મધ્યમવર્ગીય કરદાતાને બેનિફિટ્સ કાપ અને ટેક્સવધારાનો બેવડો માર

Wednesday 21st January 2015 06:12 EST
 

થિન્ક ટેન્કનું વિશ્લેષણ કહે છે કે બે બાળકો હોય અને બન્ને પેરન્ટ્સની વાર્ષિક આવક £૫૪,૦૦૦ કે તેથી વધુ હોય તેવા પરિવારને જાન્યુઆરી ૨૦૧૦ પછી ટેક્સ અને બેનિફિટ સુધારાઓથી સૌથી વધુ માર પડ્યો છે. લેબર પાર્ટીના નેતા એડ મિલિબેન્ડ વારંવાર ગરીબ પરિવારોના જોખમ અને હિસાબે તવંગરોને રક્ષણ આપવાનો આક્ષેપ ડેવિડ કેમરન સામે કરે છે. પરંતુ ઈન્સ્ટિટ્યુટના તારણો કહે છે કે વર્ષે £૧૦૮,૦૦૦ કે તેથી વધુ સંયુક્ત આવક ધરાવતા પરિવારો છેલ્લાં પાંચ વર્ષથી સાપ્તાહિક £૧૨૦નું નુકસાન ભોગવી રહ્યા છે. તારણો જણાવે છે કે જાન્યુઆરી ૨૦૧૦થી જે પરિવારોમાં પેરન્ટ્સની આવક £૨૩,૦૦૦ અને £૩૭,૫૦૦ની વચ્ચે હોય તેમને ચોખ્ખો લાભ થયો છે, જ્યારે બેનિફિટ્સમાં કાપના પરિણામે સૌથી ગરીબ પરિવારોની આવકમાં £૮૦ જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

ગઠબંધન સરકારમાં હજારો પરિવારોને ઊંચા ટેક્સ દરની જાળમાં ખેંચી લવાયા છે. આ સાથે ઊંચી આવક ધરાવતા પરિવારને ચાઈલ્ડ બેનિફિટમાં પણ કાપ મૂકાયો છે. વિશ્લેષણમાં એપ્રિલ ૨૦૧૦માં લેબર પાર્ટી દ્વારા ૪૦pના કરદરને વધારી ૫૦p સુધી લઈ જવાના નિર્ણયની અસરનો પણ સમાવેશ થાય છે. આ પછી કરદર ઘટાડી ૪૫ p કરવામાં આવ્યો હતો.

ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન કોમન્સના મતદાનમાં ત્રણ વર્ષની અંદર ખાધ નાબૂદ કરવાની યોજનાને ટેકો આપવા લેબર પાર્ટી પર દબાણ કરી રહ્યા છે. ચાન્સેલરનો આક્ષેપ છે કે મિલિબેન્ડ ખાનગી રાહે £૧૫ બિલિયનના ટેક્સ વધારાના આયોજનથી મોટી છેતરપીંડીનું ષડયંત્ર ઘડી રહ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટી જાહેર ખર્ચમાં £૩૦ બિલિયનનો કાપ મૂકવા પ્રતિબદ્ધ છે, પરંતુ મિલિબેન્ડ ખાધ ઘટાડવા ટેક્સ વધારવાની શક્યતા નકારતા નથી. બીજી તરફ, વડાપ્રધાન ડેવિડ કેમરને જણાવ્યું છે કે તાજેતરના વર્ષોમાં પરિવારો અને બિઝનેસીસ દ્વારા કરાયું છે તે જ રીતે બ્રિટને પણ તેના હિસાબો સરભર કરવા જ જોઈએ. આપણે આપણું દેવું વધારવાના બદલે ઘટાડતાં જવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter