લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતના વિકાસની વિશ્વપતાકા લહેરાઈ રહી છે ત્યારે યુએસ સહિતના દેશો તેના માર્ગમાં વિશ્વ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના નામે અવરોધો સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાએ આવા અવરોધો સર્જવાથી અળગા રહેવું જોઈએ તેમ ઈન્ડિયા ઈન્કના સ્થાપક અને સીઈઓ મનોજ લાડવાએ એક લેખમાં સ્પષ્ટ જણાવ્યું છે.
લાડવાના મત અનુસાર સમગ્ર વિશ્વ શીર્ષાસન કરી રહ્યું છે અને એક સમયમાં મુક્ત વ્યાપારના પ્રખર હિમાયતી ગણાતા રાષ્ટ્રો આજે રક્ષણવાદી બની ગયા છે. તેમણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ઉદાહરણ આપતા લખ્યું છે કે તેમનો અમેરિકા ફર્સ્ટ એજન્ડા વાસ્તવમાં તો પાતળા આવરણ સાથેનો રક્ષણવાદનો કાર્યક્રમ જ છે. ટ્રમ્પ આના વડે સમગ્ર વિશ્વમાં વહી રહેલા સ્પર્ધાત્મકતાના પવનોના જોર સામે અમેરિકન કંપનીઓનું રક્ષણ કરવા માગે છે.