લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટ પર શુક્રવારની રાત્રે સાયબર હુમલો થયો હતો. ખૂબ જ સુરક્ષિત ગણાતી સંસદની કમ્પ્યૂટર સિસ્ટમના ૯,૦૦૦ યૂઝર્સમાંથી ૯૦ના ઇ-મેલ એકાઉન્ટ આ હુમલાની ઝપેટમાં આવી ગયાની આશંકા છે. આ સાયબર હુમલાની તપાસ શરૂ કરાઇ હતી. સ્કાય ન્યૂઝના હેવાલ મુજબ કોના એકાઉન્ટ હુમલામાં આવી ગયા છે, તે જાણી શકાયું નથી.
સાયબર હુમલા બાદ સાંસદો, તેમના સહાયકો અને કર્મચારીઓમાં જેમના પાસવર્ડ નબળા હોય એવા એકાઉન્ટમાં ઘૂસણખોરી થઇ હોઇ શકે અને તેથી બ્લેકમેલનું જોખમ વધી ગયું છે. સાસંદોએ તેમના ઇ-મેલ એકાઉન્ટમાં ગરબડ થયાની ફરિયાદો કરી હતી. જોકે, આ હુમલા સાથે એવી વાત પણ બહાર આવી છે કે સિક્યોરિટી એટલી નબળી હતી કે મેકડોનાલ્ડનો કામદાર પણ સંસદની વાઇ ફાઇ નેટવર્કનો પાસવર્ડ જાણી શકે એમ હતો !

