઉત્પાદન માટે નામના ધરાવે છે તે ફ્રાન્સમાં બ્રિટિશ ચીઝનું વેચાણ ચાર વર્ષમાં ૨૫ ટકાથી પણ વધી ૨૦૧૩માં £૭૦ મિલિયનના આંકડે પહોંચ્યું હતું. બ્રિટિશ ફર્મ્સ વિવિધ પ્રકારની ચીઝ ૮૬ દેશમાં નિકાસ કરે છે. બ્રિટનની ધ આઈસ કંપની સ્વીડન, ડેન્માર્ક, ફ્રાન્સ અને હોંગ કોંગમાં આઈસ ક્યુબ્સની નિકાસ કરે તે માન્યામાં ન આવે તેવી હકીકત છે.

બ્રિટન છેક ૧૭મી સદીથી ચીનથી ચાની આયાત કરતું આવ્યું છે, પરંતુ હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. ૨૦૧૪ના જાન્યુઆરી-સપ્ટેમ્બરના ગાળામાં £૩૩૦,૦૦૦ના મૂલ્યની ચાની નિકાસ ચીનમાં કરાઈ છે, જે વાર્ષિક ૩૦ ટકાનો ઊછાળો દર્શાવે છે.

બીઅરની વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડ્સના દેશો યુએસએ, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમમાં બ્રિટિશ બીઅરનું વેચાણ વધી ગયું છે. બેલ્જિયમમાં ૨૦૧૦માં માત્ર £૩ મિલિયનનો બ્રિટિશ બીઅર વેચાતો હતો, જે હવે વધીને £૯૩ મિલિયનના અધધધ... આંકડે પહોંચ્યો છે. વિશ્વના યુએસએ અને જર્મની સહિત ૧૪૩ દેશમાં ૭.૫ મિલિયન નંગ નિકાસ સાથે બિસ્કિટ્સનો ધંધો પણ તેજીમાં છે. આ ધંધાએ બ્રિટિશ અર્થતંત્રને £૧.૧ બિલિયન આપ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter