લંડનઃ પશ્ચિમ યુરોપની સરેરાશની સરખામણીએ બ્રિટનમાં ડાયાબીટીસથી મૃત્યુ પામતા યુવાનોની સરેરાશ વધુ છે. ૧૫થી ૨૪ વર્ષના તરુણ અને પુરુષોમાં ડાયાબીટીસથી મોતનું પ્રમાણ ૨૦૦૦ પછી ૧૫ વર્ષમાં બમણું થયું છે અને યુએસને પણ વટાવી જશે તેમ એક અભ્યાસમાં જણાવાયું છે.
બ્રિટનમાં લગભગ ૨૭,૦૦૦ બાળકો ડાયાબીટીસ ધરાવે છે અને બહુમતી બાળકોને ટાઈપ-૧ ડાયાબીટીસ છે, જેમાં ઈન્સ્યુલિન ઉત્પન્ન કરવાની શરીરની ક્ષમતા ઘટી જાય છે. ગયા વર્ષે આ સંખ્યામાં ૧૦૦૦નો વધારો થયો છે. ગરીબ વિસ્તારો તેમજ વંશીય લઘુમતી વર્ગના બાળકોમાં આ સ્થિતિ પર નિયંત્રણ ઘણું ઓછું હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે.
ડાયાબીટીસ ધરાવતા પુખ્ત વયના ત્રણ મિલિયન લોકોમાંથી આશરે ૯૦ ટકાને ટાઈપ-ટુ ડાયાબીટીસ છે, જે સ્થૂળતા સાથે સંકળાયેલો છે. ડાયાબીટીસ યુકે સંસ્થા દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે ડાયાબીટીસગ્રસ્ત ૪૦૦,૦૦૦ લોકો દર વર્ષે સલાહ અનુસાર પગનું પરીક્ષણ કરાવતા નથી. આના કારણે બિનજરૂરી અવયવો કપાવવાની ઘટનાઓ વધતી હોવાની ચેતવણી સંસ્થાએ આપી છે.