ભારતીય વિઝા, પાસપોર્ટ, OCI સહિતની સેવા માટે નવા ૧૪ VFS સેન્ટર

Tuesday 17th February 2015 04:01 EST
 

લંડનઃ ભારતીય હાઈ કમિશન, લંડન દ્વારા વિઝા, OCI, પાસપોર્ટ તથા અન્ય ચોક્કસ સેવાના અરજદારોના લાભાર્થે VFS આઉટસોર્સિંગ કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો આરંભ પહેલી માર્ચથી કરવામાં આવશે. આ માટે સમગ્ર યુકેમાં ૧૪ અરજીકેન્દ્રો ખોલાશે, જેમાંથી ૧૦ કેન્દ્ર ૦૨ માર્ચ, ૨૦૧૫ અને બાકીના ચાર કેન્દ્ર ૧૪ માર્ચ ૨૦૧૫થી કાર્યરત થશે.

અરજદારોની સુવિધા માટે તમામ સેવાઓની ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સિસ્ટમ દાખલ કરાશે અને તમામ અરજદારોએ તેમના સંબંધિત ઈન્ડિયા એપ્લિકેશન સેન્ટર પર અરજી રજૂ કરવા માટે જ્યુરિડિક્શન અનુસાર ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. ૧૪ માર્ચ ,૨૦૧૫થી પોસ્ટ મારફત કોઈ અરજી સ્વીકારાશે નહિ.

લંડનની ત્રણેય ઓફિસ, બ્રિસ્ટલ, કાર્ડિફ અને બેલફાસ્ટ અરજી મોકલવા ઈચ્છુકે વિઝા, OCI અને ભારતીય પાસપોર્ટ સેવા માટે ઓનલાઈન ફોર્મ ભરતા યુકે-લંડનને જ્યુરિડિક્શન તરીકે પસંદ કરવું, બર્મિંગહામ, લેસ્ટર, માન્ચેસ્ટર, લિવરપૂલ, બ્રેડફર્ડ અને ન્યુકેસલ માટેના અરજદારોએ યુકે-બર્મિંગહામ જ્યુરિડિક્શન પસંદ કરવું, જ્યારે સ્કોટલેન્ડમાં રહેતાં અને એડિનબરા કે ગ્લાસગોમાં અરજી મોકલનારે યુકે-એડિનબરાને જ્યુરિડિક્શન તરીકે પસંદ કરવાનું રહેશે

લંડન - ગોસવેલ રોડ, લંડન - હંસલો, બર્મિંગહામ, એડિનબરા, માન્ચેસ્ટર, બેલફાસ્ટ, કાર્ડિફ, લિવરપૂલ, લેસ્ટર, અને ગ્લાસગોના એપ્લિકેશન સેન્ટરોનો આરંભ બીજી માર્ચથી, જ્યારે લંડન- પેડિંગ્ટન, બ્રિસ્ટલ, બ્રેડફર્ડ, ન્યુકેસલ કેન્દ્રોનો આરંભ ૧૪ માર્ચથી કરવામાં આવશે. આ સેન્ટરોના કામકાજના કલાકો સોમવારથી શુક્રવાર (કોન્સ્યુલર રજાઓ સિવાય) દરમિયાન સવારના ૦૮.૩૦થી ૧૫.૩૦ સુધીના રહેશે. વિસ્તૃત માહિતી માટે VFS વેબસાઈટ http://in.vfsglobal.co.uk/ ની મુલાકાત લેશો. વેબસાઈટ પર તમામ સેવા માટે વિસ્તૃત માહિતી ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૫થી મળતી થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter