ભારતીય નાયબ હાઈ કમિશનર દ્વારા ચાવીરુપ સાથીઓ સાથે મૈત્રીનિર્માણ

રાણી સિંહ Tuesday 10th February 2015 04:47 EST
 
 

લંડનઃ રાજદ્વારીઓ મોટા ભાગે બોલવા-ચાલવામાં સાવધ હોય છે અને પોતાની સરકારોની સેવામાં જ ધ્યાન આપે છે. આથી લોકોને તેમની કારકીર્દિના ઈતિહાસની જાણકારી હોતી નથી. ભારતીય નાયબ હાઈ કમિશનર ડો. વિરેન્દર પોલ તેમની ઈન્ડિયા હાઉસ ઓફિસમાં મુલાકાત દરમિયાન ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના વાચકો માટે કેટલીક રસપ્રદ બાબતો ઉજાગર કરી હતી.

ડો. વિરેન્દર પોલ ૧૯૯૧માં ઈન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા હતા. લંડનમાં ભારતના નાયબ હાઈ કમિશનર તરીકે નિમણૂક અગાઉ તેઓ વોશિંગ્ટન ડી.સી.માં ભારતીય દૂતાવાસમાં મિનિસ્ટર (પ્રેસ) તરીકે કામગીરી બજાવતા હતા. તેમણે આલ્માટી, વ્લાડિવોસ્ટોક, રોમ, સેન્ટ પીટર્સબર્ગ અને મોસ્કોના બારતીય દૂતાવાસોમાં રાજદ્વારી સેવા આપવા સાથે પૂર્વ સોવિયેત ક્ષેત્રમાં આઠ –નવ વર્ષની કામગીરી બજાવી હતી. હેડક્વાર્ટર્સમાં ડો.પોલે ઈસ્ટ યુરોપ અને અમેરિકા ડિવિઝનોમાં સેવા આપી હતી તેમ જ ૨૦૦૭-૨૦૧૦ના ગાળામાં પ્રાઈમ મિનિસ્ટર કાર્યાલયમાં ડિરેક્ટર પદ સંભાળ્યું હતું.

મૂળ જલંધરના ડો.પોલે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ, નવી દિલ્હીથી મેડિકલ ડીગ્રી હાંસલ કરી હતી. ૧૯૯૧ પછી પૂર્વ સોવિયેત રાષ્ટ્રો સ્વતંત્ર પ્રજાસત્તામાં રૂપાંતરિત થઈ રહ્યા હતા ત્યારે શીતયુદ્ધ પછીના પરિદૃશ્યમાં સાર્વભૌમ દેશો તરીકે તેમના અનુકૂલનના તેઓ સાક્ષી બન્યા હતા. રશિયનો ભારત અને ભારતીય સંસ્કૃતિના જાણકાર હતા તેમ જ રાજ કપૂર અને અન્ય ભારતીય ફિલ્મ અભિનેતાઓ વિશે તેમનો પ્રેમ પણ ડો.પોલે નિહાળ્યો હતો. અહીં ભારતીય ફિલ્મો અત્યંત લોકપ્રિય હતી અને VHS પર ભારતીય ફિલ્મો વેચાતી હોય તે સામાન્ય બાબત હતી.

આલ્માટી (કઝાખસ્તાન)માં ગાળેલાં થોડાં વર્ષોમાં તેમણે રશિયન ભાષા શીખી હતી. આ પછી તેમની નિમણૂક વ્લાડિવોસ્ટોકમાં કોન્સલ જનરલ ઓફ ઈન્ડિયાના પદે થઈ હતી. તેમના અધિકારક્ષેત્રમાં પાર ઈસ્ટ રશિયા, સાઈબિરિયન લેક બૈકલનો પૂર્વ વિસ્તાર તથા વિશાળ ટુંડ્ર અને ટૈગા પ્રદેશનો સમાવેશ થતો હતો. તેમણે સરકાર અને સરકારની બહારના લોકો સાથે ભારત વિશે વાત કરવા દૂરસુદૂર પ્રવાસો ખેડ્યા હતા.

વિદેશ મંત્રાલયમાં ડિરેક્ટર (અમેરિકાઝ)નો હોદ્દો સંભાળ્યા પછી તેમની બદલી પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસમાં થઈ હતી, જ્યાં તેમણે પાશ્ચાત્ય દેશો સાથે ભારતીય સંબંધોની વૃદ્ધિ ઉપરાંત, એટમિક એનર્જી, આઉટર સ્પેસ અને સંરક્ષણ સંબંધિત કામગીરી બજાવી હતી. વોશિંગ્ટનમાં તેમણે ભારત-યુએસ સંબંધોને વધારવા મિનિસ્ટર ફોર પ્રેસ એન્ડ ઈન્ફોર્મેશન અને કલ્ચરવિભાગ સંભાળ્યો હતો.

યુકેમાં તેઓ ડાયસ્પોરાના ભારતીય હૃદયને માણી રહ્યા છે. બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટીએ ઉષ્માની ભારતીયતા, લાક્ષણિકતા અને સાથી ભારતીયો પ્રત્યેની લાગણી જાળવી હોવાનું તેઓ કહે છે. તેમણે ખાસ અંદાજમાં કહ્યું હતું કે, ‘ લંડનની હવામાં તમે ભારતીયતાની સુગંધ માણી શકો છો. લંડન સૌથી વધુ કોસ્મોપોલીટન અને બહુવંશીય શહેર છે.’ સામાન્ય રીતે ડેપ્યુટી હાઈ કમિશનરને વધુ મહત્ત્વપૂર્ણ સરકારી ભૂમિકા સુપરત થતી હોય છે.

ડો.વિરેન્દર પોલની ઝળહળતી કારકીર્દિને નિહાળતા ભારત સરકાર તેમને હવે કેવી કામગીરી સોંપશે તે નિહાળવું રસપ્રદ બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter