લંડનઃ ભારતીય પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરીએ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનની બહાર ભારતતરફી અને ભારતવિરોધી જૂથો દ્વારા સામસામા સૂત્રોચ્ચાર અને વિરોધી દેખાવો કરાયા હતા. હિંસક બનેલા આ દેખાવો અટકાવવા પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પણ પડી હતી. કેટલીક વખત ભારતીય ધ્વજને ફાડીને પગ નીચે કચડવાની ઘટના પણ જોવા મળી હતી. હાઉસ ઓફ લોર્ડ્સના પાકિસ્તાનતરફી અપક્ષ સભ્ય લોર્ડ નઝીર અહેમદ દ્વારા આયોજિત ભારતવિરોધી ‘બ્લેક ડે’ દેખાવોમાં કાશ્મીરની આઝાદી અને અલગ ખાલિસ્તાનની પણ માંગ કરાઈ હતી. તેનો વિરોધ કરવા ભારતીય અને બ્રિટિશ ગ્રૂપ્સ પણ ભારતીય ત્રિરંગા સાથે ત્યાં પહોંચ્યા અને નઝીરના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. ભારતીય હાઈકમિશને આ પ્રદર્શનને એક બદનામ નેતાના પ્રયાસો ગણાવ્યા હતા.
લોર્ડ નઝીરે નવું કેમ્પેઈન આરંભ્યું છે, જેમાં સેન્ટ્રલ લંડનમાં ‘ઈન્ડિયા લીવ કાશ્મીર’, ‘ફ્રી કાશ્મીર’, ‘ફ્રી ખાલિસ્તાન’, ‘ફ્રી આસામ’, ‘ફ્રી નાગાલેન્ડ’ અને ‘ફ્રી મણિપુર’ સહિત અલગતાવાદી ચળવળોના બિલબોર્ડ્સ સાથેની વાન્સનો સમાવેશ થાય છે. લોર્ડ નઝીરે આક્ષેપ લગાવ્યો હતો કે ભારત અને જાસૂસી સંસ્થા RAWએડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી, ટ્રાન્સપોર્ટ ફોર લંડન અને યુકે સરકાર પર ભારે દબાણ કરવા છતાં આ વિરોધ અટકાવી શક્યા નથી. અમે તેમને આ વાન્સ દ્વારા વિરોધને અટકાવવાની ચેલેન્જ કરીએ છીએ.
‘ખાલિસ્તાન આઝાદી’ અને ‘વંદે માતરમ’ના સૂત્રોચ્ચાર
બપોરથી ભારતવિરોધી અને ભારતતરફી જૂથો હાઈ કમિશનની બહાર એકત્ર થયાં હતાં. જૂથો દ્વારા ‘ખાલિસ્તાન આઝાદી’, ‘RSS આતંકવાદીઓ’ તેમજ ‘મોદી! મોદી!’, ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના આમનેસામને સૂત્રોચ્ચાર પછી ભારે બોલાચાલી પણ થઈ હતી. જેના કારણે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ભારતીય સમર્થકોએ લોર્ડ નઝીરને નિશાન પર લેતા કહ્યું કે, તે પાકિસ્તાનના ખેલને ખુલ્લો કરીને બ્રિટિશ નીતિની મજાક ઉડાવી રહ્યો છે. કાશ્મીરના એક ભારતીય સમર્થકે લોર્ડ નઝીરના કુપ્રચાર સામે કહ્યું હતું કે, ‘અમે કાશ્મીરીઓ તો પાકિસ્તાન પ્રાયોજિત ત્રાસવાદ, યુદ્ધવિરામના ભંગ અને પ્રોક્સી યુદ્ધથી મુક્તિ ઈચ્છીએ છીએ. હું લોર્ડ નઝીરને આ કહેવા જ અહીં આવ્યો છું.’
પ્રતિવિરોધ જૂથના એક આયોજક ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલના જયુ શાહે જણાવ્યું હતું કે, ‘અમે ભારતની લોકશાહીની ઉજવણી કરીએ છીએ. હવેથી અમારે વાચાળ બનવું પડશે.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નવેમ્બર ૨૦૧૭ની લંડન મુલાકાત વેળાએ પણ ડાઉનિંગ સ્ટ્રીટની બહાર બે જૂથો દ્વારા દેખાવો કરાયા હતા.
લોર્ડ અહેમદ દ્વારા હિન્દુત્વનો ઉલ્લેખ
દેખાવો દરમિયાન લોર્ડ અહેમદે જણાવ્યું હતું કે આ વાન્સ ભારતીય ડાયસ્પોરાની વિશાળ વસ્તી ધરાવતા બર્મિંગહામ અને માન્ચેસ્ટર સહિતના વિસ્તારોમાં જશે અને એપ્રિલમાં વડા પ્રધાન મોદીની બ્રિટન મુલાકાત સુધી ચાલુ રહેશે. ભારતમાં અને એડોલ્ફ હિટલરના જર્મનીમાં લઘુમતીઓ સાથેના વ્યવહારની સરખામણી કરતા તેમણે કહ્યું હતું કે, ‘અમે લોકોને કહેવા માગીએ છીએ છીએ કે તેઓ જે કહેવાતી લોકશાહીની ઉજવણી કરે છે તે ખરેખર તો હિન્દુત્વનું વિસ્તરણ છે.’ લોર્ડ નઝીર એક ભારતીય સમર્થકને એમ કહેતા સંભળાયા હતા કે,‘તમે ભારતીય RAWદ્વારા મોકલાયા લાગો છો.’ ખાલિસ્તાનતરફી એક કાર્યકરે ભારતીય દેખાવકારને ‘યુ હિન્દુ ફાસિસ્ટ’ કહ્યો હતો.
પાકિસ્તાની મૂળના લોર્ડ નઝીર અહેમદ અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાયા છે. વર્ષ ૨૦૧૩માં યહૂદી વિરોધી નિવેદનોના કારણે લેબર પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા, જે પછી તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. એકવાર નઝીરે ભારતમાં મુસ્લિમો સુરક્ષિત નથી એવું પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. પૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાને પકડવા તેમણે ૧૦ મિલિયન પાઉન્ડનું ઈનામ જાહેર કર્યાના પણ અહેવાલો છે, જેમણે તેનો ઈનકાર કર્યો છે. કટ્ટરપંથી ઈસ્લામવાદીઓ તરફ તેની કથિત સહાનુભૂતિ પણ જગજાહેર છે.
લોર્ડ અહેમદે કેમ્પેઈન શરુ કર્યું તે અગાઉ જ ભારતે બ્રિટિશ ફોરેન ઓફિસ સમક્ષ ભારતવિરોધી જૂથો દ્વારા સરકારી અને જાહેર મિલક્તોના ઉપયોગ વિશે વિરોધયાદી નોંધાવી હતી. તેમને ખાતરી અપાઈ હતી કે લંડનની ટેક્સીઓ, બસીસ અથવા જાહેર પ્રોપર્ટી પર બિલબોર્ડ્સનો ઉપયોગ આવા પ્રચાર માટે કરી શકાશે નહિ. જોકે, ખાનગી બિલબોર્ડ્સ વાનના ઉપયોગનો મુદ્દો ઉઠાવાયો ન હતો.