લંડનઃ ભારતીય વિદ્યા ભવને બુધવાર, ૨૮ જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. મંચસ્થ મહાનુભાવોમાં લોર્ડ રણબીરસિંહ સૂરી, ભવનના ચેરમેન જોગિન્દર સાંગેર, ભારતના હાઈ કમિશનર રંજન મથાઈ, બેરોનેસ ઉષા પ્રશાર PC અને વાઈસ ચેરમેન પદ્મશ્રી ડો. જ્હોન આર. મારનો સમાવેશ થયો હતો.
ભવનના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર અને સંસ્થાની સફળતાના પ્રેરકબળ ડો. નંદકુમારે પ્રાર્થના સાથેમહેમાનોનું સ્વાગત કર્યું હતું. ઓડિયન્સમાં સર મોટાસિંહ Q.C. તેમના ભાઈ સાથે અને સિતારગુરુ પુનિતા ગુપ્તા તેમના પતિ સાથે ઉપસ્થિત હતાં. પ્રાર્થના પછી જોગિન્દર સાંગેરે ભવનની કામગીરીનો ખ્યાલ આપ્યો હતો. તેમણે હેમરસ્મિથ એન્ડ પૂલહામાના મેયર તેમ જ ડો. નંદકુમાર અને તેમની ટીમનો આભાર માન્યો હતો. બેરોનેસ ઉષા પ્રશારે કહ્યું હતું કે તેઓ ત્રણ દાયકાથી વધુ સમયથી ભવનના મિત્ર રહ્યાં છે. તેમણે સાહિત્ય, નૃત્ય અને સંગીતના માધ્યમથી વ્યક્ત થતી ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે તેઓ અને અન્ય ડાયસ્પોરા ભારતીયો વડના વૃક્ષ જેવાં છે, જેમનાં મૂળિયાં ભારતમાં છે. અને પરદેશના જીવનને અનુકૂળ થઈ રહ્યાં છે. તેમણે ગાંધીજીને ટાંકતા કહ્યું હતું કે, ‘ રાષ્ટ્રની સંસ્કૃતિ તેના લોકોનાં હૃદયમાં વસે છે.’
મુખ્ય મહેમાન ભારતીય હાઈ કમિશનર રંજન મથાઈએ કહ્યું હતું કે તેઓ ભારતના ૬૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહેવાનું ગૌરવ અનુભવે છે. તેમને અને પત્ની ગીતા મથાઈને ભવનના કાર્યક્રમોમાં હાજર રહેવાનું ગમે છે. તેમણે યુએસ પ્રમુખ બરાક ઓબામાની તાજેતરની ભારત મુલાકાતનો ઉલ્લેખ કરવા સાથે ભારતના વડાપ્રધાન મોદી માટે વર્ષ ૨૦૧૫ વધુ વ્યસ્ત રહેશે તેમ પણ જણાવ્યું હતું. ૨૧ જૂનને વર્લ્ડ યોગ દિન તરીકે ઉજવવા ભારતના પ્રસ્તાવને ૧૯૩માંથી ૧૭૭ દેશોએ સમર્થન આપ્યોનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે હાઈ કમિશન આ કાર્યક્રમની ઉજવણી કરશે. તેમણે ભવનની પ્રસંશા કરતા કહ્યું હતું કે ભવનની દરએક કામગીરી ભારતીય મૂલ્યોનું પ્રદર્શન કરે છે.
ડો.મારે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ભવનના પાર્વતી નાયરે રાષ્ટ્રભક્તિના બંગાળી, હિન્દુસ્તાની અને કર્ણાટકી ગીતો રજૂ કર્યાં હતાં. આ પછી ભરતનાટ્યમ અને કથક નૃત્યોની રજૂઆત થઈ હતી. ભારતના રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.