ભારતીય હાઈ કમિશનના સૌથી વૃદ્ધ કર્મચારી ટ્રાવિસનું નિધન

Saturday 19th November 2016 04:43 EST
 
 

લંડનઃ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનના સૌથી વયોવૃદ્ધ કર્મચારી મૌરીન ટ્રાવિસનું ગુરુવાર ૧૦ નવેમ્બરે લંડનમાં નિધન થયું છે. તેઓ ૯૦થી વધુ વયના હતા. હેમ્પશાયરના મિસ ટ્રાવિસે ૧૯૪૮માં ઈન્ડિયા હાઉસમાં સેક્રેટરિયલ કાર્ય સંભાળ્યું હતું અને તે પછી ૨૫ હાઈ કમિશનરોના હાથ નીચે લાઈબ્રેરીનો હવાલો સંભાળ્યો હતો.

કાર્યકારી ભારતીય હાઈ કમિશનર દિનેશ પટનાયકે જણાવ્યું હતું કે, ‘મૌરીન વિના ઈન્ડિયા હાઉસની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેમના અવસાનથી સર્જાયેલો શૂન્યાવકાશ કદી ભરી નહિ શકાય.’ મિસ ટ્રાવિસે ૧૯૫૬ સુધી એજ્યુકેશન વિભાગ અને લાઈબ્રેરી બન્નેમાં સમય આપ્યાં પછી લાઈબ્રેરીનો હવાલો જ સંભાળ્યો હતો. તેઓ ૨૦,૦૦૦થી વધુ પુસ્તકો અને જર્નલ્સ ધરાવતી લાઈબ્રેરીને ‘લવ્સ લેબર’ તરીકે ઓળખાવતાં હતાં.

ભારતની આઝાદી પછી નિયુક્ત પ્રથમ હાઈ કમિશનર વી.કે. મેનનથી શરૂ કરી તેમણે તમામ હાઈ કમિશનરો સાથે કામ કર્યું હતું. ૧૯૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમનાં નિવૃત્ત થવાના સમયે તત્કાલીન હાઈ કમિશનર સલમાન હૈદરે તેમને કામકાજ ચાલુ રાખવા જણાવ્યું અને તેઓ છેક સુધી કાર્યરત રહ્યાં હતાં. હાઈ કમિશનમાં ૬૮ વર્ષ નોકરી કરવાં છતાં, તેમણે કદી ભારતની મુલાકાત લીધી ન હતી. તેઓ કહેતાં કે,‘ લોકો અને પુસ્તકો દ્વારા ભારત મારામાં ધબકતું હતું.’ તેમણે લાઈબ્રેરીમાં ભારતસંબંધી તમામ પુસ્તકો વાંચ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter