ભારુલતા કાંબલેનો યુકેથી ભારતનો સોલો કાર પ્રવાસ

Tuesday 19th July 2016 15:17 EDT
 
 

લંડનઃ અગાઉ આવાં સાહસનો કોઈએ પ્રયત્ન કે વિચાર સુદ્ધાં નહિ કર્યો હોય. જોકે, ૧૮ મહિનાના વિસ્તૃત પ્લાનિંગ બાદ લૂટનના શ્રીમતી ભારુલતા કાંબલે એકલા કાર ડ્રાઈવ કરીને યુકેથી ભારત પહોંચનારી પ્રથમ મહિલા બનવાનો વર્લ્ડ રેકોર્ડ રચવાનો પ્રયાસ કરશે. આ સાથે તેઓ એકલા જ કાર ડ્રાઈવ કરીને આર્કટિક સર્કલ અને ટ્રાન્સ કોન્ટિનેન્ટલ પ્રવાસ એકસાથે કરનારી વિશ્વના પ્રથમ મહિલા પણ બનશે.

તેઓ આગામી ૩૦ જુલાઈ, ૨૦૧૬ના રોજ તેમનો પ્રવાસ શરૂ કરશે અને આર્ક્ટિક સર્કલ (આર્ક્ટિક સર્કલમાં એકલા સૌથી લાંબા અંતરનું ડ્રાઈવિંગ)માં ૨,૨૦૦ કિલોમીટરથી વધુનું ડ્રાઈવિંગ કરશે. તેઓ બે ખંડ અને ૩૨ દેશમાંથી કાર ડ્રાઈવ કરીને પસાર થશે. તેમનો આ પ્રવાસ અંદાજે ૭૫ દિવસે ઓક્ટોબરમાં પૂરો થશે.

તેમની સફર ૯ ટાઈમ ઝોન, ૩ રણ અને ૯ પર્વતમાળાને આવરી લેશે. તેમનો આ પ્રવાસ ટૂંકા સમયમાં સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધુ દેશો, ટાઈમઝોન્સ, ભાષાઓ અને સંસ્કૃતિઓ તેમજ ડ્રાઈવિંગ માટે સૌથી કપરા સંજોગોનો સામનો કરીને એકલી મહિલાએ કરેલો સૌથી લાંબો કાર પ્રવાસ હશે. શ્રીમતી ભારુલતાનું પ્લાનિંગ રાત્રે ડ્રાઈવિંગ નહીં કરવાના નિયમનું પાલન કરીને પર્વતીય વિસ્તારોમાં દરરોજ સરેરાશ ૪૦૦ કિ.મી. અને મેદાની વિસ્તારોમાં સરેરાશ ૭૦૦ કિ.મી. કાર ડ્રાઈવ કરવાનું છે.

તેઓ ઘણા યુરોપિયન દેશો અને શહેરોમાં થઈને આર્ક્ટિક સર્કલ તરફ પ્રયાણ કરશે. આર્ક્ટિક સર્કલમાં રોવાનિએમીથી તેઓ યુરોપના છેક ઉત્તરીય છેડે આવેલા નોર્ડકેપ તરફ જશે. ઈસ્ટર્ન યુરોપ, સેન્ટ્રલ એશિયા, ઈસ્ટ એશિયા અને સાઉથઈસ્ટ એશિયા થઈને ભારત જવા માટે પૂર્વ તરફ આગળ વધતા તેઓ નોર્ડકેપથી આર્ક્ટિક સર્કલમાં મહત્ત્વના વિવિધ સ્મારકોની મુલાકાત લેશે. યુકે અને ફ્રાન્સ વચ્ચેની ચેનલ ટનલ પાર કરવા સિવાય આ કાર પ્રવાસમાં તેઓ તથા તેમની કાર દ્વારા અન્ય કોઈ પ્રકારના ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ નહિ કરાય. યુકેમાં અતિઆધુનિક GPS અને અન્ય ટ્રેકરોનો ઉપયોગ કરીને ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ના પ્રતિનિધિઓ તેમના રેકોર્ડનું નિરીક્ષણ કરી તેની નોંધ રાખશે.

ભારતીય મૂળના બ્રિટિશ એશિયન તરીકે તેઓ ભારત અને યુકેના પેઢીઓ જૂના સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આ વિશિષ્ટ સંબંધની ઉજવણી કરવા ખાસ ઉત્સુક છે. આ પડકાર દ્વારા તેઓ ખાસ ભારતમાં સમાજને વધુ અસર કરતો ‘દિકરી બચાવો’, ‘દિકરી ભણાવો’નો સંદેશ ફેલાવશે અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે. આ ‘વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ્ટ’ દ્વારા એકત્ર ફંડનો ઉપયોગ યુકેમાં તેમની પસંદગીની બે કેન્સર ચેરિટીને, ‘દિકરી બચાવો’, ‘દિકરી ભણાવો’ અભિયાનને મદદ તથા ગ્રામીણ ભારતમાં આદિવાસી કન્યાઓને શિક્ષણ તથા ગરીબ અને વંચિત લોકોને મેડિકલ કેર પૂરી પાડવા થશે.

આ પ્રવાસ માટે શ્રીમતી કાંબલેને લૂટનના મેયર કાઉન્સિલર તાહિર ખાન, લોર્ડ રાણા, લોર્ડ બિલિમોરિયા અને ઈલિંગ સાઉથોલના સાંસદ વીરેન્દ્ર શર્મા સહિત સમગ્ર યુકેના લોર્ડ્સ અને સાંસદો તથા ચેરિટીઝે સપોર્ટ અને શુભેચ્છાના સંદેશા પાઠવ્યા છે.

એકલા કાર પ્રવાસમાં ડર નહીં લાગે તેવા ‘ગુજરાત સમાચાર’ના પ્રશ્રના જવાબમાં તેમણે કહ્યું હતું કે પુરુષોનું વર્ચસ્વ હોય તેવું હવે કોઈ ક્ષેત્ર નથી અને પોતે મહિલાઓ માટે સમાન ભાગીદારીમાં માને છે. આ પ્રકારની સોલો ટ્રીપની યોજના કરતા લોકોને ટીપ આપતા તેમણે કહ્યું હતું,‘ બહાદૂર બનો, લક્ષ્ય નિર્ધારિત કરો, તે હાંસલ કરવા માટે સખત પરિશ્રમ કરો. કશું જ અશક્ય નથી.’ ભારત પહોંચી જશો પછી તમારી કારનું શું, પાછાં આવવાની યોજના શું છે ? ના જવાબમાં તેમણે કહ્યું કે આ પ્રવાસ પૂરો થયાના બે-ત્રણ મહિના પછી શિપ દ્વારા પાછી ફરીશ. મહિલા સંસ્થાઓ અને ગર્લ્સ સ્કૂલોની મુલાકાત માટે ભારતની રાઉન્ડ ટ્રીપ મારવાની પણ તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter