ભવન્સ દ્વારા ભંડોળ એકત્ર કરવા દિવાળી ઊજવણીનો ભવ્ય કાર્યક્રમ

રુપાંજના દત્તા Wednesday 07th December 2016 06:20 EST
 
 

લંડનઃ ભારતની બહાર ભારતીય શાસ્ત્રીય કળા અને સંસ્કૃતિના સૌથી મોટા કેન્દ્ર ધ ભવન દ્વારા બુધવાર, ૩૦ નવેમ્બરે સ્વિસ કોટેજ નજીક લંડન મેરિયોટ હોટેલ ખાતે ભંડોળના એકત્રીકરણ માટે બેન્ક્વેટ સહિત દિવાળી ઉત્સવની ઊજવણીનું આયોજન કરાયું હતું. આ ચેરિટી સંસ્થા દ્વારા ભંડોળ એકત્ર કરવાનો ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધ કળા અને સાસંસ્કૃતિક ધરોહર જીવંત રાખવા અને તમામ માટે તે પ્રાપ્ય બનાવવાની ચોકસાઈનો હતો. ભવ્ય કાર્યક્રમમાં કોમ્યુનિટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ આરંભે નેટવર્કિંગ સેશન અને રાગાસન દ્વારા તૈયાર કરાયેલી ભારતીય વાનગીઓ અને ડ્રિન્ક્સની લિજ્જત માણી હતી અને તે પછી બેસીને શાકાહારી ભોજનનો આસ્વાદ લીધો હતો.

મૃદંગમ અને તબલા ગુરુઓ દ્વારા વાદન તેમજ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એમ. એન. નંદકુમાર દ્વારા વેદપ્રાર્થના કરાયા પછી ભવન્સના ચેરમેન જોગીન્દર સાંગેરે ૩૦૦ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. NRI હોટેલિયરે જણાવ્યું હતું કે,‘સેન્ટરનો ઉદ્દેશ્ય શાંતિ અને અહિંસાના ગાંદીવાદી મૂલ્યોને પ્રતિબિંબિત કરતા કળા અને સંસ્કૃતિના સંદેશાનો પ્રસાર કરવાનો છે.’ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલ કાર્યક્રમના ચીફ ગેસ્ટ હતાં અને કાર્યકારી ભારતીય હાઈ કમિશનર દિનેશ કે. પટનાયક તેમના પત્ની શ્રીમતી પૂનમ પટનાયક સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ભરતનાટ્યમ અને કથક નૃત્યો ઉપરાંત, સંસ્થાની પ્રવૃત્તિઓની સંપૂર્ણ માહિતીસભર વિડિયોઝની રજૂઆત કરાઈ હતી. બીબીસી એશિયન નેટવર્ક પ્રેઝન્ટર અશાંતિ ઓમકારે ઉદ્ઘોષક તરીકે સાંજના મુખ્ય મહેમાનોનો પરિચય આપ્યો હતો.

કાર્યકારી ભારતીય હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે જણાવ્યું હતું કે,‘રાષ્ટ્રની સંસ્કૃતિ જ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આપણે તો સંસ્કૃતિ જ પાછળ રાખતા જઈએ છીએ. જો આપણે સંસ્કૃતિને આગળ વધારવી હોય તો બધાએ ભવનની કામગીરી આગળ ધપાવવા ટેકો આપવો જોઈએ.’ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘યુકે અને ભારત સહભાગી ઈતિહાસ, આર્ટ્સ, બિઝનેસ અને શિક્ષણમાં નોંધપાત્ર સહકાર તેમજ આપણી પ્રજાઓ વચ્ચે મજબૂત સંબંધો પર આધારિત દીર્ઘકાલીન બંધન ધરાવે છે. આ વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા એકબીજાની પરંપરાઓને સમજવી મહત્ત્વની છે અને ભારતના તેજપૂર્ણ વારસાને જાળવવામાં તેમજ યુકેને રહેવા માટે વધુ વૈવિધ્યપૂર્ણ અને સાંસ્કૃતિક સમૃદ્ધ સ્થળ બનાવવામાં ભવન જેવી સંસ્થાઓ અને બ્રિટિશ એશિયન ડાયસ્પોરાના પ્રયાસોને હું બિરદાવું છું. ભવન સેન્ટરે ૪૪ વર્ષ અગાઉ ભારત બહાર તેની સૌથી મોટી શાખા યુકેમાં સ્થાપી તેમાં જરાય આશ્ચર્ય નથી. પ્રજાઓ વચ્ચેના સંબંધો દર્શાવવામાં તેની કામગીરી મહત્ત્વની છે. આપણે આગામી વર્ષે ‘યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર’ની ઊજવણી કરી રહ્યા છીએ ત્યારે તે સીમાચિહ્ન બની રહેશે.

‘૨૦૧૭- યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર’ માટે સાયન્સ મ્યુઝિયમ ખાતે ફોટોગ્રાફી પ્રદર્શન, લંડનમાં બ્રિટિશ લાઈબ્રેરી ખાતે ૪,૦૦૦ બંગાળી પુસ્તકો સહિત સાઉથ એશિયન આર્કાઈવલ પ્રિન્ટ ડોક્યુમેન્ટ્સના ૨૦૦,૦૦૦ પાનનો ડિજિટાઈઝેશન પ્રોગ્રામ તેમજ ભારતમાં મેગ્ના કાર્ટા અને શેક્સપિયરની કૃતિઓના પ્રવાસ સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન છે. ભારતીય ઉપખંડની બહાર ભારતીય કળા અને સંસ્કૃતિની સૌથી મોટી સંસ્થા તરીકે ધ ભવન સેન્ટર તેમાં સહભાગી સંસ્થા છે અને મોટા પાયે પ્રદર્શનો, પરફોર્મન્સીસ અને ક્લાસીસનું આયોજન કરશે.

આ વર્ષના વાર્ષિક બેન્ક્વેટમાં બ્રિટનના પ્રથમ શીખ જજ અને ભવન સેન્ટર્સના પૂર્વ પેટ્રન જજ મોટા સિંઘને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમના સમાપને ધ ભવનની ફંડરેઈઝિંગ કમિટીના અધ્યક્ષ અને કાર્યક્રમના આયોજક ડો. સુરેખા મહેતાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

(તસવીર સૌજન્યઃ રાજ ટાખર)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter