બ્રિટનમાં પણ જેહાદી હુમલાની આશંકા ટ્યુનિશિયા ઘટનાના પગલે એલર્ટ જારી

Tuesday 30th June 2015 10:01 EDT
 
 

લંડનઃ ટ્યુનિશિયાના સૌસેમાં ગનમેન સૈફદીન રેઝગુઈ દ્વારા આતંકવાદી હુમલામાં રજાઓ માણવા ગયેલા ૩૦થી વધુ બ્રિટિશરના મોતના પગલે યુકેમાં પણ જેહાદી હુમલાની ચેતવણી અપાઈ છે. લંડનમાં ૨૦૦૫માં સાત જુલાઈના ત્રાસવાદી હુમલામાં બાવન વ્યક્તિના મૃત્યુ પછી બ્રિટિશરો પર આ બીજો મોટો ત્રાસવાદી હુમલો છે. સ્કોટલેન્ડ યાર્ડે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ અને ૭ જુલાઈની ૧૦મી વરસી સહિત મુખ્ય જાહેર કાર્યક્રમો સંદર્ભે ત્રાસવાદવિરોધી પોલીસ કામગીરી આરંભી છે. વડા પ્રધાન ડેવિડ કેમરને આ ઘટના પ્રત્યે આઘાત દર્શાવી ઈસ્લામિક ત્રાસવાદ વિરુદ્ધ સખત વલણ અપનાવવા જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ટ્યુનિશિયા બીચ હત્યાકાંડના મૃતકો માટે શુક્રવારે બ્રિટન એક મિનિટ રાષ્ટ્રીય મૌન પાળશે. વડા પ્રધાને કહ્યું હતું કે ટ્યુનિશિયા હત્યાકાંડ છતાં બ્રિટિશ સહેલાણીઓને ત્યાંના તટવર્તી રિસોર્ટ્સથી દૂર રહેવા સલાહ અપાઈ નથી. તેમણે કહ્યું હતું કે બ્રિટનમાં જોખમનું સ્તર તીવ્ર જ છે, જેનો અર્થ એ છે કે ત્રાસવાદી હુમલાની ભારે શક્યતા છે. પરંતુ આપણે આ ધમકીને હરાવીએ નહિ ત્યાં સુધી તેની સાથે સાથે જીવન ચલાવીએ તેવો સંકલ્પ એક દેશ તરીકે કરવો જોઈએ.

કેમરને યુકેના મુસ્લિમોને ત્રાસવાદના સામના માટે હાકલ કરી હતી કે જો તેમને કોઈ સગાંસંબંધી ત્રાસવાદી ઉપદેશકોને મળતા હોય કે કટ્ટરવાદી વેબસાઈટ્સ જોતા હોવાની શંકા જાય તો તેમની માહિતી આપવી જ જોઈએ. કટ્ટરવાદીઓના સામનામાં બ્રિટિશ સરકાર મુસ્લિમોની ભૂમિકાને ટેકો આપશે. તેમણે શાળાના વડાઓને પણ વિદ્યાર્થીઓને ભાવિ ત્રાસવાદી બનતા અટકાવવા ધ્યાન રાખવા કહ્યું હતું. કટ્ટરવાદીઓ કુમળા વિદ્યાર્થીઓને લલચાવે તેવા સંજોગો પર શાળાએ નજર રાખવી જોઈએ.

નેશનલ ક્રાઈમ એજન્સીએ જણાવ્યા મુજબ ઝેક બનાવટની સ્કોર્પિયન સબ-મશીનગન્સ સ્મગલિંગથી બ્રિટનમાં ઘૂસાડી ક્રિમિનલ ગેંગ્સને વેચવામાં આવી છે. આ સબ-મશીનગન્સ પ્રતિ મિનિટ ૧,૦૦૦ રાઉન્ડ ફાયર કરી શકે છે. નેશનલ ક્રાઈમ એજન્સીની ચેતવણીથી ક્રિમિનલ ગેંગ્સ અને જેહાદી પ્રવૃત્તિઓ વચ્ચે શસ્ત્રોના વેપાર સહિત સંબંધના પુરાવા ધરાવતી કાઉન્ટરટેરરિસ્ટ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. ટ્યુનિશિયા તેમજ પેરિસમાં ચાર્લી હેબ્ડો હત્યાકાંડ જેવી ઘટનાઓનો સામનો કરવા પોલીસ, સૈન્ય, ઈમર્જન્સી સેવાઓ અને ઈન્ટેલિજન્સ સત્તાવાળાએ મોટી કવાયત હાથ ધરી છે. તેઓ ટ્યુનિશિયાથી પાછા ફરી રહેલા પ્રવાસીઓ પાસેથી માહિતી મેળવશે.

બ્રિટને હુમલા સંદર્ભે ટ્યુનિશિયાના સત્તાવાળાની મદદ અને મૃતકોની ઓળખ માટે મેડિકલ, ફોરેન્સિક અને સિક્યુરિટી ટીમ્સ મોકલી આપી છે. હત્યારા રેઝગુઈ અને તેને કટ્ટરવાદી બનાવનારા તેમજ ગ્રેનેડ્સ- શસ્ત્રોની મદદ કરનારાને શોધવાની કામગીરીમાં પણ આ ટીમો સાથ આપશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter